
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
વાઈબ્રન્ટ ગુજરાતનો આરંભ ૨૦૦૦ ડ્રોનથી અદભૂત નજારો પેશ કરવાથી કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. કોરોના કાળમાં પણ ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા તેની ચરમસીમાએ હોવાની ભાવનાને આ સાથે જ ઉજાગર કરવામાં આવશે.દસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિરના કન્વેશન સેન્ટરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી આવૃત્તિનું ઉદઘાટન યોજવામાં આવે તે પૂર્વે જ ભવ્યાતિભવ્ય ડ્રોન શો યોજવામાં આવશે. આ પ્રસંગે વિશ્વના બિઝનેસ લીડર્સ ઉપસ્થિત રહેશે. તેમ જ મોટી કંપનીઓના અને વિદેશી કંપનીઓના સીઈઓ અને જુદાં જુદાં દેશના એમ્બેસેડર્સ હાજરી આપશે. વિશ્વના ટ્રેડ અને બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
દસમી વાઈબ્રન્ટ સમિટમાં દાયકાઓથી સંબંધ ધરાવતા રશિયા અને ભારતના મોભીઓ આ સમિટમાં ઉપસ્થિત રહેશે. ૧૦મી જાન્યુઆરીએ થનારી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં રશિયન મહાસંઘના દૂર પૂર્વના દેશોના વડાઓ, ગવર્નર્સ હાજરી આપશે. આ સાથે જ રશિયાના દેશો સાથે વેપાર, વાણિજ્યના ક્ષેત્રમાં સહયોગ વધારવા અંગે ચર્ચાઓ કરીને નવા આયોજનો કરવામાં આવશે. રશિયાના દેશો તરફથી ગુજરાતમાં નવા રોકાણો કરવાને મુદ્દે પણ આ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ચર્ચા થશે. ભારતભરમાં માળખાકીય સુવિધા ઊભી કરવા માટેનો રૃ.૧૦૦ લાખ કરોડના ખર્ચેના અંદાજનો પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની પણ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટિમાં જાહેરાત કરવામાં આવશે. આ પ્લાનની જાહેરાતથી આગામી ૨૫ વર્ષના ગાળામાં ભારતનું અર્થતંત્ર કેવી કરવટ બદલશે તેનો પણ અંદાજ આપવામાં આવશે.મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને આદિત્ય બિરલા તથા ટેલિકોમ સેક્ટરની કંપનીઓના મહાનુભાવો આ સમારોહમાં હાજરી આપશે.
આ સાથે જ મેન્યુફેક્ચરિંગના સેક્ટરમાં આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાના પ્રધાનમંત્રીના સપનાંને સાકાર કરવા માટે તથા ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વૈશ્વિકસ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમનો પણ અંદાજ આ સમિટ દરમિયાન પ્રથમ દિવસે જ યોજવામાં આવેલા સેમિનાર મારફતે અંદાજ આપવામાં આવશે. પ્રોડક્શન લિન્ક ઇન્સેન્ટિવ સ્કીમના માધ્યમથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નબળાઈઓ કેવી રીતે દૂર કરવામાં આવશે અને લાર્જ સ્કેલ પર પ્રોડક્શનને કેવી રીતે લઈ જવામાં આવશે તેનો પણ અંદાજ આ સાથે જ આપવામાં આવશે. મોટા પાયે ઉત્પાદન કરીને કાર્યક્ષમતા વધારવાના આયોજનનો અંદાજ પણ સમિટ દરમિયાન થનારા સેમિનારમાં આપવામાં આવશે.
ભારત સરકારે ચીલો ચાતરીને બિઝનેસ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરેલા સુધારાઓ અને લીધેલા નીતિ વિષયક પગલાંઓનો અંદાજ પણ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવનારાઓને આપવામાં આવશે. સરકાર નવસંસ્કરણ, ટેકનોલોજી અને નવી નીતિઓના કાર્યક્ષમ અમલીકરણ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેવો સંદેશો આપીને વેપાર ઉદ્યોગોને કોમ્પ્લાયન્સ કરવામાં ઓછામાં ઓછી તકલીફ પડે તેવી બાંયધરી પણ નવા સાહસિકોને ભારત સરકાર તરફથી આપવામાં આવશે. આ સાથે જ નેપાળ અને શ્રીલંકા કંટ્રી સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pVvU3Z
via IFTTT
إرسال تعليق