ચૂંટણીકાર્ડના પીવીસી સ્માર્ટકાર્ડ કાઢવાની કામગીરી બે માસથી બંધ, અરજદારો ત્રસ્ત

અમદાવાદ,તા.16 ડિસેમ્બર 2021,ગુરૂવાર

અમદાવાદમાં ચૂંટણીના પીવીસી સ્માર્ટકાર્ડ કાઢવાની કામગીરી છેલ્લા બે માસથી બંધ પડી હોવાથી રોજના હજારો લોકો સ્માર્ટકાર્ડ માટે ફાંફા મારી રહ્યા છે. કલેક્ટર કચેરી , દસક્રોઇ મહેસુલ ભવન સહિતની કચેરીઓમાં અરજદારો પીવીસી પ્રકારના નવા ચૂંટણીકાર્ડ માટે આવે છે તો હાજર સ્ટાફ આ પ્રકારની કામગીરી બંધ હોવાનું જણાવી અરજદારોને પાછા ધકેલે છે. છેલ્લા બે માસથી અરજદારો કાગડોળે સ્માર્ટકાર્ડની રાહ જોઇ રહ્યા છે, પરંતુ દરેક ધક્કે નિરાશા સાંપડી રહી છે. આ સંજોગોમાં હાજર સ્ટાફ અને અરજદારો વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને જે અરજદારોના ચૂંટણીકાર્ડ ખોવાઇ ગયા છે અને તેઓએ તાત્કાલિક ચૂંટણીકાર્ડની જરૂર છે તેવા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 

દસક્રોઇ મહેસુલ ભવનમાં ચૂંટણી કાર્ડની કામગીરી માટે રોજના પાંચસો જેટલા અરજદારો આવતા હોય છે. સ્માર્ટકાર્ડ  નીકળતું નથી. હાજર સ્ટાફ જણાવી રહ્યો છેકે દિવાળી પહેલાથી સર્વરમાં ૫૦૩ ની એરર આવી રહી છે. જેના કારણે સ્માર્ટકાર્ડ નીકાળવાની આખી પ્રક્રિયા જ બંધ પડી છે. સર્વર ચાલુ થશે પછી જ  આ કાડ ર્ નીકળશે. બીજી તરફ કલેક્ટર કચેરીથી માંડીને જ્યાં જ્યાં આ પ્રકારની કામગીરી ચાલતી હોય છેતે દરેક જગ્યાએ અરજદારો જઇ આવ્યા છે. તેઓને દરેક જગ્યાએથી પાછા ધકેલવામાં આવી રહ્યા છે.

જુના ચૂંટણીકાર્ડને આધારે નવું સ્માર્ટકાર્ડ કઢાવવું હોય, કે પછી કોઇપણ પ્રકારના સરકારી કે અર્ધસરકારી કામમાં સ્માર્ટકાર્ડની તાત્કાલિક જરૂર ઉભી થઇ હોય તેવા કિસ્સામાં અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે. 

ગામે ગામથી અરજદારો આવતા હોય છે, કાર્ડ કેમ નીકળતા નથી  ? અને તે હવે પછી ક્યારે નીકળતા થશે ? તે અંગેની કોઇ ચોક્કસ જાણકારીના અભાવે લોકો  અવઢવની સ્થિતિમાં છે અને અઠવાડિયામાં બે વખત ધક્કા ખાઇને સમય, શક્તિ અને પૈસાનો વેડફાટ કરીને પણ વિલા મોઢે પાછા ફરી રહ્યા છે. અરજદારોની માંગણી છેકે ચૂંટણીકાર્ડ પીવીસી સ્માર્ટકાર્ડ કાઢી આપવાની કામગીરી સત્વરે ચાલુ કરવામાં આવે કે જેથી કરીને હજારો અરજદારોના કામ ઉકેલ પામે. 

જાન્યુઆરીના અંત સુધીમાં ચૂંટણીકાર્ડના સ્માર્ટકાર્ડ કાઢવાની કામગીરી શરૂ થશે

આ અંગે એક અધિકારીના જણાવ્યા મુજબ જાન્યુઆરી માસના અંત ભાગમાં આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે ત્યાર બાદ જ ચૂંટણીકાર્ડના નવા સ્માર્ટકાર્ડ નીકળી શકશે. ત્યાં સુધી આ કામગીરી ચૂંટણીપંચના આદેશથી જ બંધ કરી દેવામાં આવી છે. 

તાજેતરમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચલાવાયો હતો. જેમાં લાખોની સંખ્યામાં અરજીઓ આવી છે. નવા મતદાર બનવા, ચૂંટણીકાર્ડમાં સુધારા-વધારા માટે, સ્થળાંતરના કિસ્સામાં, નામ કમી સહિતની સુધારવધારાની કામગીરી ચાલી રહી છે. આવેલી અરજીઓનો નિકાલ કરવાનો હોવાથી હાજર ડેટાને હાલમાં બ્લોક કરી દેવાયો છે.  ડેટા મિસમેચ થવાની શક્યતા હોવાથી આ કામગીરી બંધ છે. સુધારા-વધારા સાથેની નવી મતદારયાદી બહાર પડયા બાદ જ અરજદારો સ્માર્ટકાર્ડ કઢાવી શકશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33Cs336
via IFTTT

Post a Comment

Previous Post Next Post