બંગલાની મંજૂરી આપનાર ડે. ટીડીઓ સામે તપાસ કરીને પગલાં ભરો


ઉભરાતી ગટરોનો પ્રશ્ન હલ કરવા અદ્યતન સાધનો વસાવવા માંગણી

અમદાવાદ, તા. 25 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

પશ્ચિમ ઝોનના ડે. ટીડીઓ ચૈતન્ય શાહે તમામ નીતિ નિયમોને બાજુ પર મૂકી પાલડીની વી.આર. સ્કૂલના પ્રિન્સિપાલના બંગલાને આપેલી મંજૂરીનો ગંભીર મુદ્દો આજે મ્યુનિ. બોર્ડની સામાન્ય સભામાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ ઉઠાવ્યો હતો.

આ અંગે તપાસ કરીને જવાબદાર ડે. ટીડીઓ સામે પગલાં લેવા માગણી વધુ બળકટ બનતી જાય છે. સ્કૂલના હેતુથી આપેલા પ્લોટમાં રહેણાંકનો ત્રણ માળનો બંગલો કઈ રીતે હોઈ શકે તેવા તાર્કિક અને ધારદાર સવાલનો જવાબ મ્યુનિ. તંત્ર પાસે નથી.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે, મ્યુનિ.એ 99 વર્ષના ભાડાપટ્ટે ઉદાર શરતોએ આ જમીન આપેલી છે. હવે એ ટ્રસ્ટે નિર્માણ ફાઉન્ડેશનને સ્કૂલ અને તેની જમીન આપી છે તો પછી શાહ ટ્રસ્ટને ત્યાં બંગલો બનાવવા મંજુરી કઈ રીતે મળે ?

આ અંગે જે કોઈ અધિકારીએ કૌભાંડ કર્યું હોય તેમની સામે તપાસ કરીને પગલા લેવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, જો વી.આર. શાહ ટ્રસ્ટે સ્કૂલ બિલ્ડીંગના ભાગ તરીકે મંજૂરી લઈને તેમાં રહેવાનું શરૂ કરી દીધું હોય તો તે જગ્યા ખાલી કરાવીને સીલ મારી દેવા જોઈએ.

આવું કશું જ થતું નથી એટલે એ વાત સ્પષ્ટ છે કે જે કંઈ ગેરકાયદે થઈ રહ્યું છે તેમાં ડે. ટી.ડી.ઓ.ની મીલીભગત છે. તેમણે મ્યુનિ.ને પાઠ ભણાવ્યો કે હવે પછી સ્કૂલ માટે જમીન આપવાની થાય ત્યારે તેમાં શરત કરવી પડશે કે આ જમીનનો ઉપયોગ માત્ર ને માત્ર શૈક્ષણિક હેતુ માટે જ થઈ શકશે, તેમાં રહેઠાણ બાંધી શકાશે નહીં.

મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ ટી.ડી.ઓ. ખાતાના અધિકારીઓ પરત્વે ઢીલાશથી વર્તે છે માટે જ આવી ગેરરીતિ અને ગોરખધંધા થતા રહે છે. મ્યુનિ.એ શાળા જમીન તો મફતના ભાવે આપી હતી એ જમીન બારોબાર અન્યને કઈ રીતે આપીને નફો રળી શકાય, તે પ્રશ્ન છે.

તેમણે તૂટેલા રોડ અને ઠેર ઠેર પડેલા ખાડાઓનો પ્રશ્ન આક્રમક રીતે ઉપાડીને એન્જિનિયરો- કોન્ટ્રાક્ટરના મેળાપીપણામાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હતો. મેટ્રો રેલ ઓથોરિટીને પણ રોડ બનાવવામાં ફરજ પાડવી જોઈએ. ખોદકામ બાદ કંપનીઓને હતો તેવો જ રસ્તો બનાવી આપવા ફરજ પાડવી જોઈએ.

આ કશું જ નથી થતું એટલેસહનકરવાનો વારો પ્રજાજનોને આવે છે. જ્યારે બાપુનગરના કોર્પોરેટરે ઉભરાતી અને બેક મારતી ગટરોનો પ્રશ્ન ઉપાડીને એમ કહ્યું હતું કે, ગટર સફાઈના અદ્યતન સાધનો અને વાહનો વડોદરા અને સુરત કરતા પણ વસ્તીના પ્રમાણમાં અમદાવાદ પાસે ઓછાં છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2G3QFGp
via IFTTT

Post a Comment

أحدث أقدم