હાથીજણ સર્કલ પાસે ગટરના પાણી ઉભરાતા રોગચાળાનો ભય

અમદાવાદ,તા.26 સપ્ટેમ્બર 2021, રવિવાર

રામોલ-હાથીજણ વોર્ડમાં હાથીજણ રિંગરોડ સર્કલથી બાલેશ્વર સિટી તેમજ ધર્મવાટિકા ફ્લેટના ગંદા પાણી રોડ પર ફરી વળતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ગટર લાઇનના અભાવ વચ્ચે ગંદુ પાણી રોડ પર ફેલાઇ જતા રોડ પણ તૂટી ગયા છે. વાહનચાલકોને, રાહદારીઓને અવર-જવરમાં તકલીફ વેઠવી પડે છે. ભરાયેલા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની સંભાવના લોકો વ્યક્ત કરી રહ્યા છે. મ્યુનિ.તંત્રમાં રજૂઆત છતાંય કોઇ ધ્યાન અપાતું નથી.

હાથીજણથી ડાકોર જતા ભક્તિપથ પરની આ અવદશા લોકો માટે માથાનો દુખાવો બની ગઇ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ બાલેશ્વર સિટી અને ધર્મવાટિકા ફ્લેટમાં ગટર લાઇનનું જોડાણ અપાયું નથી. ફક્ત નાના ખાળકુવા બનાવી દેવાયા છે. જેથી આ ખાળકુવા અવારનવરા ઉભરાઇ રહ્યા છે. ખાળકુળા ખાલી કરવાની બાબતે પણ ભારે અક્ષમ્ય બેદરકારી દાખવાઇ રહી છે.

આ સ્થિતિમાં બંને રહેણાંક વસાહતોના ગટરના અને ઘરવપરાશનું પાણી ખાળકુવામાંથી ઉભરાઇને સીધેસીધું રોડ પર વહી રહ્યું છે. ખાળકુવાનું ઉભરાતું પાણી રોડ પર તેમજ આજુબાજુના વિસ્તારોમાં જઇ રહ્યું છે. જેના કારણે સોસાયટીના રહીશોએ  રોડ ક્રેસ કરવો હોય, સોસાયટીમાંથી બહાર નીકળવું હોય તો પણ હાલાકી પડી રહી છે.

વાહનોની સતત અવર-જવરના કારણે ગંદા પાણીના  છાંટા ઉડતા હોવાથી  રાહદારીઓના કપડા બગડી રહ્યા છે. રોડ તૂટી ગયો હોવાથી વાહનોની ગતિ પણ ઘટી જતી હોવાથી ટ્રાફિકજામ સર્જાય છે. સ્થાનિક લોકોની માંગણી છેકે આ સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવવામાં આવે. મોટા ખાળકુવા કે ગટર લાઇન ન હોવા છતાંય બીયુ પરમિશન કઇ રીતે આપી દેવાઇ તે અંગે પણ સ્થાનિકોમાં ચર્ચાઓ જાગી છે.

ગટરના પાણી હોવાથી મચ્છર થતા ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગ પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જનઆરોગ્યને ધ્યાને રાખીને મ્યુનિ.તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા જરૂરી પગલા ભરવા જોઇએ તેવી લોકોની માંગણી ઉઠી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3D3eq9J
via IFTTT

Post a Comment

Previous Post Next Post