નારોલમાં અકસ્માત જોવા મામા આવ્યા, ટ્રક નીચે ભાણેજની લાશ જોઇ બેભાન

અમદાવાદ,રવિવાર 

પૂર્વ વિસ્તારમાં વટવા રિંગ રોડ  બાદ નારોલ સર્કલ  ઉપર સતત બીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં યુવક સાયકલ લઇને જતો હતો આ સમયે તેને  કચડીને મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવકને મોતને ઘાટ ઉતારી ટ્રક  ચાલક ફરાર, સાયકલ  ચાલક યુવક  ટ્રક નીચે કચડાતા માથું, ચહેરાનો ભાગ છુંદાયો હતો

આ કેસની વિગત એવી છે કે   વટવામાં બીજલ ડુપ્લેક્ષની બાજુમાં  પરીજાત ઉપવન ફ્લેટમાં રહેતા રાજકુમાર હરીશંકર યાદવ (ઉ.વ.૩૮)એ અજાણ્યા ટ્રક ચાલક સામે ટ્રાફિક કે ડિવિઝન પોલીસ સ્ટશનમાં  ફરિયાદ નોંધાવી છે કે તેમની બહેનનો દિકરો અજયકુમાર મુનર યાદવ (ઉ.વ.૨૧)તેમના ઘરે રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો,  નોકરી જવા આવવા માટે સાયકલનો ઉપયોગ  કરતો હતો.તા.૧ના રોજ  સવારે  ફરિયાદી પોતે નોકરી ગયા બાદ એક કર્મચારી દ્વારા જાણવા મળ્યું હતું કે નારોલ સર્કલ પાસે મિત્તલ સેલ્સ એન્ડ સર્વિસની સામે સાયકલ ચાલકને અકસ્માત થયો છે, જેથી તેઓએ તેમના ભાણીયાને ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી તેના મિત્રને ફોન કરીને પૂછયું તો જાણવા મળ્યું  કે  અજય નોકરીએ આવ્યો નથી, જેથી  તુંરંત તેઓ અકસ્માતના સ્થળે પહોચ્યા હતા અને જોયું તો ટ્રક નીચે કચડાયેલ યુવક તેમનો ભાણીયો હોવાની જાણ થઇ હતી. યુવકને માથા તથા ચહેરાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી  સ્થળ પર મોત થયું હતું. આ ઘટના અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે  કે   શુક્રવારે બપોરે  અજાણ્યા  વૃધ્ધ ગામડી ચાર રસ્તાથી સાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા.  આ સમયે રોપડા ચાર રસ્તા તરફથી પૂર ઝડપે ટ્રક લઇને ડ્રાઇવર આવી રહ્યો હતો તેના વાહનના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા સાયકલ ચાલકને ટક્કર મારી હતી જેથી વૃધ્ધ ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા અને ટ્રક પૂર ઝડપે દોડી રહી હોવાથી વૃધ્ધનો મૃતદેહ ૭૦ મીટર સુધી ઢસડાયો હતો.જેથી ટ્રક નીચે કચડાતાં  વૃધ્ધનું માથુ ચહેરાનો ભાગ કમરથી પેટનો ભાગ છુંદાઇ ગયો હતો અકસ્માત કરીને  ટ્રક લઇને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qKTK1q
via IFTTT

Post a Comment

Previous Post Next Post