ઓઢવ રિંગ રોડ પર પાણીનો બેફામ વેડફાટ, હજારો લીટર પાણી વહ્યું!

અમદાવાદ,તા.27નવેમ્બર 2021,શનિવાર

ઓઢવ રિંગ રોડ પર ઓઢવ બ્રિજથી નિકોલ ચાર રસ્તા તરફ જવાના માર્ગે રિંગ રોડના સર્વિસ રોડ પર શનિવારે બપોરે  ત્યાથી પસાર થતી પાણીની લાઇનના વાલ્વમાંથી હજારો લીટર પાણી વેડફાયું હતું. આખો સર્વિસ રોડ પાણીથી તરબળ થઇ ગયો હતો. પાણીનો રેલો છેક એક કિ.મી.સુધી રેલાઇ ગયો હતો. સર્વિસ રોડ પરથી પસાર થતા હજારો વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી.

પૂર્વ અમદાવાદમાં એકબાજુ પાણીની તંગી પ્રવર્તી રહી છે. બીજી બાજુ યોગ્ય આયોજન અને દેખરેખના અભાવે પાણીની લાઇનો વારંવાર લીકેજ  થવાના કારણે હજારો લીટર પાણી નાહકનું વેડફાઇ રહ્યું છે.

ઓઢવ રિંગ રોડ પર શનિવારે બપોરે આવું  જ એક દ્રશ્ય સર્જાયું હતું. જેમાં પાણીની લાઇનના વાલ્વા લીકજ થયું  હોવાના કારણે ઉછાળા મારતું પીવાનું શુદ્ધ પાણી નદીની જેમ વહી ગયું હતું. રાહદારીઓ, વાહનચાલકો જીવ બાળતા બાળતા પસાર થઇ રહ્યા હતા કે આ પાણી કોઇ બંધ કરાવે તો સારૂ.પરંતુ સતત બે કલાક સુધી આ પાણી એક જ પ્રવાહમાં એકધારૂ વહતું રહ્યું છતાંય કોઇએ પાણીને બંધ કરાવવાની તસ્દી ન લીધી.

રોડ પરની માટી તણાઇ ગઇ, રોડ પાણીમાં ડૂબી ગયો, વાહનચાલકોએ સાચવીને પસાર થવાની ફરજ પડી, એક કિ.મી.સુધી પાણીની રેલમછેલ થઇ ગઇ ! સત્તાધીશોને પાણીના વેડફાટની જાણ સ્થાનિકોએ કરી તો મોડે મોડે કર્મચારીઓ દોડી આવ્યા અને પાણીની લાઇન લીકેજની મરામત હાથ ધરી.

પાણીની લાઇન લીકેજ થવાના કિસ્સામાં અધિકારીઓ-કર્મચારીઓ ગંભીરતા દાખવાતા હોતા નથી તેથી તેઓ નિરાંતે આવે છે અને શું થયું? કેમ થયું ?હવે શું કરશું? જેવા તર્કો લગાવીને ધીમેથી મરામત કામ હાથ ધરે છે. કહેવાનો અર્થ તેઓમાં ગંભીરતા હોતી નથી.

 શહેરમાં ખોદકામ દરમિયાન ખાસ કરીને લાઇનો લિકેજ થતી હોય છે. મ્યુનિ.તંત્ર અથવા ઔડાએ આવા કિસ્સામાં યોગ્ય માર્ગદર્શન અને જવાબદારી નક્કી કરવી જરૂરી છે. આમ હજારો લીટર પાણી વેડફાય અને બેદરકારી છતી થાય તે આજના સમયમાં પોષય તેમ નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pcJfU6
via IFTTT

Post a Comment

أحدث أقدم