પૂર્વમાં ચોમાસાની સિઝનમાં અનેક વિસ્તાર નર્કાગારમાં ફેરવાયા

અમદાવાદ,તા.26 સપ્ટેમ્બર 2021, રવિવાર

નિકોલ, ઠક્કરબાપાનગર, વિરાટનગર, ઓઢવ વગેરે વોર્ડમાં લોકો નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા હોય તેવો માહોલ વરસાદની આ સિઝનમાં સર્જાયો છે. મ્યુનિ.તંત્રે ધ્યાન ન આપ્યું, લોકોએ પણ સ્વચ્છતા બાબતે ભારે બેદરકારી દાખવી, કોર્પોરેટરો, ધારાસભ્યો, અધિકારીઓ તેમની ફરજ ચૂક્યા આ સ્થિતિમાં આ વિસ્તારના લોકોએ ગંદકી, તૂટેલા રોડ, મસમોટા ખાડા, રોગચાળા, વરસાદી પાણી ભરાવા જેવી સમસ્યાઓનો સમાનો કરવાનો વારો આવ્યો છે. 

નિકોલ વોર્ડમાં ગોપાલચોકથી માંડીને ૧૭ જેટલી  સોસાયટીના રહીશો પાયાની સુવિધાઓ બાબતે હાલાકીઓ ભોગવી રહ્યા છે. દર્શનવિલા સોસાયટી, અમરનાથ પાર્ક, સમર્પણ ફ્લેટ, ધારા ફ્લેટ, પંચવટી પાર્ક, પ્રમુખરાજ સોસાયટી, રઘુવીર વિદ્યાવિહાર, ગણેશ ટેર્નામેન્ટ, માધવ પાર્ક, , કાવ્યા રેસિડેન્સી સહિતના સોસાયટીના રહીશો હાલાકીઓ વેઠી રહ્યા છે.

શિવપાર્ક સોસાયટીના નાકે વરસાદી પાણી ભરાઇ જતા હોવાથી રહીશો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. શિવપાર્ક સોસાયટી, શિવગંગા રેસિડેન્સી, પંચરત્ન એવન્યું, ખોડિયાર રેસિડેન્સી, ખોડિયાર બાગ સોસાયટી, જીવનટ્વીન બંગલોઝ વગેરે વિસ્તારમાં ઉભરાતી ગટરો, કચરાના ઢગલા, મચ્છરોનો ઉપદ્રવ લોકો વેઠી રહ્યા છે.

રહીશોના જણાવ્યા મુજબ ખુલ્લા પ્લોટમાં લોકો કચરો ફેંકી રહ્યા છે, સફાઇ કામદારો સમયસર આવતા નથી. સફાઇમાં, કચરો ઉપાડવામાં વેઠ ઉતારાઇ રહી છે. ગટરોની સફાઇ થતી નથી. આ અંગે વોર્ડ ઓફિસોમાં ફરિયાદ કરવામાં આવતી હોવા છતાંય તેનો ઉકેલ લાવવામાં આવી રહ્યો  ન હોવાનું રહીશોનું કહેવું છે. આ સ્થિતિમાં ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા સહિતનો રોગચાળો આ વિસ્તારમાં ફેલાયો છે.

સફાઇ, દવા છંટકાવ, કચરો ઉપાડવા સહિતની કામગીરી પ્રમાણિકતાથી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. કોર્પોરેટરો, ધારાસભ્યો પ્રજાને પજવતા આ પ્રશ્નો બાબતે યોગ્ય રજૂઆત કરી શકતા ન હોવાનું પણ લોકોનું માનવું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AKlWp7
via IFTTT

Post a Comment

Previous Post Next Post