સાણંદના ઉલારિયા ગામે ઘૂંટણસમા વરસાદી પાણીથી ગામલોકો ત્રાહિમામ


- નાયબ કલેકટર,મામલતદાર અને ટીડીઓને રજુઆત કરાઈ

- સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્ર કે કોઇ નેતા નહીં ફરકતા ગ્રામજનોમાં રોષ

સાણંદ : સાણંદ તાલુકાના ઉલારિયા ગામે તંત્રના પાપે ઘણા સમયથી ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઇ જતાં ગામલોકો હેરન પરેશાન થઇ ગયા છે.તો પણ સ્થાનિક ધારાસભ્ય કે તંત્રને ગામલોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત તો દુર રહી પણ ગામની મુલાકાત લેવાની ફુરસદ નહી મળતાં ગામલોકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે.

સાણંદ તાલુકાના ઉલારિયા ગામના લોકો નોકરી વ્યાપાર અને ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છે.પરંતુ ગામની ભાગોળમાં જ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઇ જતાં ગામલોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.વરસાદી પાણીના નિકાલના અભાવે ગામની ભાગોળમાં જ ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે.જેના કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.તો પણ સ્થાનિક ધારાસભ્ય કે તંત્રના કર્મચારીઓ ગામલોકોની ખબર લેવા શુધ્ધા ફરકયા નથી.

નાગરિકો દ્વારા છૂટકે નાયબ કલેકટર,મામલતદાર અને ટીડિઓને લેખિત રજુઆત કરી સમસ્યાનું નિવારણ લાવવાની માંગ કરી છે.

લાંબા સમય સુધી ભરાઇ રહેતા વરસાદી પાણીને કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની પણ ગામલોકોમાં દહેશત સેવાઇ રહી છે.તો પણ જાણે તાલુકામાં સબ સલામત હોય તેમ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે. ચૂંટણી ટાણે મોટામોટા બણગાં ફૂંકતાં નેતાઓ ગામલોકોને વેદનાને જાણવાની તસ્દી લેવા તૈયાર નથી. જેથી ગામલોકોમાં નેતાઓ અને તંત્ર સામે ભારોભાર રોષ ભભૂકી ઉઠયો છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mgLtjO
via IFTTT

Post a Comment

Previous Post Next Post