અમદાવાદ,તા.28 ઓગષ્ટ 2021, શનિવાર
અજિત મીલ ચાર રસ્તા પર નિર્માણાધીન ઓવરબ્રિજની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે તેવામાં બ્રિજની નીચેનો માર્ગ વાહનચાલકોની સગવડતા ખાતર ખોલી નાંખવો જોઇએ તેવી માંગણી ઉઠી છે. બ્રિજ નીચે મધ્યભાગનું કામ લગભગ પુરૂ થયું છે વાહનચાલકોએ ૧ કિ.મી.દુર ફરીને જવાની ફરજ પડી રહી છે.
છેલ્લા ચારેક વર્ષથી અજિત મીલના ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ડાયવર્ઝનો લઇને વૈકલ્પિક રૂટો પર ફરી ફરીને વાહનચાલકો હવે થાકી ગયા છે. વાહનચાલકોના મતે એકબાજુ પેટ્રોલની ભાવ લીટરે ૧૦૦ રૂપિયા પહોંચી ગયો છે.તેવામાં લોકોએ એક-બે કિ.મી.દુર ફરીને જવાની સ્થિતિમાં સમયના વ્યયની સાથે આર્થિક નુકશાની પણ વેઠવી પડે છે. જે ગરીબ અને મધ્યમ વર્ગને બિલકુલ પોષાય તેમ નથી. છેલ્લા ચાર વર્ષથી આ વર્ગ આ પ્રકારની હાલાકી, નુકશાની વેઠી રહ્યો છે.હવે તેઓને રાહત આપવામાં આવે તે જરૂરી છે.
હાલમાં અજિત મીલ બ્રિજની મધ્યમાં કામ પુરૂ થયું છે. બ્રિજ ઉપરનું નાનું-મોટું કામ ચાલી રહ્યું છે. તેવામાં જો બ્રિજ નીચેથી વાહનચાલકોને અવર-જવરની મંજૂરી મળી જાય તો સાંગરપુરથી સોનીની ચાલી જનારા તમામ વાહનચાલકોએ સરળતા રહે, તેઓનેે ૧ કિ.મી.નું અંતર કાપવામાંથી મુક્તિ મળી જાય.
ચોમાસામાં આ રૂટ પર પાણી ભરાવાની, ભૂવા પડવાની સમસ્યા વચ્ચે ટ્રાફિકજામ થઇ જતો હોય છે. વાહનચાલકોના હિતમાં સત્વરે આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવે અને તેને લોકો માટે ખૂલ્લો મુકી દેવામાં આવે તેવી માંગણી શહેરીજનો કરી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gHtroK
via IFTTT
Post a Comment