અમદાવાદ,તા.18 ડિસેમ્બર 2021,શનિવાર
પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વકરી છે. લોકો રોડ પરના ટ્રાફિકમાં અને સિગ્નલો પાર કરવામાં કલાકો વેડફી રહ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા પડી ભાંગી હોય તેવો માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. મોડલ રોડ, રિંગ રોડ, ૧૩૨ ફૂટના રોડ પણ હવે નકામા પુરવાર થઇ રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે. ટ્રાફિક પોલીસ પણ હાથ અદ્ધર કરીને હવે સાઇડમાં ખસી રહી છે, વાહનચાલકોને તેમના હાલ પર પડતા મૂકી દેવાયા હોય તેવા દ્રશ્યો શહેરના વિસ્તારોમાં ઠેરઠેર જોવા મળી રહ્યા છે. પીક અવર્સની વાત દુર રહી હવે તો બપોરે પણ રોડ પર ચક્કજામની સ્થિતિ સામાન્ય બાબત બની જવા પામી છે. વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવે લોકોની કમરતોડી નાંખી છે બીજી બાજુ ટ્રાફિકજામમાં પેટ્રોલના ઉડતા ધૂમાડાએ પણ લોકોને પરેશાન કરી દીધા છે.
શહેરની ફરતે આવેલો સરદાર પટેલ રિંગ રોડ પોતે ટ્રાફિક ભારણમાં ગરકાવ થયો છે. ઉત્તર ભારત તરફથી આવતો અને મુંબઇ, સૌરાષ્ટ તરફ જતો ટ્રાફિક રિંગ રોડ પર દિવસ-દિવસે સ્થિતિ વકરાવી રહ્યો છે. ટ્રાફિક સેન્સ, નિયમન અને નિયમોના અભાવ વચ્ચે લોકો મનફાવે તેવી રીતે અને રોંગસાઇડમાં બેફામપણે વાહન હંકારી ટ્રાફિકજામ કરી રહ્યા છે, બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
હમણા લગ્નગાળો પુરો થયો, લગ્ન સિઝનમાં રિંગ રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. હજારો વાહનચાલકો ટ્રાફિકમાં એવા તો ફસાયા હતા કે મિનિટો સુધી ટસનામસ ન થઇ શકે, કોબા સર્કલ થી રણાસર, નરોડા, નિકોલ સર્કલ સુધીનો આખો રિંગરોડનો પટ્ટો વાહનોની ભરમાર અને અવ્યવસ્થા વચ્ચે દબાઇ ગયો હતો.
આવા દ્રશ્યો કોઇ એક પ્રસંગ પુરતા સિમિત રહ્યા નથી, રિંગ રોડ પર દૈનિક ધોરણે ટ્રાફિકજામ રહે છે. ટ્રાફિક પોલીસને ટ્રાફિક નિયમનના બદલે અન્ય રાજ્યની ફોર વ્હિલર ગાડીઓ રોકીને તેમની પાસેથી યેનકેન પ્રકારે પૈસા પડાવવામાં વધુ રસ હોય છે. રણાસર સર્કલ, ઓઢવ સર્કલ, રામોલ સર્કલ અને હાથીજણ સર્કલ આ બાબત માટે વધુ વગોવાયેલા છે.
ટ્રાફિક માટે ફક્ત પોલીસ સ્ટાફ જ જવાબદાર છે એવું નથી.ઔડા અને મ્યુનિ.તંત્રનો પણ એટલો જ વાંક છે. રિંગ રોડ પર એક વર્ષથી સર્વિસ રોડ ખોદી રહ્યો છે, તૂટેલા રોડ મરામત કરાતા નથી, ચોમાસામાં પડેલા ભૂવાઓનું મરામત કામ હજુ પુરૂ કર્યું નથી.
ડાવયવર્ઝન અપાયેલા છે, બ્રિજોના કામ પુરા થયા નથી, સાંકળી પટ્ટીમાંથી , ધૂળિયા રોડ પરથી વાહનવ્યવહાર ચાલી રહ્યો છે. સ્ટ્રીટલાઇટો બંધ પડી છે, ગટરો ઉભરાઇ રહી છે. આટ આટલી અવ્યવસ્થા વચ્ચે સારી રીતે વાહન વ્યવહાર કેવી રીતે પસાર થઇ શકે? વાહનચાલકો પણ ટ્રાફિકજામ માટે જવાબદાર છે. થોડી ઘણી પણ રાહ જોવા કોઇ તૈયાર નથી, પોતે નીકળી જવું છે બીજા ભલે ટ્રાફિકમાં ફસાયેલા પડયા રહે તેવી માનસિકતા પણ ટ્રાફિકજામ માટે જવાબદાર છે.
નવા બનેવા બ્રિજ શોભાના ગાંઠિયા બન્યા, ટ્રાફિક સમસ્યા યથાવત !
સ્માર્ટસિટીમાં ટ્રાફિકજામની સમસ્યા ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવાયા છે પરંતુ આ બ્રિજો પણ કારગર નીવળ્યા ન હોવાનું લોકો અનુભવી રહ્યા છે, સીટીએમ ચાર રસ્તા પર ડબલ ડેક્કર ઓવોરબ્રિજ છે તેમ છતાંય ચાર રસ્તા પર આખો દિવસ વાહનો ફસાયેલા પડયા હોય છે. લોકો ઓવરબ્રિજનો ઉપયોગ કરતા નથી શોર્ટકટ રસ્તો અપનાવી જલદી નીકળી જવા મથામણ કરતા હોય છે.
અમરાઇવાડી બ્રિજની પણ આ દશા છે. ઓઢવ ઓવરબ્રિજ બન્યાને બે વર્ષથી વધુ સમય થઇ ગયો પરંતુ આ બ્રિજ ટ્રાફિકજામની સમસ્યા નિવારી શક્યું નથી, બાપુનગર, સોનીની ચાલીના ઓવરબ્રિજ પણ કોઇ કામની ન હોવાની લાગણી લોકો અનુભવે છે, બ્રિજની ડિઝાઇન ખોટી છે, ટ્રાફિક સમસ્યા ઉકેલવામાં મદદરૂપ બની રહ્યા નથી. ટ્રાફિકજામની સમસ્યા નિવારવા આગામી ૨૦-૨૫ વર્ષના આયોજનની વાત તો દુર રહી પરંતુ હમણા ચાલી રહેલી અવ્યવસ્થા દુર કરવા પુરતી પણ સમજ-શક્તિ અધિકારીઓમાં ન હોવાનું લોકોનું માની રહ્યા છે.
બ્રિજ બનાવવામાં ભષ્ટ્રાચાર થયો છે બાપુનગરના બ્રિજ પર મોટો ભૂવો પડયો, હાટકેશ્વર ઓવરબ્રિજ પર ખાડા પડી ગયા તે તેના ઉદાહરણ છે.
પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકજામ વાળા રોડ અને વિસ્તાર
- ઓઢવ રિંગ રોડ
- સારંગપુરથી-કાલુપુરનો રોડ
- સારંગપુરથી આસ્ટોડિયા-લાલદરવાજા રૂટ
- હાથીજણ સર્કલથી રામોલ સર્કલનો પટ્ટો
- હાટકેશ્વરથી ખોખરા
- હાટકેશ્વરથી સીટીએમ
- સોનીની ચાલી બ્રિજ નીચે
- સીટીએમથી જશોદાનગરનો પટ્ટો
- રિલિફ રોડના આખો પટ્ટો
- બાપુનગર ભીડભંડજન માર્ગ
- ખોડિયારનગરથી વિરાટનગરનો રૂટ
- આસ્ટોડિયાથી કાંકરિયાનો રૂટ
- મણિનગર રેલવે ક્રોસિંગથી ઝઘડિયા ઓવરબ્રિજનો પટ્ટો
- ખોખરા અનુપમ સિનેમાથી હાટકેશ્વર
- રણાસર સર્કલથી નરોડા ગામ સુધીનો રૂટ
- પાનકોરનાકાથી દિલ્હી દરવાજા-શંકરભુવન માર્ગ
- દિલ્હી દરવાજાથી શાહીબાગનો રૂટ
- મેમ્કોથી નરોડા પાટિયાનો આખો રૂટ
- કાલુપુર ઓવરબ્રિજના તમામ છેડા પરનો માર્ગ
- નરોડાથી નારોલ સુધીનો નેશનલ હાઇવે નં.૮નો રૂટ
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3J3N3jy
via IFTTT
Post a Comment