
અમદાવાદ, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર
આઠ બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીનુ પરિણામ 10મી નવેમ્બરે જાહેર થશે . પણ અત્યારથી કોણ હારશે અને કોણ બાજી મારશે તે અંગે રાજકીય અટકળો મંડાઇ રહી છે.
ગુજરાતમાં સટ્ટાબજાર અને એક્ઝિટ પોલમાં આઠ બેઠકો પૈકી પાંચ-છ બેઠકો ભાજપ જીતે તેવો અંદાજ મૂકાઇ રહ્યો છે જયારે કોંગ્રેસ બેથી ત્રણ બેઠકો જીતે તેવી શક્યતા છે. જોકે, ભાજપ -કોંગ્રેસે આઠેય બેઠકો જીતવાના દાવા કર્યાં છે.
સટ્ટાબજાર અને એક્ઝિટ પોલમાં એવી ધારણા કરાઇ છેકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કચ્છ, ડાંગ અને સૌરાષ્ટ્રની પાટીદાર પ્રભુત્વ બેઠકો પર જીત મેળવી હતી . પાટીદાર અનામત આંદોલનનો કોંગ્રેસને ભરપૂર રાજકીય ફાયદો મળ્યો હતો.
પણ આ વખતે પેટાચૂંટણીમાં કોંગ્રેસનો જાદુ ઓસર્યો હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ડાંગ-કપરાડા બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠકો હતી ત્યાં કેસરિયો લહેરાઇ શકે છે. આ બંને બેઠકો કોંગ્રેસે ગુમાવે તેવો રાજકીય વિશ્લેષકો અંદાજ મૂકી રહ્યાં છે.
આદિવાસી મત વિસ્તારમાં ભાજપ ગાબડુ પાડી શકે છે. કચ્છમાં ય લઘુમતી મતદારો હોવા છતાંય કોંગ્રેસ તેનો રાજકીય લાભ મેળવી શકી નથી. અપક્ષને કારણે કોંગ્રેસ અબડાસા બેઠક ગુમાવી શકે છે. આ બેઠક પર કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ ધારણ કરનારાં પ્રદુમનસિંહ જાડેજાની જીત નક્કી માનવામાં આવી રહી છે.
આ ઉપરાંત ગઢડામાં પૂર્વ મંત્રી આત્મારામ પરમારની પણ જીત નક્કી છે. મોરબીમાં ય ભાજપ મેદાન મારે તેવા એક્ઝિટ પોલના તારણો આવી રહ્યાં છે. આ તરફ, લિબડી , કરજણ અને ધારી બેઠક જીતવી ભાજપ માટે કઠિન છે. આ જોતાં કોંગ્રેસને ફાળે આ ત્રણેય બેઠકો જઇ શકે તેવુ સટ્ટા બજારમાં અનુમાન કરવામાં આવી રહ્યુ છે.
જોકે, રાજકીય વિશ્લેષકોનું કહેવુ છેકે, ભાજપ માટે તો નફો એટલો વકરો છે. પણ કોંગ્રેસ હજુ મતદારોનો વિશ્વાસ જીતી શકવામાં ઉણી ઉતરશે તેવુ આ પેટાચૂંટણીના પરિણામો પછી સાબિત થશે. જોકે, ભાજપ-કોંગ્રેસના પ્રદેશના નેતાઓ એક્ઝિટ પોલના તારણો નકારી આઠેય બેઠકો જીતવાના દાવા કરી રહ્યાં છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n3OvX8
via IFTTT
إرسال تعليق