
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ગુજરાતની આવક ડિસેમ્બર ૨૦૨૧ના મહિનામાં રૂ. ૩૬૯૧ કરોડની અને વેલ્યુ એડેડ ટેક્સની આવક રૂ. ૨૬૦૦ કરોડની રહી હતી. આમ બેનો સરળવાળો કરવામાં આવે તો અંદાજે રૂ. ૬૨૯૧ કરોડની આવક થઈ છે. અત્યાર સુધીની જીએસટી અને વેટની આવક ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતા આવકમાં પડતી ઘટના વળતરના નાણાંનો સરવાળો કરવામાં આવે તો ૩૧મી માર્ચ ૨૦૨૨ના અંતે ગુજરાતની જીએસટી અને વેટની મળીને વાર્ષિક આવક રૂ. ૯૦,૦૦૦ કરોડને આંબી જાય તેવી સંભાવના છે. જોકે આ વર્ષે ગુજરાતમાં જીએસટી અને વેટના માધ્યમથી રૂ. ૮૬૦૦૦ કરોડની આવક કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કચેરીના સૂત્રોનું કહેવું છે કે ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષમાં જીએસટી અને વેટ મળીને રૂ. ૮૬૦૦૦ કરોડની આવક કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેમાં જીએસટીની આવક રૂ. ૬૩૦૦૦ કરોડ અને વેટની આવક રૂ. ૨૩૦૦૦ કરોડની કરવાનો લક્ષ્યાંક રાખવામાં આયો છે. આ લક્ષ્યાંક સામે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૧ના અંત સુધીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક રૂ. ૩૨૩૮૦ કરોડની થઈ છે. તેમ જ વેટની આવક રૂ. ૨૧૬૦૦ કરોડની થઈ ગઈ છે. આ આવકને ધ્યાનમાં લેતા ગુજરાતની જીએસટીની આવક અત્યારે રૂ. ૫૩૦૦૦ કરોડને આંબી ગઈ છે.
તદુપરાંત કેન્દ્ર સરકાર તરફથી ગયા વર્ષે ૧૪ ટકાના વધારા સાથે આવકમાં પડેલી ઘટ પેટે રૂ. ૫૧૦૦ કરોડ આપવામાં આવ્યા છે. તેમ જ રૂ. ૧૩,૦૦૦ કરોડની લોન લઈને ગુજરાત સરકારને ચૂકવ્યા છે. ૨૦૨૧-૨૨ના વળતર પેટે આ લોનની રકમ ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાંઆવી છે. આમ અત્યાર સુધી અંદાજે રૂ.૫૪,૦૦૦ કરોડની આવક થઈ ચૂકી છે. કોરોના અને ઓમિક્રોનને કારણે સંપૂર્ણ લૉક ડાઉન ન આવે તો તેવા સંજોગમાં ગુજરાત સરકારની જીએસટીની આવક વધીને રૂ. ૯૦,૦૦૦ કરોડને આંબી જાય તેવી સંભાવના છે.
કારણ કે છેલ્લા ત્રણ મહિનામાં જીએસટીની આવક વધતી જાય છે. અત્યારે રૂ. ૩૬૯૧ કરોડની થયેલી આવકના રેટને પકડી રાખવામાં આવે તો આગામી ત્રણ મહિનામાં મિનિમમ રૂ. ૧૨૦૦૦ કરોડની જીએસટીની આવક ગુજરાત સરકારને થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. તદુપરાંત વેટની આવક અત્યારના જ લેવલે જોવામાં આવે તો તે આવકનું પ્રમાણ રૂ. ૭૮૦૦થી ૮૫૦૦ કરોડની રેન્જમાં રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ ઉપરાંત સીએનજી અને પીએનજીના વધી રહેલા ભાવને કારણે પણ વેટની આવકમાં વધારો થવાની સંભાવના છે. રાજ્ય સરકારે વેટમાં રાહત આપી હોવા છતાંય ભાવ વધારાને ધ્યાનમા ંલેતા તેમની આવક વધવાની સંભાવના છે. પરિણામે રૂ. ૯૦,૦૦૦ કરોડના આંકને આંબી જવામાં મુશ્કેલી પડે તેમ જણાતું નથી. હા, કોરોના અને ઓમિક્રોનનું આક્રમણ એકદમ વધી જાય અને લૉકડાઉન અમલ કરવાની ફરજ પડ ેતો જ જીએસટી અને વેટની આવકના ટાર્ગેટ કરતાં વધારાની આવક ન થાય તેવી શક્યતા રહેલી છે. પરંતુ હાલ એટલી ગંભીર સ્થિતિ જણાતી નથી.
૨૦૨૧-૨૨માં જીએસટી અને વેટની થયેલી આવક
મહિનો જીએસટી વેટ
૨૦૨૧ રૂ.. કરોડમાં રૂ. કરોડમાં
એપ્રિલ ૪૨૭૫ ૨૨૬૦
મે ૨૬૩૫ ૧૯૧૩
જૂન ૨૮૭૫ ૨૦૯૫
જુલાઈ ૩૮૯૩ ૨૬૩૫
ઓગસ્ટ ૩૫૯૦ ૨૬૩૦
સપ્ટમ્બર ૩૬૫૫ ૨૪૯૨
ઓક્ટોબર ૩૮૨૨ ૨૩૦૦
નવેમ્બર ૪૦૦૫ ૩૦૬૬
ડિસેમ્બર ૩૬૯૧ ૨૬૦૦
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3EL4AcV
via IFTTT
إرسال تعليق