
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
ગુજરાતની દસમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં નાયરા એનર્જીના એક્ઝિક્યુટીવ ચેરમેન ટોની ફાઉન્ટેઈન, સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકી, જાપાન બેન્ક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેનનના ગવર્નર તાડાશી માએડા હાજરી આપશે. તદુપરાંત રશિયાના પ્રાઈમ મિનિસ્ટર મિખેઈલ વ્લાદીમિરોવિચ મિશ્ટિન, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપે જેસિન્ટો નાયુસી, મોરેશિયસના પ્રાઈમિનિસ્ટર પ્રવિન્દ કુમાર જુગ્નાઉથ, નેપાળના પ્રધાનમંત્ર શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના પ્રાઈમિનિસ્ટર જેનાઝ જેન્સા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબસ સમિટમાં હાજરી આપશે. ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાં રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા અને સુનિલ ભાતી મિત્તલ હાજર રહેશે. તદુપરાંત એન.ચંદ્રશેખરન, અશોક હિન્દુજા અને હર્ષ ગોએન્કા પણ વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપવાના છે.
આ સાથે જ મેસેજ ગયો છે કે કોવિડનો ચેપ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવા ગુજરાત સરકાર મક્કમ છે. દસમી જાન્યુઆરીએ પ્રધાન મંત્રી વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદઘાટન કરશે. વિદેશથી આવનારા અતિથિઓ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત રાખવામાં આવ્યા છે. આરટી-પીસીઆર ટેસ્ટ કરાવીને આવનારાઓને જ મહાત્મા મંદિર ખાતેના ઉદઘાટન સમારોહમાં હાજર રહેવા દેવામાં આવશે. વિદેશથી આવનારા અતિથિઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકશે. કોઈ અતિથિ સિવિલ હોસ્પિટલ સુધી જઈને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી ન શક્યા હોય તેમને માટે વાઈબ્રન્ટ સમિટના હોલની બહાર જ એટલે કે પ્રવેશ દ્વાર નજીક જ આરટી પીસીઆર ટેસ્ટ કરવાની સુવિધા ઊભી કરવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય ખાતાના અધિકારીઓ આ માટેના જરૃરી મેડિકલ ઉપકરણો લઈને ઉપસ્થિત રહેશે. આ કામગીરી માટે ચાર અલગ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે.
આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવનારા અતિથિને તરત જ આઈસોલેશન વોર્ડમાં મોકલી દેવામાં આવશે. મહાત્મા મંદિર ખાતે જ આ પ્રકારના બે આઈસોલેશન રૃમ તૈયાર કરવામાં આવ્યા છે. વિદેશથી આવનારા મહાનુભાવોમાંથી કોઈ કોરોના પોઝિટિવ આવે તો તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિશ્વના ૧૫ દેશના વિદેશ મંત્રીઓ પણ હાજરી આપશે. ચાર દેશના ગવર્નરે પણ તેમાં હાજરી આપવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનારા વાઈબ્રન્ટના ઉદઘાટન સમારોહમાં તેઓ હાજરી આપશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3HBbseI
via IFTTT
إرسال تعليق