
ઓફિસથી ઘરે જતા હતા: પૂરઝડપે આવેલી બસનો ડ્રાઇવર ટક્કર મારી ભાગ્યો : ગોતામાં મિની ટ્રક અડફેટે પ્રૌઢનું મોત
અમદાવાદ : અમદાવાદમાં જીવલેણ વાહન અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ચાંદખેડામાં ઓએનજીસીના કર્મચારી ઓફિસથી ઘરે જતા હતા ત્યારે બીઆરટીએસની બસે ટક્કરથી મૃત્યુ પામ્યા છે. જ્યારે, બીજા બુાવમાં ગોતામાં મીની ટ્રકની ટક્કરથી બાઈકસવાર પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું.
ચાંદખેડાના ન્યુ સીજી રોડ ઉપર આવેલા ઈશાન લકઝરીયસમાં રહેતા ગર્વિતસિંઘ રામગોપાલસિંઘ સિંઘ શેર બ્રોકર છે અને કામ માટે પૂના જવા માટે બસમાં બેસવા નીકળ્યા હતા. એવામાં જ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તેમના પિતા રામગોપાલસિંઘના મોબાઈલ ફોન ઉપરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે, તમારા પિતાને અકસ્માત થયો છે.
ગર્વિતસિંઘે આવીને જોયું તો 59 વર્ષના તેમના પિતાને ગંભીર ઈજા પહોંચેલી હતી. ઓએનજીસીમાં ફરજ બજાવતા રામગોપાલસિંઘ અવની ભવન ખાતે આવેલી ઓફિસથી છૂટીને વિજય સેલ્સની સામેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. આ સમયે એક બીઆરટીએસ પૂરઝડપે આવી હતી.
બસ આગળના ભાગેથી ટક્કર મારતા રામગોપાલસિંઘને માથા અને શરીરે ઈજા પહોંચી હતી. નજીકની ખાનગી હોસ્પિટલમાં એકાદ કલાકની સારવાર દરમિયાન જ 59 વર્ષના રામગોપાલસિંઘનું મૃત્યુ નિપજ્યું હતું. ટ્રાફિક એલ ડીવિઝન પોલીસે અકસ્માત પછી નાસી ગયેલા બીઆરટીએસના ડ્રાયવરની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બીજો જીવલેણ અકસ્માત ગોતા વિસ્તારમાં નોંધાયો છે. 18 વર્ષના કુલદિપ પટેલ ગોતા ખાતે આવેલી કોલેજમાં તા. 1ના સવારે અભ્યાસ અર્થે ગયો હતો. બપોરે 12 વાગ્યાના અરસામાં બહેન ડીમ્પલે ફોન કરીને કુલદિપને જાણ કરી હતી કે, પિતા રમેશભાઈ શામજીભાઈ પટેલને ગોતાના મહાલક્ષ્મી એસ્ટેટ પાસે અકસ્માત થયો છે.
રમેશભાઈનું અકસ્માતના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. માર્કેટિંગની ઓફિસમાં કામ કરતા રમેશભાઈ કામ માટે બાઈક લઈને નીકળ્યા હતા. એક આઈસર મીની ટ્રકે ટક્કર મારતા રમેશભાઈ બાઈક પરથી પટકાયા હતા અને તેમના પર આઈસરનું પાછળનું વ્હીલ ફરી વળતાં સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32GQ9tl
via IFTTT
إرسال تعليق