અમદાવાદ,તા.27 નવેમ્બર 2021,શનિવાર
મણિનગર રેલવે સ્ટેશનથી ખોખરા બ્રિજ સુધી રેલવેને સમાંતર આરસીસી દિવાલ ચણવાનું કામ હાથ ધરાયું છે. અમદાવાદ-મુંબઇની ત્રીજી લાઇન નવી નાંખવામાં આવી છે તેથી સુરક્ષાને ધ્યાને લઇને કાંકરિયા યાર્ડથી ખોખરા બ્રિજ સુધી રેલવે લાઇનને સમાંતર આશરે ૯ ફૂટ ઉંચી આરસીસી દિવાલ ચણાઇ રહી છે. હાલમાં દક્ષિણી અંડરપાસથી ખોખરા તરફ ૮૦ ફૂટના અંતર સુધી આ દિવાલ ચણવાનું કામ પૂર્ણ થયું છે. જેને લઇને આ પટ્ટામાં રેલવે સેફ્ટિમાં થોડો ફરક પડશે.
મણિનગરથી વટવા રેલવે સ્ટેશન સુધી શહેરના મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇન મોટાભાગે ખૂલ્લી હોવાથી રહીશો માટે, રાહદારીઓ માટે અને લાઇન ક્રોસ કરતા પશુઓ માટે જીવનું જોખમ રહેલું છે. આ લાઇન પર ચાલુ ટ્રેનમાંથી ઉતરી જવું, ગેરકાયદે રીતે પાટા ક્રોસ કરવા સહિતના બનાવમાં અકસ્માત પણ બની રહ્યા છે. જેમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. આપઘાત કરવાના કિસ્સા પણ વધુ નોંધાઇ રહ્યા છે.
આ સ્થિતિને જોતા હાલમાં રેલવેતંત્ર દ્વારા કાંકરિયા યાર્ડથી ખોખરા બ્રિજ સુધી આરસીસી દિવાલ ચણવાનું કામ હાથ ધરાયું છે. મણિનગર, ખોખરા જેવા ગીચ વિસ્તારમાં આ જરૂરી પણ બન્યું છે. જ્યા દિવાલ ન હોય ત્યાં તાર ફ્રેન્સિંગની કામગીરી કરાશે.
નોંધપાત્ર છેકે અમદાવાદમાં કેટલીક જગ્યાએ ખુલ્લી રેલવે લાઇનો છે. અમદાવાદથી હિંમતનગર, મણિનગરથી વટવા સુધી મોટાભાગે ખુલ્લી રેલ લાઇન હોવાથી લોકો સરળતાથી પાટા ક્રોસ કરી રહ્યા છે. રેલવે પાટાની આજુબાજુમાં બાળકો રમે છે, કેટલાક કિસ્સામાં તો ખાલી પાટાની પાસે ખાલી પડેલી જગ્યામાં ગરીબ પરિવારો ઝૂંપડા બાંધીને રહેતા પણ થઇ જાય છે.
૭૦ લાખની વસ્તી ધરાવતા શહેરમાં આવી ખુલ્લી રેલવે લાઇનો જોખમી પણ છે. શહેરમાં રેલવેની બંને સાઇડ રહેણાંક વિસ્તાર હોય ત્યાં તાર ફ્રન્સિંગ અથવા તો દિવાલ ચણવી જરૂરી છે.વટવાથી આંબલી રોડ, અમદાવાદ રેલવે સ્ટેશનથી નરોડા રેલવે સ્ટેશન સુધી, મણિનગરથી વટવા સુધી બંને બાજુ ભરચક વસાહતો છે આ સાંકળા માર્ગમાંથી રેલ લાઇન પસાર થઇ રહી છે.
વટવા રેલવે ક્રોસિંગ પાસે અઠવાડિયા પહેલા ટ્રેનને અડફેટે એક દંપતિનું મોત થયું હતું. આવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બની ચૂક્યા છે. હાલમાં રેલવે ટ્રેક પર મોબાઇલ લઇને સાંજે બેસી રહેતા, ગપ્પા મારતા , સેલ્ફિ લેતા લોકો જોવા મળશે.જેના કારણે ટ્રેનની અડફેટે આવી જવાની શક્યતા રહેલી છે. રેલવે દ્વારા શહેરી વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇનની સુરક્ષા બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cSKQbV
via IFTTT
إرسال تعليق