દસક્રોઇ તાલુકા મહેસુલ ભવનમાં 3 દિવસથી તમામ કામગીરી બંધ

અમદાવાદ,તા.16 ડિસેમ્બર 2021,ગુરૂવાર

વસ્ત્રાલમાં આવેલ દસક્રોઇ તાલુકા મહેસુલ ભવનમાં બીએસએનએલનો વાયર કપાઇ જવાના કારણે નેટ ન હોવાથી છેલ્લા ત્રણ દિવસથી મહેસુલ ભવનની તમામ પ્રકારની કામગીરી બંધ પડી છે. રોજના હજારો અરજદારો ધક્કા ખાઇ રહ્યા છે, નેટ નથી , નો જવાબ મળી રહ્યો છે. ક્યારે નેટ સેવા પૂર્વવત થશે તેનો પણ ચોક્કસ સમયગાળો બતાવવામાં આવી રહ્યો ન હોવાની સ્થિતિમાં વિવિધ કામ અર્થે આવેલા અરજદારો હેરાનગતિ ભોગવી રહ્યા છે.

દસક્રોઇ મહેસુલ ભવનમાં ચૂંટણીલક્ષી, દસ્તાવેજો નોંધણી, વૃદ્ધ સહાય, પેન્શનને લગતી, ઇ-ધરા, પુરવઠા વિભાગની રેશનકાર્ડને લગતી, ખેડૂત પ્રમાણપત્ર આપવા, ઇ-શ્રમકાર્ડમાં નોંધણી, રેવન્યુ, આવકના દાખલા, ૭-૧૨ અને ૮-અ ના ઉતારા કઢાવવા, મરણના પ્રમાણપત્રો લેવા સહિતની જાહેર પબ્લિકને લગતી તમામ પ્રકારની કામગીરી નેટ સેવા બંધ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી ઠપ થઇ ગઇ છે.

નેટનો કેબલ કપાઇ ગયો હોવાથી આખા ભવનની તમામ કામગીરી આટલા દિવસથી બંધ હોવા છતાંય અધિકારીઓ અરજદારોના હિતમાં ગંભીરતાથી કોઇ પગલા લેતા નથી, કેબલનું જોડાણ પૂર્વવત અને ઝડપભેર થઇ જાય તેવા પ્રયાસો કરતા ન હોવાની અરજદારોની ફરિયાદ છે. નેટ સેવા બંધ હોવાથી અરજદારો ધક્કા ખાઇ રહ્યા છે તેવામાં અધિકારીઓ-ર્ક્મચારીઓને નેટના બહાના હેઠળ દૈનિક કામ કરવામાંથી રાહત મળી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

હજારો અરજદારો હેરાન થઇ રહ્યા છે. અનેક પ્રકારના સરકારી કામો અટવાઇ પડયા છે તેવામાં ત્રણ-ત્રણ દિવસ સુધી નેટના કેબલનું કામ કરી શકાયું નથી તે શરમનો વિષય છે. 

નોંધપાત્ર છેકે આ કચેરીમાં નેટનો વાયર વારંવાર કપાઇ જવાના કિસ્સા બની રહ્યા છે. લોકો હેરાન થઇ રહ્યા છે . અરજદારોની માંગણી છેકે નેટનો વાયર કપાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dWMpFZ
via IFTTT

Post a Comment

Previous Post Next Post