
બેવડી ઋતુમાં શરદી-ખાંસીનો શરૂ થયેલો વાવર
અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર
અમદાવાદમાં કોરોનાનો ત્રાસ નવા કેસોમાં વધઘટ સાથે યથાવત રહેવા પામ્યો છે. આજે એક જ દિવસમાં વધુ 158 લોકો સંક્રમિત થયા છે, જ્યારે સારવાર દરમ્યાન બે દર્દીઓના કરૂણ મૃત્યુ નિપજ્યા છે.
બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થઇ ગયેલાં 310 લોકોને જુદી જુદી હોસ્પિટલો તેમજ હોમ-આઈસોલેશનમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં નોંધાયેલાં કુલ કેસોની સંખ્યા 44018ના આંકડાને આંબી ગઇ છે.
કોરોનામાં કુલ મૃત્યુ આંક 1844નો થયો છે, જ્યારે સાજા થઇ ગયેલાં 34085 લોકો ડિસ્ચાર્જ થયા છે. નવા કેસોની જેમ એક્ટિવ કેસોમાં સતત વધારો ઘટાડો થતો રહે છે, હાલમાં વધારો નોંધાઈ રહ્યો છે. હાલ એક્ટિવ કેસોનો આંકડો વધીને 3123નો થઇ ગયો છે.
પશ્ચિમ ઝોનના વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, રાણીપ, સ્ટેડિયમ, સાબરમતી, નવાવાડજના 562 અને નવા પશ્ચિમ ઝોનના સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, મક્તમપુરા, સરખેજના 1039 એક્ટિવ કેસો છે.
જ્યારે પૂર્વના મધ્યઝોન, પૂર્વઝોન, ઉત્તરઝોન અને દક્ષિણઝોનના 1522 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલોના 2056 પ્રાઇવેટ બેડ પૈકી 1096 ભરાયેલા છે, જ્યારે 960 ખાલી છે. તેમાંથી આઈસીયુના 162 બેડ ઉપર દર્દીઓ છે, ઉપરાંત 92 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.
દરમ્યાનમાં વહેલી સવારે ઠંડીની ઝલક અને બપોરના ગરમીની બેવડી સિઝનના કારણે શરદી, ખાંસી, વાયરલ ઇન્ફેકશનના કેસો વધવા માંડયા છે. દિવાળીના તહેવારો, ઠંડીનો ચમકારો અને પ્રદૂષણના કારણે આગામી દિવસોમાં કેસોમાં વધારો થવાની ભીતિ તબિબો વ્યક્ત કરી રહ્યાં છે.
શહેરમાં હાલ રોયલપાર્ક જુહાપુરા, ન્યુ વિરાજ સોસા. વેજલપુર, વૃંદાવન ફ્લેટ સરખેજ, નિરીલ ફ્લેટ પાલડી, શાંતિપૂજ્ય હોમ્સ ચાંદલોડિયા, યુનિકસિટી ગોતા, હીરાનંદ કોમ્પ્લેક્સ કાંકરિયા, યશ બેંગ્લોઝ વટવા, પારસમણી એપા. ખોખરામાં વધુ કેસો નોંધાયા છે.
મ્યુનિ.ના બે આસિસ્ટન્ટ ઈજનેર કોરોના પોઝિટિવ
અમદાવાદ,મંગળવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓમાં કોરોના સંક્રમણનો ક્રમ યથાવત જોવા મળ્યો છે.શહેરના બે વોર્ડમાં આસિસ્ટન્ટ સિટી ઈજનેર તરીકે ફરજ બજાવતા બે ઈજનેર કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળે છે.
મળતી માહીતી પ્રમાણે,મ્યુનિ.ના પ્લાનિંગ વિભાગના વડા કોરોના પોઝિટિવ થયાના એક દિવસ બાદ સરખેજ તથા જોધપુર વોર્ડમાં મ્યુનિસિપલ તંત્રમાં આસિસ્ટન્ટ સિટી ઈજનેર તરીકે ફરજ બજાવતા ઈજનેર કોરોના પોઝિટિવ થતાં મ્યુનિસિપલ તંત્રમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓમાં કોરોના સંક્રમિત થવાનો ભય સતાવી રહ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે.
નવા પાંચ સ્થળને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકાયા
અમદાવાદ,મંગળવાર
શહેરમાં કોરોના કેસની સંખ્યાના આધારે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નવા પાંચ સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળની સંખ્યા ઘટીને 95 થવા પામી છે. મંગળવારે શહેરના મણીનગર વોર્ડમાં આવેલાં ક્રીષ્ના એપાર્ટમેન્ટના 16 મકાન, ઘુમા બોપલમાં આવેલાં ઈસ્કોન ગ્રીન બંગલોઝના બે બંગલા,વેજલપુરના સંતોષ છાવણી રો હાઉસના પાંચ મકાન, ચાંદલોડિયાના ધરતી-બેમાં આખા બી બ્લોકને તથા ગોતાના મલબાર કન્ટ્રી-એકના 24 મકાન કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા મુકવામાં આવ્યા છે.
શહેર પોલીસમાં ફરી કોરોનાનો વાવર
ACP, 3 PI સહિત 38 પોલીસ કોરોનાથી માંદગીના બિછાને
પોલીસ સ્ટેશનોમાં અવરજવર સામાન્ય બની:અત્યાર સુધીમાં કુલ 833 પોલીસને કોરોના થયો
અમદાવાદ,મંગળવાર
પોલીસમાં ફરી કોરોનાના વાવર હોય તેમ વધુ 38 પોલીસ કર્મચારી કોરોનાના કારણે માંદગીના બિછાને પડયાં છે. એમ ડીવિઝન એસીપી અને ત્રણ પી.આઈ. સહિત કુલ 38 પોલીસ કર્મચારી માંદગીના બિછાને પડયાં છે. શહેર પોલીસમાં અત્યાર સુધીમાં કુલ 833 પોલીસ કર્મચારીને કોરોના થયો છે. કોરોના સામે સ્વયં જાગૃતિ વચ્ચે પોલીસ સ્ટેશનોમાં હવે અવરજવર સામાન્ય બની રહી છે.
અમદાવાદ શહેર પોલીસમાં કોરોના ફરી સક્રિય થઈ રહ્યો હોય તેમ વધુ ચાર અધિકારી કોરોનાગ્રસ્ત થયાં છે. એમ ડીવિઝન એસીપી વી.જી. પટેલ અને તેમની ગાડીના સ્ટાફના બે કર્મચારીને કોરોના થતાં સારવાર લઈ રહ્યાં છે. આ ઉપરાંત કન્ટ્રોલ રૂમ પી.આઈ. જે.કે. રાઠોડ, પાલડી પી.આઈ. એ.જે. પાંડવ અને વસ્ત્રાપુર પી.આઈ. વાય.બી. જાડેજા કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તમામની હાલત સામાન્ય થઈ રહી હોવાનું પોલીસ કમિશનર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
અમદાવાદ શહેર પોલીસમાં અત્યાર સુધીમાં કુલ 833 પોલીસ કર્મચારીને કોરોનાનો રોગ થઈ ચૂક્યો છે તેમાંથી ત્રણના મૃત્યુ નિપજ્યાં છે. જો કે, કોરોના સામે જાગૃતતા કેળવાઈ છે અને સામાન્ય ચિહ્નો મળતાં જ સારવાર શરૂ કરી દેવામાં આવતી હોવાથી સામાન્ય સારવારમાં જ રોગમુક્તિ શક્ય બની રહી છે. બીજી તરફ, કોરોના સામે જાગૃતતા કેળવાતાં સેલ્ફ ડીસ્ટન્સ સહિત પોલીસ સ્ટેશનોમાં કર્મચારીઓ, અરજદારોમાં સ્થિતિ સામાન્ય બની રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e6MpCD
via IFTTT
إرسال تعليق