નારાજ મંત્રી પુરષોત્તમ સોલંકી કેબિનેટમાં ગેરહાજર,અનેક તર્કવિતર્ક


- માછીમારોના મુદ્દે ભાજપ સરકારમાં રાજકીય ખટરાગ વધ્યો

- આજે ભાવનગરમાં કોળી સમાજની બેઠક, મંત્રી પુરષોત્તમ સોલંકી હાજર રહેશે કે કેમ તેના પર ભાજપની નજર મંડાઇ

અમદાવાદ : એક તરફ,ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારી આદરી છે ત્યારે બીજી તરફ, ભાજપ સરકારમાં જ આંતરિક નારાજગીનો સુર ઉઠયો છે.વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારો માટે રાહત સહાય પેકેજ જાહેર કર્યુ પણ હજુ સુધી તેનો અમલ થઇ શક્યો નથી તે મુદ્દે ખુદ મંત્રી પુરષોત્તમ સોલંકીએ ભાજપ સરકાર સામે જ સવાલો ઉઠાવ્યા હતાં. એટલું જ નહીં, નારાજ મંત્રી પુરષોત્તમ સોલંકી કેબિનેટની બેઠકમાં ય ગેરહાજર રહ્યાં હતા જેના કારણે અનેક રાજકીય તર્કવિતર્ક વહેતા થયા છે.

પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગ્યા બાદ ગુજરાતમાં રાજકીય હલચલ તેજ બની હતી. આ વાત માંડ શમી ત્યાં હવે ભાજપ સરકારના મંત્રી પુરષોત્તમ સોલંકી નારાજ થયા છે.

તેમણે જ વાવાઝોડામાં અસરગ્રસ્ત માછીમારોને સરકારે કઇં આપ્યુ નથી તેવુ કહી ઉભરો ઠાલવ્યો હતો.ખુદ મંત્રીએ જ ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવતાં સરકારમાં આંતરિક ખેચતાણ અને રાજકીય ડખા હોવાની વાત ઉભરીને બહાર આવી છે.

દરમિયાન, આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં મળેલી કેબિનેટની બેઠકમાં નારાજ મંત્રી પુરષોત્તમ સોલંકી ગેરહાજર રહ્યાં હતાં. આ વાત રાજકીય ગલીયારીમાં ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. 

આ નારાજગીના દોર વચ્ચે ગુરૂવારે ભાવનગરમાં કોળી સમાજની બેઠક મળવા જઇ રહી છે. પાટીદારો બાદ હવે કોળી સમાજ પણ રાજકીય અવગણના થઇ રહી હોવાના મુદ્દે રાજકીય શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે. ભાવનગરમાં મળનારી  બેઠકમાં રાજકીય નેતાઓ પણ હાજર રહેવાના છે ત્યારે મંત્રી પુરષોત્તમ સોલંકી હાજર રહેશે કે કેમ તેના પર ભાજપે નજર માંડી છે. સંગઠનને મજબૂત કરવાના બહાના હેઠળ મળનારી આ બેઠક ભાજપ પર આડકતરી રીતે રાજકીય દબાણનો એક હિસ્સો જ છે તેવુ ચર્ચાઇ રહ્યુ છે. 

કોળી સમાજમાં ય માંગ ઉઠી, નાયબ મુખ્યમંત્રી કોળી હોવા જોઇએ 

ગુજરાતના સૈારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૨૮ બેઠકો એવી છે જયાં કોળી મતદારોનું ભારે પ્રભુત્વ છે.તેઓ જયાં મત આપે તે ઉમેદવાર જંગી મતોથી વિજયી થઇ શકે છે. કોડિનાર, ગઢડા, લિમખેડા, ઉના, ભાવનગર પુર્વ -પશ્ચિમ, જસદણ, સાણંદ, રાજુલા, ઓલપાડ,જલાલપોર સહિતની બેઠકો પર કોળી મતદારોની સંખ્યા ૫૦ હજારથી વધુ છે. રાજકીય પ્રભુત્વ ધરાવતાં કોળી સમાજમાં ય પાટીદારોની જેમ માંગ ઉઠી છેકે,જો ૪૮  બેઠકો પર પ્રભુત્વ હોય તો પાટીદારો મુખ્યમંત્રીપદની માંગ કરી રહ્યાં છે તો કોળી મતદારોનો ય ૨૮ બેઠકો પર દબદબો છે. આ જોતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કોળી સમાજનો હોવો જોઇએ. એવી ચર્ચા કોળી સમાજમાં ચાલે છે. પાટીદારો બાદ કોળી સમાજની બેઠક બોલાવાતા ભાજપના નેતાઓ ચિંતાતુર બન્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Og7cs
via IFTTT

Post a Comment

أحدث أقدم