
નવી દિલ્હી, તા. 24 જુલાઈ 2020, શુક્રવાર
કોરોના વાયરસની સૌથી સસ્તી દવા તૈયાર થઈ ગઈ છે અને એક દવા કંપનીને તેને બજારમાં મુકવાની મંજૂરી પણ મળી ગઈ છે. દવા કંપનીને આ દવા બજારમાં મુકવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ મંજૂરી આપી છે અને આ દવાની એક ટેબ્લેટ માત્ર 59 રૂપિયામાં મળશે. આ દવાનું નામ ફેવિટોન (Faviton) છે અને બ્રિન્ટન ફાર્માસ્યુટિકલ કંપનીએ તેનું નિર્માણ કર્યું છે.
કંપનીએ કરેલા દાવા પ્રમાણે તે એક એન્ટીવાયરલ ડ્રગ છે જે કોરોના વાયરસ સામે લડવામાં કોરોનાના દર્દીઓની મદદ કરશે. આ દવા ફેવિપીરાવીર (Favipiravir) તરીકે પણ બજારમાં વેચાય છે. બ્રિન્ટન ફાર્મા કંપનીના કહેવા પ્રમાણે ફેવિટોન 200 મિલીગ્રામની ટેબ્લેટમાં આવશે અને એક ટેબ્લેટની કિંમત 59 રૂપિયા હશે. આ કિંમત મેક્સિમમ રિટેઈલ પ્રાઈઝ ગણાશે અને આ દવાને તેનાથી ઉંચી કિંમતે નહીં વેચી શકાય.
બ્રિન્ટન ફાર્માના સીએમડી રાહુલ કુમાર દર્ડાના કહેવા પ્રમાણે તેઓ ઈચ્છે છે કે આ દવા દેશના દરેક કોરોના દર્દીને મળે અને માટે તેઓ તેને દેશના દરેક કોવિડ સેન્ટર સુધી પહોંચાડશે. વધુમાં તેમણે તેમની દવાની કિંમત ફિક્સ છે અને તે એક સસ્તી દવા છે તેમ પણ કહ્યું હતું.
કંપનીના કહેવા પ્રમાણે હાલ બધાને ફેવિપીરાવીર દવાની જરૂર છે. આ દવા એવા દર્દીઓ માટે ખૂબ જ સારી રહેશે જે કોરોનાના હળવા કે મધ્યમ સંક્રમણનું ભોગ બન્યું હોય. ભારતમાં ડીસીજીઆઈએ કોરોના વાયરસની ઈમરજન્સી સ્થિતિને ધ્યાનમાં રાખીને જૂન મહીનામાં ફેવિપીરાવીરને મંજૂરી આપી હતી અને હવે તેને બજારમાં લાવવાની મંજૂરી મળી ગઈ છે. બ્રિન્ટન ફાર્મા જાપાનની ફૂજીફિલ્મ તોયોમા કેમિકલ કંપની સાથે એવીગન નામની દવા બનાવી રહી છે જે ફેવિટોનનું જેનેરિક વર્ઝન છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eXywpk
via IFTTT
إرسال تعليق