
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
છ કરોડ અને બાર કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને એક્સાઈઝ ડયૂટી લાગતી હોવાના નિયમને ચાતરી જઈને ડીજીજીઆઈની અમદાવાદ કચેરીએ અમદાવાદના દાગીનાના વેપારીઓને નોટિસો આપવા માંડી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે અમદાવાદના સોનીઓને એક્સાઈઝના ૨૦૧૬ની સાલના પરિપત્રના અનુસંધાનમાં નોટિસો આપવા માંડી હોવાથી સોનીઓ-જ્વેલર્સોમાં નારાજગી વધી રહી છે.
૨૦૧૬ની સાલના બજેટથી જ્વેલરીનો વેપાર કરનારાઓ પર ૧ ટકાના દરે એક્સાઈઝ લાગુ કરવામાં આવી હતી. તેના અનુસંધાનમાં ૨૦૧૬ની ૨૩મી એપ્રિલ, પહેલી જુલાઈ અને ૨૬મી જુલાઈ એમ ત્રણ પરિપત્ર કરીને જ્વેલર્સ પાસેથી એક્સાઈઝ વસૂલવા માટેની જોગવાઈઓ દાખલ કરી હતી. જ્વેલર્સ દાગીનાના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ બંને કરતો હોવાથી સરકારે માત્ર મેન્યુફેક્ચરિંગ પર જ એક ટકાના દરે એક્સાઈઝ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. તેને માટે એક શરત રાખવામાં આવી હતી કે અગાઉના વર્ષમાં એટલે કે ૨૦૧૫ની સાલમાં જે વેપારીનું ટર્નઓવર ૧૦ કરોડથી વધુ હોય તે જ વેપારીનું ત્યારબાદના વર્ષમાં છ કરોડથી વધુ ટર્નઓવર થાય તે પછી જ તેની પાસેથી એક્સાઈઝ વસૂલવાની રહેશે.
ડીજીજીઆઈના અધિકારીઓએ મેન્યુફેક્ચરિંગના અને ટ્રેડિંગના વહેવારને અલગ પાડયા વિના જ નોટિસ આપી દીધી છે. તેથી દાગીનાનો વેપાર કરનારાઓ નારાજ છે.
નિયમને ચાતરીને રાજકોટ-ભાવનગરનાઅધિકારીઓએ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી
કેન્દ્રિય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રાજકોટ અને ભાવનગરના કમિશનરોએ જીએસટી રૃલ્સમાં કરવામાં આવેલી જોગવાઈને ચાતરી જઈને માત્ર શંકાને આધારે નક્કી કરી આપેલા સમય કરતાંય વધુ સમય સુધી કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી દીધી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નિયમ નંબર ૮૬ (એ)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ કમિશનર કે પછી તેની નીચેના આસિસ્ટન્ટ કમિશનર સુધીના અધિકારીઓને શંકા જાય કે કોઈ કરદાતાએ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી છે તો તેઓ એક વર્ષ માટે તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક કરી શકે છે. તેમ છતાંય બે બે વર્ષથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિલીઝ ન કરતાં હોવાની બૂમ ઊઠી રહી છે. નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે વેપારીઓએ તેમના ૨એ ફોર્મ અને ૩બી ફોર્મ બતાવીને સંપૂર્ણ વિગતો આપી દીધી હોા છતાંય તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ કરવા દેતા નથી. તેમ જ કેસમાં તપાસ પણ પૂરી કરતાં નથી. વેપારીઓ વધારે દલીલો કરશે તો તેની સામે મોટી તપાસ કરી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે.ભૂતકાળમાં રિલાયન્સ અને ટાટા ગુ્રપની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ આ જ રીતે અટકાવી દેવામાં આવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3JT6nAn
via IFTTT
إرسال تعليق