
અમદાવાદ, તા. 27 ડિસેમ્બર, 2020, મંગળવાર
સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓના આગમન પહેલાં જ ભાજપમાં ભડકો થયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામુ ધરી દીધુ છે. કેવડિયા કોલોનીની આસપાસના 121 ગામોનો ઇકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરાતાં આદિવાસીઓ રોષે ભરાયાં છે. આ જ મુદ્દે નારાજ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ ધરી દેતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને લેખિતમાં રાજીનામુ મોકલી દીધુ હતું.વસાવાએ એવી પણ ચિમકી આપી છેકે, સત્ર વખતે લોકસભાના સ્પિકરને મળીને સાંસદ તરીકે પણ રાજીનામુ આપી દઇશ. હવે મનસુખ વસાવાને મનાવવા ભાજપની પ્રદેશ નેતાગીરીએ દોડધામ મચાવી છે.
નવા વર્ષમાં સૃથાનિક સ્વરાજની ચૂંટણીઓનું એલાન થઇ શકે છે ત્યારે જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપને અલવિદા કર્યુ છે. વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામુ મોકલી આપ્યુ છે જેમા આરોપ-પ્રતિઆરોપ કર્યા નથી. વસાવાએ રાજીનામાપત્રમાં લખ્યુ છેકે, મારી કામના કરતાં પક્ષે મને ઘણુ આપ્યુ છે.
પક્ષની કેન્દ્રીય નેતાગીરીનો ય આભાર માનુ છુ. પક્ષમાં શક્ય એટલી વફાદારી નિભાવી છે.પક્ષના મૂલ્યો , જીવનના મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે પરંતુ આખરે તો હું એક માનવી છું.જાણે અજાણે ભૂલ થતી હોય છે.મારી ભૂલને લીધે પક્ષને નુકશાન ન થાય તે માટે રાજીનામુ આપુ છું. વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું કે,બજેટ સત્ર વખતે દિલ્હી જઇશ ત્યારે સ્પિકરને મળીને સાંસદ તરીકે પણ રાજીનામુ આપી દઇશ.
સાંસદ મનસુખ વસાવાના રાજીનામા બાદ ભાજપમાં દોડધામ મચી છે. વસાવાને મનાવવા કમલમમાં બેઠકો દોર જામ્યો હતો. સૂત્રોના મતે, ભાજપના દિગ્ગજ નેતા-આખાબોલા આદિવાસી નેતા મનસુખ વસાવાએ કેવડિયા માં ઇકો સેન્સિટીવ ઝોનને લઇને સરકારથી નારાજ છે.કેવડિયાના આસપાસના 121 ગામોને ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરાયો છે ત્યારે આ વિસ્તારના આદિવાસીઓ વિરોધ કરી રહયાં છે.
ખુદ મનસુખ વસાવા પણ એ વાત કહી ચૂક્યા છેકે,મારી રાજનીતિ મારા સમુદાય માટે જ છે. ઉલ્લેખનીય છેકે, વસાવા આ જ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઇ ઉકેલ ન આવતાં નારાજ સાંસદ વસાવાએ પક્ષ છોડવા નિર્ણય લેવો પડયો હતો. આમ, મનસુખ વસાવાના રાજીનામા બાદ ભરશિયાળે ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે.
હું કોઈપણ સંજોગોમાં મારૂં રાજીનામું પરત નહીં ખેંચુ : વસાવા
મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ના દુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તારનો વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપુ તો મારે પક્ષમાં રહેવાનો કોઇ અધિકાર નથી. હું કોઇ પણ સંજોગોમાં મારૂ રાજીનામું પરત નહિં ખેંચું. મને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. પક્ષની તાકાત જ એટલી છે કે કોઇ વ્યક્તિની જરૂર નથી પડતી. રાજીનામાં બાબતે હું મક્કમ છું.
સાંસદ વસાવાએ રાજીનામું આપ્યું જ નથી : પાટીલનું સત્ય !
કમલમમાં ચૂંટણી મંથનની બેઠક બાદ રૂપાણી અને પાટીલ વચ્ચે મુદ્દો ચર્ચાયો
અમદાવાદ,મંગળવાર
નારાજ સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામુ ધરી દેતાં ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. વસાવાએ લેખિત રાજીનામુ મોકલ્યુ હોવા છતાંય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તંગડી ઉંચી રાખીને જાણે કંઇ બન્યુ જ ન હોય તેવો રાજકીય ડોળ કર્યો હતો અને એવી પ્રતિક્રિયા આપી હતીકે, મનસુખ વસાવાએ રાજીનામુ આપ્યુ નથી. તેમની માત્ર નારાજગી જ હતી.
સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામુ ધરી દેતાં ચૂંટાયેલાં પ્રતિનિધીઓ અને સરકાર વચ્ચે મતભેદ હોવાની વાત ઉભરીને બહાર આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ મનસુખ વસાવાએ ઇનામદારવાળી કરીને સરકારનુ નાક દબાવ્યુ છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આખીય રાજકીય ઘટના પર ઢાંકપિછોડો કરવા ધમપછાડાં કર્યા હતાં.
આ ઘટના અંગે પાટીલે એવી પ્રતિક્રિયા આપી કે, મનસુખ વસાવાએ રાજીનામુ આપ્યુ નથી. બે દિવસ પહેલાં જ મારી સાથે વાત થઇ હતી.કેટલાંક મુદ્દે પર તેમનું મનદુખ છે. અમે અમારાં સાંસદને મનાવી લઇશું. મારે મુખ્યમંત્રી સાથે પણ આ મુદ્દે વાત થઇ છે.
આદિવાસી વિસ્તારમાં ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કરાયુ છે ત્યારે કેટલીક ગેરસમજ ઉભી છે તેને લઇને કેટલાંક લોકો ભ્રમ ફેલાવી રહ્યાં છે. આ ગેરસમજ અને ભ્રમ દુર કરવા પ્રયાસો કરીશું. આ તરફ,મનસુખ વસાવાના મનામણાં માટે કમલમમાં બેઠકોનો દોર શરૂ થયો છે.આજે કમલમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં જિલ્લા પ્રભારીઓ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મંથન કરાયુ હતું. આ મંથન બેઠક બાદ મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ વચ્ચે સાંસદના રાજીનામાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
સાંસદ મનસુખ વસાવા કેમ નારાજ છે તેના આ રહ્યાં કારણો.....
** 20 ડિસેમ્બરે મનસુખ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી એવી રજૂઆત કરી હતી કે, નર્મદા જિલ્લાના નાંદોદ-ગરૂડેશ્વરના 121 ગામોનો ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરાયો છે જેના કારણે સરકારી અિધકારીઓ આદિવાસી ખેડૂતોની જમીનમાં દખલગીરી કરવા માડયાં છે.લોકોને વિશ્વસમાં લીધા વિના કાર્યવાહી કરવામાં આવી રહી છે.
** ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં ય લવજેહાદના કાયદો બનાવવાની માંગ પણ મનસુખ વસાવાએ કરી હતી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. આદિવાસી છોકરીઓને વેચી દેવાય છે તેવો આક્ષેપ પણ વસાવાએ કર્યો હતો.
** આદિવાસી વિસ્તારોમાં વિકાસના કામોમાં ય ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.આદિવાસી વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.આ મુદ્દે સરકારને તપાસ કરવા મનસુખ વસાવાએ માંગ કરી હતી.
** આદિવાસી વિસ્તારમાં ખાણ ખનિજ વિભાગના અિધકારીઓ અને રેતી માફિયાઓની સાંઠગાંઠથી મોટાપાયે નર્મદા નદીમાંથી રેતીખનન થઇ રહ્યુ છે તેવા આક્ષેપ કરી તપાસ કરવા વસાવો માંગણી કરી હતી.
** આ બધીય રજૂઆતો કરાયા બાદ પણ ભાજપના સાંસદની વાત ભાજપ સરકારે વાત સાંભળી ન હતી.
મનસુખ વસાવાને આજે મુખ્યમંત્રીનું તેડું
મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે તો બીજી બાજું તા.30 ડિસેમ્બરે મુખ્યમંત્રી રૂપાણી સાથે તેમની બેઠક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર સાંસદ વસાવાના રાજપીપલા સ્થિત નિવાસસ્થાને દોડી આવ્યા છે. નર્મદા જિલ્લાના પૂર્વ પ્રભારી અને વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતિષ પટેલ, નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નીલ રાવ સહિત અન્ય નેતાઓએ મનસુખ વસાવાના નિવાસસ્થાને ગુપ્ત બેઠક કરી તેમને મનાવવાના પ્રયત્નો ચાલુ કર્યા હોવાનું જાણવા મળે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hq3l93
via IFTTT
إرسال تعليق