સૈજપુર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે પુત્રની નજર સામે વૃધ્ધ માતાનું મોત

અમદાવાદ,મંગળવાર 

નરોડા વિસ્તારમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે મહિલાના મોત થયા હતા. જેમાં ખાસ કરીને સૈજપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પુત્રની નજર સામે અકસ્માતમાં  વૃધ્ધ માતાનું મોત થયું હતું. જ્યારે નરોડા પાટિયા પાસે અજાણી મહિલાનું વાહન અકસ્માતમાં મોત નીપજ્યું હતું, આ બન્ને બનાવમાં અકસ્માત કરીને વાહન ચાલક ફરાર થઇ ગયા હતા. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વાહન ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

નરોડા પાટિયા નજીક  વહેલી પરોઢે અજાણી મહિલાને મોતને ઘાટ  ઉતારી વાહન ચાલક ફરાર

આ કેસની વિગત એવી છે કે  નવા નરોડા હરિદર્શન ચાર રસ્તા પાસે સ્વામિનારાયણ પાર્ક ખાતે રહેતા નાગજીભાઇ મગનભાઇ વાઘેલા (ઉ.વ.૪૫)એ ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધાવ્યો છે કે તા.૨૯ના રોજ યુવક તેમના ૭૨ વર્ષના માતાને બાઇક ઉપર બેસાડીને અસારવા જતા હતા, ત્યારે બપોરે ૧૨ વાગે સૈજપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પાછળથી આવી રહેલા અજાણ્યા ટુ વ્હીલર ચાલકે સ્પીડમાં આવીને ફરિયાદીના બાઇકને ટક્કર મારી હતી જેથી બાઇક પાછળ બેઠેલા માતા ઉછળીને રોડ ઉપર પડતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેમનું સારવાર દરમિયાન મોત થયું  હતું.

બીજા બનાવમાં આજે સવારે પાંચ વાગે નરોડા બેઠક થી પાટિયા તરફ જતા રોડ ઉપર આવેલી ઉજજીવન સ્મોલ ફાયનાન્સ બેન્ક સામે  અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે વાહન હંકારી લાવીને રોડ ક્રોસ કરી રહેલી  ૫૦ વર્ષની અજાણી મહિલાને ટક્કર મારી હતી, મહિલાને માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બન્ને ઘટના અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે  ફરાર થઇ ગયેલા વાહન ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zoBPBE
via IFTTT

Post a Comment

أحدث أقدم