પાલિકાની બેદરકારીથી સીસીટીવી માટે ખર્ચાયેલા કરોડો રૂપિયા વેડફાયા


- સાણંદ શહેરમાં અનેક વિસ્તારોમાં તસ્કરોનો હાથફેરો

- અણઆવડત કે આયોજનનો અભાવ કે પછી સીસીટીવી ચાલુ કરવામાં પાલિકાને કોઇ રસ નથી તેવા નાગરિકોમાં સવાલ 

સાણંદ : સાણંદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે તથા સલામતી અર્થે સીસીટીવી કેમેરા કરોડો રૂપિયાના ખર્ચે નાખવામાં આવ્યા હોવા છતાં તેને ચાલુ કરવામાં પાછીપાની કરવામાં આવી રહી છે. તાજેતરમાં એપીએમસીમાં એક સાથે અનેક દુકાનોના તાળાં તૂટતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ સર્જાયા છે.

સાણંદ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૯માં નાંખવામાં આવેલા કરોડો રૂપિયાના સીસીટીવી કેમેરા નધણિયાતા બન્યા છે. સીસીટીવી કેમેરાની જાળવણીના અભાવે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થઇ રહ્યું છે. તો ગુનાહિત પ્રવૃતિઓને રોકવા નંખાયેલ સીસીટીવી કેમેરાને ચાલુ કરવા માટે પાલિકા તંત્ર કેમ આટલો વિલંબ કરી રહ્યું છે.તેવા અનેક સવાલો નગરજનોમા ચર્ચાનો વિષય બન્યા છે.

સાણંદ શહેરમાં વર્ષ ૨૦૧૯માં ૧.૧૩ લાખના ખર્ચે શહેરના વિવિધ ચાર રસ્તા પર સીસીટીવી નાખવામાં આવ્યા હતા. શહેરમાં બનતી ચોરી,લૂંટફાટ અને અન્ય અનિચ્છીનીય પ્રવૃતિઓનો અટકાવવા માટે પ્રજાના કરોડો રૂપિયાનો ખર્ચ કરી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. એક વર્ષની વોરંટી પુરી થયા બાદ સીસીટીવી શહેરમા બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. જેના કારણે શહેરમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે. તો પણ ઘોર નિંદ્રામાં પોઢી રહેલું પાલિકા તંત્ર સીસીટીવી ચાલુ કરવા હજુ સુધી પ્રયાસ કર્યો નથી. જેના કારણે પાલિકા તંત્રની અણઆવડત કે આયોજનનો અભાવ કે પછી ખરીદીને લઇ વિવાદીત થયેલા સીસીટીવી કેમેરામાં પાલિકા જાણી જોઇને હાથ નાંખવા માંગતી નથી. જેવા અનેક સવાલો નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

મહત્વનું છે કે કરોડો રૂપિયાના ખર્ચે નંખાયેલા સીસીટીવી કેમેરા પૈકીનો એક કેમેરો તાજેતરમાં શહેરના ગઢિયા ચાર રસ્તા પરથી કોઇક ચોરી ગયું હોવાનું સામે આવ્યું હતું. તો એટલું જ નહી હવે તો સીસીટીવી કેમેરાનો જે  કમાન્ડ રાખે  છે. સીસીટીવી કેમેરાના ફુટેજ જેનાથી કેપ્ચર થાય છે.તે લાખો રૂપિયાના બોકસ અને તેમાં નાંખવામાં આવેલી સાધન સામગ્રી પણ વેરવિખેર જોવા મળી રહી છે. તો પણ પાલિકા તંત્રના પેટનું પાણીય હલતું નથી.પ્રજાના કરોડો રૂપિયા વ્યર્થ નિવડયા હોવાનો શહેરીજનોને ભારોભાર પસ્તાવો થઇ રહ્યો છે.

સીસીટીવી ચાલુ કરવાના આદેશની પણ અવગણના

સીસીટીવી કેમેરા કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ શોભાના ગાંઢિયા સમાન બન્યા છે. ત્યારે સીસીટીવી કેમેરા ચાલુ કરવા નગરજનોની માંગણીના પગલે આરસીએમ અનિલ રાણાવસિયાએ પાલિકા તંત્રને ઝડપથી સીસીટીવી ચાલુ કરવા માટે આદેશ આપ્યા હતા. અને ચીફ ઓફિસરે સામાન્ય સભામાં સીસીટીવી ચાલુ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવાની આરસીએમને ખાત્રી પણ આપી હતી. તો પણ હજુ સુધી સીસીટીવી ચાલુ ન થતાં લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38qBOAw
via IFTTT

Post a Comment

أحدث أقدم