વરિષ્ઠ વાયોલિન વાદિકા એન.રાજનની વાણી 'મારી વાદન શૈલી એકસો પચાસ ટકા ગાયકી અંગની'


અમદાવાદ : 2020 અને 2021ના વસમાં વર્ષો વહ્યાને થોડાક જ કલાકો થયા છે ત્યારે એ વનવાસને ભૂલવી દે એવા સમયની આશા બંધાવતી ઘડીને આવકારીએ. જે મહારોગે મહાઅભિયાન છેડયું છે તેને છેડો છૂટી જાય એ અભ્યર્થના સાથે, સરકારની માર્ગદર્શિકાને અનુસરીને રસિકો અને સપ્તક પરિવાર ફરી એક વાર એલ.ડી. આર્ટ્સ કોલેજને આંગણે ભેગાં થઇ શક્યા છે. અનેક સંગીતપ્રેમીઓ ''ઓનલાઇન'' ''લાઇવ'' કાર્યક્રમ સંગે જોડાયાં છે તેથી એક બૃહદ્ રસિક સમાજનું નિર્માણ થયું છે અને ઉમંગ હૈયે ઉછળી રહ્યો છે. 

સપ્તકના સ્થાપક પં. નંદન મહેતાને સ્મરી, સપ્તકને સુપેરે પ્રેરકબળ પૂરૂં પાડતા દિવંગત કલાકારોની કળાને વાગોળી, નૂતન વર્ષ માટે શુભકામનાઓ વહેંચી ચાલો, જોઇએ ગત રાત્રિનો આરંભ કેવો ઝળહળ હતો! હંમેશ મુજબ 1-1-2022 અનેક કલા તેમજ સાહિત્ય - સંગીતનો સંગમ થયો. સપ્તક આર્કાઇવમાંથી 1991ની એક મોંઘેરી જણસ શ્રોતાઓને સાંભળવા મળી. સદ્ગત પં.જસરાજજીના ગાયનને રસિકોએ ચાવથી ચાહ્યું. રાગબિહાગમાં પ્રસ્તુત એમની સૂરસરિતાને કાંઠો આપ્યો પં.નંદન મહેતાએ અને તરત જ પેલા વિરહની શાંતિનો અંત આવ્યો. સૂર,તાલ અને લય લઇને પધારેલા સંગીતકર્મીઓથી મંચ શોભી ઉઠયો. 

ચાળીસી વટાવી જનારને કહેવાય છે કે ''જિંદગી ચાળીસમે વર્ષે શરૂ થાય છે''. આ ઉક્તિને સાર્થક કરતી સપ્તક શાસ્ત્રીય સંગીત સરિતાની કથા પણ એટલી જ રોચક છે. ગુમાવેલા દિવસોના વિષાદને ભૂલવી દે એવી સૂરીલી સંધ્યાનું રાત્રિમાં રૂપાંતરણ થઇ રહ્યું હતું એની તો ખબર જ ક્યાં રહી હતી? ગત રાત્રિની ત્રીજી અને અંતિમ બેઠકમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળકી ઉઠેલા સિતારા સમ, વાયોલિન વાદિની શ્રીમતી એન.રાજમ ઉપસ્થિત થયાં ત્યારે સૌનાં કાન ઊંચા થઇ જ ગયા. દક્ષિણ ભારતનું આ રત્ન હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતને વરે એ જ એક નવાઇ. કેટલાક તો તેમને કર્ણાટકી સંગીતકાર જ સમજતા પરંતુ પદ્મભૂષણ રાજમજીએ તો મૂળ કર્ણાટકી શૈલીને હિંદુસ્તાની શૈલી તરફ વાળવાનો ઇલમ કરેલો. તેમનું વાદન નવનવોન્મેષશાળી છે. ખૂબ સહજતાથી ગ્વાલિયર ઘરાના તરફ વળેલાં આ કલાકારે તો અનેક ઘરાનાનાં સારા તત્ત્વો શોધી બન્ને પ્રકારની શૈલીને સમૃદ્ધ કરી છે! પિતા વિદ્વાન નારાયણ અય્યરના ગુરૂપદ પછી એમણે મુસિરિ સુબ્રમણિયાનું શિષ્યપદ મેળવ્યું. પં.ઓમકારનાથ ઠાકુર પાસેથી તેઓ રાગ વિસ્તાર શીખ્યાં અને આ વૈશ્વિક કલાકારે ગાયકી અંગનું વાયોલિન અત્યંત લોકપ્રિય બનાવ્યું. અનેક એવોર્ડ્ઝ મેળવેલ ભારતની આ સુપુત્રીએ દેશ-વિદેશે નોંધપાત્ર પ્રસ્તુતિ વડે દેશનું નામ રોશન કર્યું છે. 

શ્રીમતી રાજમ્જી કહે છે કે ''ગુરૂકેલકરજી હાથથી તાલ આપતા અને હું પગથી'' આમ, નખશિખ એવા આ કલાકારની ખાસિયત એ છે કે તેઓ ડાબા હાથ પર વાયોલિન ટેકવી, તેની ઉપર જ બધોમદાર રાખે છે. વાયોલિનની બોઇંગ ટેકનિક પાશ્ચાત્ય શૈલીમાં જાણીતી છે તેને એમણે અપનાવી છે. એ રીતમાં આંતરિક ગૂંથણીવાળા ગમક અઘરા પડે છતાં એમણે એ અપનાવીને ''અઘરૂં'' કશું નથી એ સાબિત કરી બતાવ્યું છે.

હળવેક રહીને આરંભાયેલી રાગ ''દેશ'' આધારિત પ્રસ્તુતિમાં એન.રાજમજી જામ્યાં અને પછી તેની ધૂન તરફ વળ્યાં. સાથે જ્યારે દોહિત્રી પણ હોય ત્યારે તારવાદ્યનાં તાર વધુ કર્ણપ્રિય બની જાયને! તબલાં પર ઉ.અકરમ ખાને તાલબદ્ધ સાથ આપી કૃતિને સજાવી અને યોગ્ય ટાણે ઘર ભણી પ્રસ્થાન કરવા ઉપસ્થિત શ્રોતાજનો અને ''ઓનલાઇન'' બિરાદરો પણ તૈયાર થઇ ઘણાં વખતે ''વાહ'' બોલવાનો મોકો મળ્યાનો લુત્ફ ઉઠાવી રહ્યા. (રસાસ્વાદ - સુધા ભટ્ટ)

શુભ સંયોગિની શરણાઇએ કર્યો શાસ્ત્રીય સંગીત સમારોહનો ઉઘાડ 


આંગણિયે તોરણિયાં લટકતાં હોય, ઢોલીનો ધીરો ઢોલ ઢબૂકતો હોય ત્યારે એ સપ્પરમે દાંડે શરણાઇના સૂર અવશ્ય રેલાતા હોય છે. હા, એ શુભલગ્ન હોય કે ભક્તિના માહોલમાં આસ્થા છલકાતી હોય કે કોઇપણ અન્ય શુભ પ્રસંગ હોય ત્યારે શરણાઇ ''નોટાબેને'' એટલે કે ''પંક્તિમાં પ્રથમ જ હોય''. કર્ણાટકના સૂરીલા વાદક પંડિત ડૉ.એલ.બાલેશ ભજન્ત્રી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાની સાથે સાથે પતિયાલા ઘરાનાને પણ અનુસરે છે. એક અચ્છા ગઝલ કલાકાર એવા આ સંગીતકાર ફ્યૂઝનને પણ આવકારે છે. સુપુત્ર ડૉ.કૃષ્ણ બાલેશ સંગ એમણે ગુરૂ ઉ.બિસ્મિલ્લા ખાનજીની યાદ અપાવી દીધી. નાટક અને સંગીત નાટય અકાદમી સહિતના અનેક માન અકરામના અધિકારી એવા પં.બાલેશના ઘરમાં પણ ચાર-ચાર પેઢીઓથી શરણાઇ વાદનની પરંપરા ઉતરી આવી છે જેનાં મૂળિયાં દ્રઢતર થતાં જાય છે. રેડિયો-ટીવીના માન્ય કલાકાર પં.બાલેશની શહનાઇવાદનની શૈલી આલાપી છે. ખયાલ ગાયનની ખૂબીઓ છે. કથક નૃત્યકારને તત્કારમાં ટેકો કરે છે. સારંગી અને વાયોલિની મીંડ અને હરકતને તેઓ સન્માને છે. શરણાઇ વાદનમાં જાણે કે બાંસુરીની મીઠાશ પણ ઉમેરી જાણે છે. દેશ-વિદેશે પ્રસિદ્ધ પં.બાલેશજીને ગઇ રાત્રિએ રાગ પૂરિયા કલ્યાણથી આરંભ કર્યો. રાગ દેશની ધૂને સૌને ડોલાવ્યા અને સમારંભ આ જ રીતે આગળ વધે એ માટે સૌએ કામના કરી. 


પ્રથમ સંધ્યાની દ્વિતીય બેઠકે કલાભૂમિ કલકત્તાનાં કલાધારિત્રી શ્રીમતી રોઝી દત્તાએ આસન શોભાવ્યું અને હળવેકથી રાગ શ્યામ કલ્યાણનો ઉપાડ કર્યો. ગ્વાલિયર ઘરાનાના આ કલાકારે સંગીત ક્ષેત્રેરત એવા પરિવારમાં જન્મ્યાં અને માતૃશ્રી પાસેથી સંગીતની દીક્ષાશિક્ષા પ્રાપ્ત કરી. ઠરેલ સૂરનાં આ ગાયિકા દેશવિદેશે પ્રસિદ્ધિ પામી કામિયાબ સાબિત થઇ રહ્યાં છે. સુદ્રઢ આલાપ-તાન અને રાગ વિસ્તારથી તેમનું ગાયન શોભી રહ્યું. મધ્યલય એકતાલથી દ્રૂતલય તીનતાલ સુધીની એમની ગઇકાલની યાત્રા રસપ્રદ રહી. 

''આજ સખી મેરે ગુરૂ ઘર આયો

મેરે મન આનંદ ભયો રે...

જનમ જનમ કે મેરે ભાગ જાગે..''

પ્રસ્તુત રજુઆતમાં રોઝીજી એવાં ખીલ્યાં કે એક અદ્દભુત વાતાવરણ સર્જાયું. નકુલ મિશ્રાજીનાં તબલાં, રાજુ ગાંધર્વજીના હાર્મોનિયમની સરવાણી અને ઇકરામ ખાનજીની સારંગી પણ રસિકોના મન સુધી ગમન કર્યું. પ્રથમ પ્રસ્તુતિમાં બિમલ ભટ્ટાચાર્યજીના તબલાં વાદન અને પ્રકાશ બાલેશની સંગતને પણ સૌ મનોમન યાદ કરતાં રહ્યાં. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Hs7FjP
via IFTTT

Post a Comment

أحدث أقدم