
અમદાવાદ, તા. 27 ડિસેમ્બર, 2020, મંગળવાર
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સફાઇ કામદારોની છ દિવસથી ચાલતી હડતાળમાં આજે ડેપ્યુટી કમિશનરોની કમિટી સાથેની મીટીંગ બાદ બે ભાગલા પડી ગયા હતા. સૌથી મોટા નોકરમંડળે પાંચમાંથી ચાર માગણીઓ સ્વીકારાઇ ગઇ હોવાથી હડતાળ સમેટાઇ ગઇ હોવાની જાહેરાત કરી દીધી હતી,
જ્યારે આંદોલન શરૂ કરનાર ગુજરાત સફાઇ કામદાર સંઘે હડતાળ ચાલુ હોવાની જાહેરાત કરી મ્યુનિ.ની મુખ્ય કચેરીના ઝાંપે બેસી રહ્યાં હતા અને ઉચ્ચ અધિકારીઓની કારનો પણ ઘેરાવ કર્યો હતો.ત્યારબાદ કામદાર સંઘ સાથે મોડી રાતના વાટાઘાટોનો બીજો દોર ફરીથી શરૂ થયો હતો.તેમાં સમાધાન સધાતા હડતાળ સમેટાઈ ગઈ હોવાની જાહેરાત ડેપ્યુટી કમિશનર ગઢવીએ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કામદારોની રેલી આજે મ્યુનિ.ની મુખ્ય કચેરીએ પહોંચી ત્યારે ત્યાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો હતો અને તમામ ઝાંપા બંધ કરી દીધાં હતાં.
કામદારોના ટોળાં આગળના બે ઝાંપા પર જમા થયા હતા અને ભારે સૂત્રોચ્ચારોથી વાતાવરણને ગજવી દીધું હતું. કમિશનરની હાય..હાય પોકારવા સાથે મહિલાઓએ છાજીયા પણ લીધાં હતાં. એક મહિલા થોડા સમય માટે બેભાન પણ થઇ ગઇ હતી. પીકઅવર્સમાં ટ્રાફિક પણ જામ થઇ ગયો હતો.
બાદમાં કામદાર આગેવાનોની કમિશનરે ગઇકાલે નિયુક્ત કરેલ ત્રણ ડેપ્યુટી કમિશનરોની કમિટી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં (1) સફાઇ કામદારોના વારસદારોને નોકરીનો અન્ય કામદારોની જેમ લાભ (2) ફુલ ટાઇમ રોજીંદા કર્મચારી નિવૃતત થયા હોય તેમના વારસદારને રોજીંદામાં નોકરી
(3) ફુલ ટાઇમ રોજીંદા કામદારનું ફરજ દરમ્યાન મૃત્યુ થયું હોય તેમના સંતાનોને એ રીતે નોકરી (4) માંદગી સબબ હાજર નહીં થયેલા કામદારોને પુન: નોકરી વગેરે માગણીઓ નવા ચૂંટાયેલાં સત્તાવાળાઓ પાસે મૂકવામાં આવશે તેવી લેખિત ખાતરી અપાઇ હતી, જ્યારે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદીની પાંચમી માગણી અંગે અસહમતિ દર્શાવાઇ હતી.
જો કે આંદોલનના પ્રારંભે ગુણવંત ખત્રી નામના આગેવાને ઝેરી દવા પીધી સંદર્ભમાં ડે. કમિશનર અને સોલિડવેસ્ટ ડાયરેક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધવાની મુખ્ય માગણી પડતી મુકાઈ હતી. ત્યાર પછી કામદાર સંઘના કામદારો અને તેમના ટેકેદારો મ્યુનિ.ના ઝાંપે બેસી જ રહ્યાં હતાં. બાદમાં તેમની સાથે વાટાઘાટો શરૂ થઈ હતી.
આ ઉપરાંત આજે સવારના ખાડિયામાં કામદારોએ કચરા ગાડીઓ રોકી હતી જ્યારે બપોરના શાહપુરમાં કચરો લઇ જતી ત્રણ ગાડીઓના કાચ ફોડી નખાયા હતા. વડોદરા મ્યુનિ.ના કર્મચારી યુનિયને ટેકો જાહેર કર્યો હતો. કામદારોએ તમામ મ્યુનિ. કોર્પોરેશનો અને નગરપાલિકાઓને આંદોલનમાં જોડવાની ચીમકી ઉચ્ચારી હતી.
ચૂંટણી નજીક હોવાથી આંદોલનમાં પણ રાજકારણ
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી નજીક હોવાથી કામદારોની હડતાળ જલ્દી સમેટાઇ તેમાં ભાજપના આગેવાનોને રસ હતો. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરેન સહીત કેટલાંક હોદેદારો સક્રીય થયા હતા. જ્યારે અન્ય પક્ષના કેટલાંક આગેવાનોને હડતાળ ચાલુ રહે તેમાં રસ હતો. પક્ષીય રાજકારણ ઉપરાંત યુનિયનો-મંડળોનું અંદરોઅંદરનું રાજકારણ તેમજ અધિકારીઓનું રાજકારણ પણ આંદોલનમાં ભાગ ભજવતું હોવાનું કહેવાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KKiV3j
via IFTTT
إرسال تعليق