
અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર
સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં હદ બહારની બેદરકારી જોવા મળી રહી છે.મ્યુનિ.ના નિયમિત સફાઈ કામદારનું ફરજ સમયે અવસાન થતાં તેમના વારસદાર ન હોવાછતાં સફાઈ કામદાર તરીકે બોગસ સર્ટીફીકેટના આધારે ભાણેજે ખોટા પુરાવા રજુ કરી 22 વર્ષ સુધી નોકરી કરી.
દરમિયાન મુળ વારસદારના પુત્રવધુએ તંત્રને જાણ કરતા તપાસ હાથ ધરાઈ હતી.તપાસના અંતે કસૂરવારને ગત વર્ષે ઓકટોબરમાં ડીસમીસ કરાયો હતો. 4 નવેમ્બરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળનારી અપીલ સબકમિટી સમક્ષ આ કેસમાં આગળ શું કાર્યવાહી કરવી એ અંગે મંજુરી માંગતી દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
22 વર્ષ સુધી બોગસ પ્રમાણપત્રના આધારે નોકરી કરતો હોવા મામલે તંત્ર છેક સુધી અંધારામાં જ રહેવા પામ્યુ હતુ. સત્તાવારસુત્રોમાંથી મળતી માહીતી મુજબ,કુબેરનગર વોર્ડમાં કીરણ ડાહ્યાભાઈ સોલંકી જેનું મુળ નામ મુકેશ કાંતિભાઈ રાઠોડ છે. તેમણે લક્ષ્મીબહેન ડાહ્યાભાઈ સોલંકીના કાયદેસરના વારસદાર ન હોવા છતાં ખોટા પુરાવા રજુ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારસદાર તરીકે સફાઈ કામદાર તરીકે નોકરી મેળવી હતી.
મુકેશ વિરૂધ્ધ સંગીતાબહેન કીરણભાઈ સોલંકીએ મ્યુનિસિપલ તંત્ર સમક્ષ ફરીયાદ કરી હતી. ફરીયાદમાં તેમણે રજુઆત કરતાં કહ્યુ છે કે,મારા સાસુ સ્વ. લક્ષ્મીબહેન ડાહ્યાભાઈ સોલંકીનું ફરજ દરમિયાન 26 ફેબુ્રઆરી-1990ના રોજ અવસાન થયું હતુ.
એમના અવસાન સમયે તેમના કાયદેસરના વારસદાર એવા તેમના પુત્ર કીરણભાઈ અને પુત્રી ભારતીબહેન બંને સગીરવયના હોઈ નોકરી મેળવવાના પાત્ર થતા ન હોવાથી જે તે સમયે લક્ષ્મીબહેનના પતિ ડાહ્યાભાઈ સોલંકીએ ખોટુ એફીડેવીટ રજુ કરીને પોતાના ભાણેજ એવા કસુરદાર મુકેશ કાંતિલાલ રાઠોડને મ્યુનિ.માં વારસદાર તરીકે નોકરી અપાવી હતી.
મુકેશને કોર્પોરેશનમાં સફાઈકામદાર તરીકે નોકરી અપાવનારા ડાહ્યાભાઈ લાલભાઈ સોલંકીનું અવસાન થયું છે. મુળ કર્મચારીના પુત્રવધુની આ રજુઆત બાદ તંત્રે તપાસ શરૂ કરતાં મુકેશ રાઠોડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારસદારમાં સફાઈ કર્મચારી તરીકે નવસારી નગરપાલિકાનું જન્મનું પ્રમાણપત્ર રજુ કર્યુ હતુ. આ પ્રમાણપત્રમાં જન્મ તારીખ અને અટકમાં ચેડાં કરી બોગસ પ્રમાણપત્ર રજુ કરવામાં આવ્યું હતુ.
22 વર્ષ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બોગસ એફીડેવીટ અને પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનારા કીરણ જેનુ મુળ નામ મુકેશ છે એને 23 ઓકટોબર-2019ના રોજ ફરજ પરથી ડીસમીસ કરાયો છે. તેણે સજા માફ કરવા અપીલ સબ કમિટી સમક્ષ અરજી કરતા આગામી 4 નવેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળનારી કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
એલ.જી. હોસ્પિટલના મેટ્રન વિદેશ ગયા પછી ફરી હાજર ન થયાં
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એલ.જી.હોસ્પિટલમાં મેટ્રન તરીકે ફરજ બજાવતા અદિતિ.મહેન્દ્રભાઈ.દેસાઈ.એ 1 ડીસેમ્બર-2016થી 30 એપ્રિલ-2017 સુધી પાંચ મહિનાના સમય માટે વિદેશ જવાની મ્યુનિ.ની મંજુરી મેળવી હતી.મંજુરીનો સમય પુરો થઈ જવા છતાં તે ફરજ પર હાજર ન થતાં તેમને રીમુવ કરવામાં આવ્યા છે.આ અંગેની દરખાસ્ત પણ અપીલ સબ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eajluc
via IFTTT
إرسال تعليق