બેન્ક લોન વસુલવા રિકવરી એજન્ટો લોકોને ઊંચા વ્યાજની લોનમાં ફસાવે છે


- એજન્સીઓના સ્ટાફની મોડેસ ઓપરેન્ડી

- ક્રેડિટ કાર્ડ અને લોનનાં નાણાં ન ભરી શકતા દેવાદારોને ખાનગી ફાઇનાન્સરો પાસેથી લોન અપાવવાનું નેટવર્ક

અમદાવાદ : કોરોનાના કપરા કાળમાં સમગ્ર દેશમાં વેપાર ધંધાને અસર થઇ છે. તો  ઘણા લોકોના પગાર અને આવક અડધી થતા કે નોકરી ગુમાવતા લોકો આર્થિક રીતે ભાંગી પડયા છે.  તેમાં પણ કોરોનાની બીજી લહેરમાં  સ્થિતિ ખુબ જ દયનીય બની છે.  ત્યારે લોકોના લોન કે ક્રેડીટ કાર્ડના પેમેન્ટ  અટકી ગયા છે. જેના કારણે બેંકોના કરોડો રુપિયાના નાણાં બાકી છે. જેથી બાકી લેણાંની રીકવરી કરવા માટે  વિવિધ બેંક દ્વારા અલગ અલગ એજન્સીઓને નિયુક્ત કરવામાં આવે છે. જેમના દ્વારા જે તે ગ્રાહકોને ફોન કરીને નાણાં ઓનલાઇન કે રુબરુ જઇને ઉઘરાવવાની કામગીરી કરવામાં આવે છે.  પરંતુ,  ક્રેડીટ કાર્ડ અને પર્સનલ લોનની રીકવરીના નામે કેટલીક એજન્સીઓના માણસો દ્વારા નાણાં બાકી હોય તે વ્યક્તિ પર સતત માનસિક ટોર્ચર કરીને ઉંચા વ્યાજે લોન આપવાનું પધ્ધતિસરનું કૌભાંડ ચલાવવામાં આવે છે. જેમાં રીકવરી એજન્સીના માણસો કેટલાંક ખાનગી ફાઇનાન્સર્સ સાથે સંકળાયેલા હોય છે.

કોઇ વ્યક્તિ પાસે આર્થિક આયોજન ન હોય તો તેને પોલીસની કે કોર્ટ કેસની ધમકી આપીને દબાણ કરવામાં આવે છે અને  તે વ્યક્તિને  ખાનગી ફાઇનાન્સર્સ પાસેથી ઉંચા વ્યાજે નાણાં અપાવીને  ફરીથી તેને વ્યાજના ચક્કરમાં ફસાવવામાં આવે છે. ત્યારે આ પ્રકારના કિસ્સા સતત વધી રહ્યા છે.

અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા કેતન રામાણી (નામ બદલેલ છે) જે એબ્રોડરીનો વેપાર કરે છે. તેમના મોટાભાગ આર્થિક વ્યવહાર તે ક્રેડીટ કાર્ડથી નિયમિત રીતે કરતા હતા. જેમાં ધંધામાં સારી આવક હોવાથી  તે બધા જ વ્યવહાર નિયમિત રીતે ચાલતા હતા. પરંતુ, એપ્રિલ ૨૦૨૦થી વેપાર ધંધામાં કોરોનાની અસર થતા આર્થિક મુશ્કેલી વધી હતી. કારણ કે  વેપાર ધંધા ઠપ્પ થતા ચાર મહિના સુધી આવક બંધ જ થઇ ગઇ હતી.

બચતના તમામ નાણાં  વપરાઇ ગયા હતા. જેથી કાર્ડનું ૬૦ હજાર રુપિયાનું પેમેન્ટ ન કરી શક્યા અને ચાર મહિના બાદ આ રકમ વધીને એક લાખ સુધી થઇ ગઇ હતી.  બાદમાં થોડા વેપાર ધંધા ખુલતા તેમને રાહત થઇ હતી કે હવે તે બાકીના નાણાં ચુકવી દેશે. જો કે બીજી લહેરના કારણે  બમણો ફટકો પડયો હતો અને  કાર્ડનું બીલ પુરુ ન ચુકવી શક્યા તો  અન્ય રુટીન ખર્ચ પણ નહોતા કરી શક્યા. ત્યારે કાર્ડના બાકી દેવાની રીકવરી માટે સતત ફોન આવતા  અને એક રીકવરી એજન્સીના માણસે  ઘરે આવીને  ગર્ભિત ધમકી આપી હતી કે  જો તે નાણાં નહી ચુકવે કોર્ટ કેસ થશે. માટે હાલ અત્યારે ૪૦ હજારનું પેમેન્ટ કરી દો.

જો કે કેતન પાસે નાણાં નહોતા. ત્યારે રીકવરી એજન્સીના માણસે ઓફર કરી કે તે ખાનગી ફાઇનાન્સર્સ પાસેથી નાણાં અપાવી શકશે. જે ભરીને  ક્રેડીટ કાર્ડથી રાહત મેળવી શકાશે.  માટે કેતને  ૪૦ હજાર રુપિયા માસિક બે ટકા વ્યાજે  લીધા અને તેની સામે એક તોલાનો દાગીનો આપ્યો. પરંતુ, ખાનગી ફાઇનાસરે બે મહિનામાં  ૫૦ હજાર માંગ્યા અને જો નહી આપે તો એક તોલાનો દાગીનો પરત આપવાની ના પાડી.  ત્યારે છેવટે  કેતને આ નાણાં ચુકવ્યા.

તો પર્સનલ લોનમાં પણ આ જ મોડ્સ ઓપરેન્ડી જોવા મળી છે. જેમાં સમગ્ર અમદાવાદમાં જ નહી પરંતુ, રાજ્યમાં આ પધ્ધતિસરની લૂંટ ચલાવવામાં આવે છે.   સેટેલાઇટ વિસ્તારમાં રહેતા મનીષ શાહ નામના વ્યક્તિએ કહ્યું કે કોવિડના કારણે તેની દુકાન બંધ થતા પર્સનલ લોનના નાણાં ચુકવી શક્યા નહોતા. ત્યારે  બેંકના માણસો સતત ફોન કરતા અને ઘરે આવીને પરિવારના સભ્યો પાસે ઉઘરાણી કરતા. ત્યારે  તેમને પણ આ રીતે એક રીકવરી એજન્સીના એજન્ટ દ્વારા બહારથી લોન લઇને અન્ય લોન ચુકવવાની ઓફર થઇ હતી.

જો કે તેમણે બેંકનો સંપર્ક કરતા તે મોટા વ્યાજના ચક્કરમાં પડતા બચી ગયા હતા. ખાસ કરીને ખાનગી બેંકો દ્વારા નિયુક્ત એજન્સીઓના એજન્ટો દ્વારા આ પ્રકારના કૌભાંડ ચલાવવામાં આવે છે. વેજલપુર અને સેટેલાઇટમાં રીકવરી એજન્ટ તરીકે કામ કરતો એક વ્યક્તિ પોતાનું જ ખાનગી ધિરાણનું નેટવર્ક ધરાવે છે અને ગ્રાહકોને  ૨૦ થી ૫૦ હજાર જેટલી રકમ વ્યાજે આપીને તેમનીપાસેથી કોઇ વસ્તુ સિક્યોરીટી તરીકે લઇ લે છે. આમ, બેંકોની રીકવરી એજન્સી લોકોના આર્થિક સંકડામણનો ગેરફાયદો લઇ રહી છે. ત્યારે આ અંગેં ખાનગી બેંકના ક્રેડીટ કાર્ડના વિભાગના  અધિકારીએ જણાવ્યું કે અમારા દ્વારા એજન્સીના માધ્યમથી નાણાં વસુલવામાં આવે છે. તે વાત સાચી પણ, કોઇ એજન્સીનો માણસ ખોટી રીતે નાણાં ન વસુલી શકે અને સતત માનસિક ત્રાસ ન આપે.  તો વ્યાજે નાણાં આપવાનું નેટવર્ક ચલાવતા લોકોને ચલાવી ન શકાય. તો આશ્રમ રોડ પરની એજન્સીના સંચાલકે જણાવ્યું કે અમારી પાસે આવી કેટલીક ફરિયાદો આવે છે. જેથી રીકવકરી એજન્સીનું નામ બદનામ થાય છે.  માટે અમે આવા એજન્ટની નિમણૂંક રદ કરીએ છીએ. તો  કોરોનાને કારણે આ પ્રકારના ગેરકાયદેસર કામ કરતા એજન્ટો વધ્યા છે. તો લોકો ડર માર્યા પોલીસ ફરિયાદ ન કરતા હોવાથી આવા તત્વોને મોકળુ મેદાન મળ્યું છે.

બેંકના બાકી દેવાના મામલે સીધો બેંકનો સંપર્ક કરવો જરુરી

- એજન્સીને જવાબ આપવા માટે કોઇ ગ્રાહક બંધાયેલો નથીઃ બેંક

આશ્રમ રોડ સ્થિત એક ખાનગી બેંકના અધિકારીએ જણાવ્યું કે એજન્સીની નિમણૂંક બાકીના દેવાની વસૂલાત માટે છે અને ત ગ્રાહકોને ફોન કરીને નાણાં વસુલે છે કે માણસો પણ ઘરે મોકલે છે. પણ ગ્રાહક માટે જરુરી નથી કે  રીકવરી એજન્સીનો ફોન ઉપાડે કે જવાબ આપે. ગ્રાહક સીધો બેંકમાં જઇને પણ નાણાં ચુકવણી અંગે કે અન્ય બાબતે પણ તપાસ કરી શકે છે. ત્યારે આવી શંકાસ્પદ એજન્સીઓનોને વચ્ચે લાવવાની જરુર છે. જો કે કોવિડના કારણે રીકવરી એજન્સીની કામગીરી સતત વધી છે તે હકીકત છે. તો જો  ભુલથી ગ્રાહક પાસેથી કોઇ કિંમતી વસ્તુ લઇને નાણાં વ્યાજે આપે તે કિસ્સામાં તો  એજન્સીનું લાયસન્સ પણ રદ થઇ શકે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d7R6gk
via IFTTT

Post a Comment

أحدث أقدم