
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
આઠ વર્ષ પૂર્વે મૃત પામેલી વ્યક્તિનો આધારકાર્ડ પર કોઈ ભળતી જ વ્યક્તિનો ફોટો લગાડીને આધારકાર્ડના પુરાવા તરીકે મૂકીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રજિસ્ટ્રેશન નંબર ભાવનગરના વકીલ પાસે નોટરી કરાવીને લેવામાં આવ્યો હોવાની એક લેખિત રજૂઆત કેન્દ્રના જીએસટી અધિકારીઓની અમદાવાદ કચેરીમાં આપવામાં આવ્યાને બે મહિનાથી વધુ સમય વીતિ ગયો હોવા છતાંય આ નંબર રદ કરવાની કોઈ જ કાર્યવાહી અધિકારીઓએ કરી નથી. પરિણામે સીજીએસટી-કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીના અધિકારીઓ બોગસ બિલિંગ કરનારાઓ સાથે ભળેલા હોવાની કે તેમની સાથેની મિલીભગતમાં જ બોગસ બિલિંગ કરતા હોવાની શંકાઓ મજબૂત બની રહી છે.પરિણામે અધિકારીઓ સામે પણ પગલાં લેવાની માગણી બુલંદ બની રહી છે.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા બી.ડી. પટેલ હાઉસમાં આવેલી સીજીએસટીના ડિવિઝન ૬ની રેન્જ ૩ના આસિસ્ટન્ટ કમિશનરને રાજદેવ બળદેવભાઈ પટેલ દ્વારો કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે લોટસ એન્ટરપ્રાઈસ નામની કંપનીના માલિક ભાવેશ ભાયાભાઈ રાઠોડને નામે જીએસટી નંબર આપવામાં આવ્યો છે. આ જીએસટી નંબરમાં અમારા અમદાવાદ ખાતેના ઘાટલોડિયાની ૪૩-શ્રીકુંજ સોસાયટી-પ્રભાત ચોકને નામે આપવામાં આવેલો છે. આ માટેનો ભાડાં કરાર ખોટો ઊભો કરવામાં આવેલો છે. અમારા સરનામાના ખોટા દસ્તાવેજને આધારે આપવામાં આવેલો જીએસટી નંબર ૨૪એઓપીપીઆર૪૪૪૩એ૧ઝેડએન છે. આ નંબરથી અમે કોઈ જ લેવડદેવડ કરતા નથી.
આ જીએસટી નંબર લેવા માટે જે આધારકાર્ડ નંબર આપવામાં આવ્યો છે તે નંબર રાજદેવ પટેલના પિતા બળદેવભાઈ પટેલનો છે. તેના પર ફોટો લગાડવામાં આવ્યો છે તે કોઈ અન્ય વ્યક્તિનો છે. આ નંબર આપતી વખતે સીજીએસટીના અધિકારીએ સ્પોટ વિઝિટ કરેલી જણાતી નથી. આ જીએસટી નંબર ખોટી રીતે લેવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હોવા છતાંય રદ કરવામાં આવ્યો નથી.
ફરિયાદ કરનારે આ નંબર રદ ન કરવાના કારણો આપવાની માગણી પણ કરી છે. આ સાથે જ આ નંબર ઇશ્યૂ કરવા માટે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માગણી પઁણ કરવામાં આવેલી છે. બોગસ બિલિંગ માટે અમારા નામનો કોઈ ઉપયોગ કરી રહ્યું છે તેવી દહેશત પણ રાજદેવ પટેલે ફરિયાદમાં વ્યક્ત કરી છે. બોગસ જીએસટી રજિસ્ટ્રેશન નંબરની ફરિયાદના સંદર્ભમાં શાં પગલાં લેવામાં આવ્યા તે અંગે માહિતી અધિકાર હેઠળ માગવામાં આવેલી માહિતી પણ આપવામાં અધિકારીઓ ગલ્લાંતલ્લા ંકરી રહ્યા છે. તેથી પણ તેમનું વલણ શંકાસ્પદ હોવાનું જણાય છે.
સ્ટીલના ભંગારના વેપાર સાથે સંકળાયેલી કથિત કંપની દ્વારા આ નંબરનો ઉપયોગ કરીને ઈ-વૅ બિલ પણ કઢાવવામાં આવી રહ્યા છે. રાજદેવ પટેલની દુકાનના સરનામાનો ઉપયોગ કરીન સાગર એન્ટર પ્રાઈસને પણ નવેસરથી જીએસટી નંબર આપવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આમ ગમે તેના સરનામા અને આધારકાર્ડનો બોગસ બિલિંગ કરનારાઓ ઉપયોગ કરી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32HFkHG
via IFTTT
Post a Comment