12 લોકોનો જીવ લેનાર ફેક્ટરીમાં ત્રણ બ્લાસ્ટ કેમિકલ રિએક્શનથી થયાં હતા


અમદાવાદ, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર

નારોલની કેમિકલ ફેક્ટરીમાં 'સિરિયલ કેમિકલ બ્લાસ્ટ'માં 12 લોકોએ જીંદગી ગુમાવી દીધી. બ્લાસ્ટનું કારણ અને કયા કેમિકલથી ઘાતક બ્લાસ્ટ થયાં તે સ્પષ્ટ કરવા એફએસએલની તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હેતલ સુતરિયાની કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ રિએક્શન થવાથી ત્રણ-ત્રણ બ્લાસ્ટ થયા હતા.

જ્વલનશીલ પદાર્થનો કેરબો પટકાયો હતો કે ઘર્ષણ થવાથી કેમિકલ રિએક્શનના કારણે બ્લાસ્ટ થયા તે મુદ્દે વૈજ્ઞાાનિક પૃથક્કરણ અને તપાસ અંતિમ તબક્કામાં છે. મહદ્દઅંશે એફએસએલ પ્રાયમરી રિપોર્ટ સોમવાર સુધીમાં પોલીસ સમક્ષ રજૂ કરી દેશે.

પિરાણા રોડ પર કેમિકલ બ્લાસ્ટની ઘટના બોમ્બ બ્લાસ્ટ જેવી કેટેગરીમાં મુકીને પોલીસ અને એફએસએલ દ્વારા તપાસ ચાલી રહી છે. એફએસએલ એવા તારણ પર પહોંચ્યું છે કે, હેતલ સુતરિયા વિવિધ પ્રકારના કેમિકલ્સના ડ્રમ અને કેરબા એકત્ર કરી જરૂરિયાત મુજબ કેમિકલ મિશ્રણ કરીને વેચતા હતા. 

બોમ્બ જેવા પૂરવાર થયાં હતાં. ભેજ આવી જવાથી કે નિશ્ચિત માત્રા કરતાં ગરમી વધવાથી (બીડી-સિગારેટ, દિવો, દિવાસળી કે પછી ઈલેક્ટ્રીક શોર્ટ સરકીટ) આગ લાગતાં કેમિકલ બ્લાસ્ટ થયા હોઈ શકે છે. ઈથાઈલ - મિથાઈલ કીટોન અને હાઈડ્રો પેરોક્સાઈડ જેવા જ્વલનશીલ બની શકે તેવા કેમિકલ્સના કેરબા અને ડ્રમનો જથૃથો ગોડાઉનમાં રહેતો હતો.

નારોલ પોલીસે આવા ડ્રમના અવશેષો ઉપરાંત, વિસ્ફોટમાંથી ગોડાઉનમાંથી મળેલા વિવિધ પ્રકારના નમૂના એકત્ર કરી એફએસએલમાં મોકલવાની કામગીરી કરી છે. એફએસએલનું પ્રાથમિક તારણ એવું  છે કે, કેમિકલ રિએક્શનના કારણે આગ લાગી હતી. એક વખત આગ લાગી તેનાથી દાહક એવા કેમિકલના અન્ય બેરલ અને ડ્રમ બોમ્બની માફક ફાટયા હતા.

એક પછી એક ત્રણ પ્રચંડ બ્લાસ્ટ થવાથી બાજુમાં આવેલા સાડીના બે પેકીંગ હાઉસના સ્લેબ ધરાશાયી થયાં હતાં. સ્લેબ ધરાશાયી થવાથી તેની નીચે દબાવાથી 12 લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં. બીજી તરફ, ગાંધીનગર ખાતે એફએસએલ કચેરીમાં મહત્તમ સેમ્પલ મોકલવાની કામગીરી નારોલ પોલીસ કરી રહી છે.

એફએસએલની ગાંધીનગર કચેરીમાં કેમિકલ બ્લાસ્ટ કેસની તપાસ કામગીરી રવિવારની રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવનાર છે. કેમિકલ ફેક્ટરીના સંચાલક હેતલ સુતરિયા પોલીસ રિમાન્ડ હેઠળ છે. આવા સંજોગોમાં એફએસએલ સોમવાર સુધીમાં પ્રાથમિક રિપોર્ટ આપી દેવા માટે કાર્યાન્વિત બની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pi7vmW
via IFTTT

Post a Comment

أحدث أقدم