
અમદાવાદ, તા. 18 ઓગસ્ટ, 2020, મંગળવાર
વર્ષ 2013ના જજીસ બંગ્લો નજીક થયેલા ચકચારી બી.એમ.ડબલ્યૂ. હિટ એન્ડ રન કેસના દોષિત વિસ્મય શાહે જેલમાં સરેન્ડર થવામાં વધારે સમય માગતી અરજી સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી છે.
કોરોનાના કારણે અગાઉ સુપ્રીમ કોર્ટે વિસ્મયને ચાર મહિનાની રાહત આપી હોવાથી ફરી મુદત વધારવાની અરજી ફગાવવાનું સુપ્રીમ કોર્ટનું વલણ જોઇ અરજી પરત ખેંચવામાં આવી છે. હવે વિસ્મય શાહ જેલ ઓથોરિટી સમક્ષ સરેન્ડર થશે અને ત્યારબાદ હાઇકોર્ટ સમક્ષ યોગ્ય રાહત માટે માગણી કરશે.
જેલ સમક્ષ સરેન્ડર થવામાંથી અપાયેલી રાહત વધારવાની અરજીની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ કે.એમ. જોસેફ સમક્ષ યોજાઇ હતી.
કોરોનના કારણે વિસ્મયને સરેન્ડર થવામાંથી કુલ ચાર મહિનાની રાહત મળી ચૂકી હોવાથી અરજી ફગાવવાનું વલણ સુપ્રીમ કોર્ટ દ્વારા અપનાવવામાં આવ્યું હતું. જેથી વિસ્મય તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે તે હવે જેલ ઓથોરિટી સમક્ષ સરેન્ડર થશે અને ત્યારબાદ યોગ્ય રાહત માટે હાઇકોર્ટ સમક્ષ માગણી કરશે.
બેફામ ગાડી હંકારી બે યુવાનોના જીવ લેવાના કેસમાં વર્ષ 2015માં સેશન્સ કોર્ટે વિસ્મય શાહને દોષિત ઠેરવી પાંચ વર્ષની સજા ફટકારી હતી. ફેબુ્રઆરી-2020માં હાઇકોર્ટે પણ વિસ્મયને દોષિત ઠેરવી સજા યથાવત્ રાખી છે અને ગત એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે પણ વિસ્મયની અપીલ ફગાવી સજા યથાવત્ રાખી હતી.
ગત એપ્રિલમાં અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે વિસ્યમને જેલમાં સરેન્ડર થવાનો આદેશ કર્યો હતો. જો કે કોરોનાની પરિસ્થિતિના કારણે વિસ્મયે સુપ્રીમમાં સરેન્ડરની મુદત વધારવાની અરજી કરી હતી. જેમાં 16મી એપ્રિલના રોજ તેને બે મહિનાની રાહત અપાઇ હતી અને આ રાહત પૂર્ણ થતા 16મી જૂનના રોજ ફરી તેને બે મહિનાની રાહત અપાઇ હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/319POvE
via IFTTT
Post a Comment