અમદાવાદ,તા.02 ઓક્ટોબર 2021, શનિવાર
મણિનગરમાં ભૈરવનાથ પોલીસ ચોકી પાસેથી પસાર થતો બીઆરટીએસ રૂટ આખા આ પ્રોજેક્ટની હાલમાં કેવી દશા થઇ છે તેની ચાડી ખાઇ રહ્યો છે. ભરચર વિસ્તારમાં સાંકળા રોડમાં પણ એકદમ સાંકળો કહો કે 'માંડ એક એક પસાર થઇ શકે 'તેવો બીઆરટીએસ રૂટ ! હાલમાં આ રૂટ લગભગ બંધ હાલતમાં પડયો છે. રેલિંગો તૂટી ગઇ છે, રોડ તૂટી ગયો છે, રૂટ પર કચરો પડયો છે, ડિવાઇડરો તૂટીને મુખ્ય રોડ પર પડી છે. મણિનગર જેવા પોશ વિસ્તારની આ દશા મ્યુનિ.તંત્રના કહેવાતા દિર્ધદ્રષ્ટા અધિકારીઓની આવડત, સૂઝબુઝ અને કુનેહની ઠેકડી ઉડાવે છે.
સ્માર્ટસિટી અમદાવાદમાં જાહેર પરિવહનની સેવાને ઝડપી, ટ્રાફિક રહિત બનાવવા માટે સત્તાધીશોએ શહેરની ભૌગોલિક સ્થિતિનો વિચાર કર્યા વગર, જોયા જાણ્યા વગર કે પછી આંખ આડા કાન કરીને કરોડો રૂપિયાનો બીઆરટીએસ પ્રોજેક્ટ શહેરીજનોના માથે લાદી દીધો.
શહેરભરમાં બીઆરટીએસ રૂટ પાથરી દીધો, અન્ય વાહનચાલકોનું જે થવું હોય તે થાય પરંતુ બીઆરટીએસ બસો સળસળાટ દોડાવવા માટે શહેરના કેટલાક સાંકળા રોડ પર પણ બીઆરટીએસ રૂટો બનાવી દીધા. આ સ્થિતિમાં સામાન્ય વાહનચાલકોની હાલાકી વધી, તેઓએ ટ્રાફિકજામ અને અકસ્માતના જોખમ વચ્ચે પસાર થવું પડી રહ્યું છે. સાંકળા બીઆરટીએસ રૂટ પણ એવા બનાવ્યા કે જો સામ સામે બીઆરટીએસ બસો આવી જાય તો એકેય બસ આગળ વધી ન શકે !
એક બસે સામેના છેડે ઉભા રહેવું પડે, કે પછી બાજુના જનરલ રોડ પરથી પસાર થવું પડે. શહેરમાં આવા અનેક રોડ છે જે બીઆરટીએસ પ્રોજેક્ટનીખામીઓ રજુ કરે છે. બીઆરટીએસ પ્રોજેક્ટ દિલ્હીમાં નિષ્ફળ રહ્યો છતાંય તેને અમદાવાદમાં આંખો બંધ કરીને અમલી બનાવી દેવાયો. આ સ્થિતિ સરકારની મનમાની, અધિકારીઓની અણઆવડત રજૂ કરે છે.
પ્રજાની હાલાકી દુર કરવાના ચક્કરમાં હાલાકી વધારી દીધી તેનું નામ બીઆરટીએસ. મોંઘા ભાડા પણ સામાન્ય માણસને પોષાય તેમ નથી. આ પ્રોજેક્ટ સફળ કરવાની લ્હાયમાં એમએમટીએસ બસ સેવાને મરણપથારીએ ધકેલી દીધી. ખાનગી કરણ કરી દીધું, ડ્રાઇવર-કંડક્ટરોને રાતોરાત બેકાર કરી દીધા આ સાથે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
બીઆરટીએસ કોરીડોરના કારણે જ શહેરમાં ટ્રાફિકજામની સમસ્યા વકરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3B4NoOh
via IFTTT
Post a Comment