અમદાવાદ,તા.28 ઓગષ્ટ 2021, શનિવાર
આગામી ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો યોજાશે કે કેમ ? તે હજુ નક્કી નથી. પરંતુ દર વર્ષે ભાદરવી પૂનમે પગપાળા જતા પદયાત્રીઓ પગપાળા અંબાજી જવા નીકળી ગયા છે. હાલ અમદાવાદથી હિંમતનગર હાઇવે પર અંબાજી જતા પગપાળા પદયાત્રીઓ જોવા મળી રહ્યા છે. તેવામાં પદયાત્રીઓની સેવા માટે ભંડારા ખોલવાની મંજૂરી આપવામાં આવે તે માટે સેવા કેમ્પોના આયોજકો દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆતો થઇ છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા આ વર્ષે અંબાજીના જગવિખ્યાત મેળાને લઇને ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. પરંતુ ભક્તો તો 'મા અંબાના ' દર્શન કરવા માટે અત્યારથી વિવિધ માધ્યમો દ્વારા અંબાજી પહોંચી રહ્યા છે. બસ, ખાનગી વાહનો, પોતાના વાહનો સાથે રોજ મોટી સંખ્યામાં લોકો અંબાજીમાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે.
પરંતુ જે લોકો પગપાળા જવાની નેમ લઇને બેઠા છે તે લોકો તો અત્યારથી જ અંબાજીના માર્ગો તરફ રવાના થઇ ગયા છે. આસ્થા, શ્રદ્ધા અને લોકભક્તિને જોતા રામોલ-હાથીજણ વોર્ડના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખીને અંબાજી જતા પદયાત્રીઓ માટે કોરોનાના ગાઇડલાઇન સાથે સેવા કેમ્પો ચાલુ કરવા દેવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરી છે.
આગામી ભાદરવી પૂનમે પગપાળા જતા યાત્રાળુઓ માટે ભોજન પ્રસાદ લેવા માટે તા.૧૩ થી ૧૭ સપ્ટેમ્બર સુધી ચારસો માણસોની હાજરી વચ્ચે અંબાજી તરફના માર્ગો પર સેવા કેમ્પ ચલાવવાની મંજૂરી માંગવામાં આવી છે. સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની બાંહેધરી અપાઇ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ઇડર રોડ પર આવેલ વક્તાપુર ગામ રોકડિયા હનુમાનજી મંદિર તથા નિલકંઠ મહાદેવ મંદિર ખાતે શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ વિંઝોલ-વટવા અમદાવાદ દ્વારા સેવા કેમ્પ ખોલાતો હોય છે. ગત વર્ષે કોરોનાના કારણે મેળો બંદ રાખ્યો હોવાથી સેવા કેમ્પ ખોલી શકાયા નહોતા.
અંબાજીના મેળા અંગે સરકાર ઝલદી નિર્ણય લે તો વિવિધ સેવા કેમ્પોના આયોજકોને તૈયારીઓ કરવાનો સમય મળે. પદયાત્રીઓએ હાલમાં સિંધુ ભોજન માટે ઘરેથી જ સિધુ સામાન લઇને નીકળવાની ફરજ પડી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ns61W
via IFTTT
Post a Comment