
માનવ ઇજા સંદર્ભે 40 ટકાથી 60 ટકા અપંગતાના કિસ્સામાં હવે એક લાખ રૂપિયા સહાય
સિંહ, વાઘ અને દીપડા જેવા જંગલી પશુના કિસ્સામાં પહેલાં ચાર લાખ વળતર હતું તે વધારીને પાંચ લાખ, ગાય-ભેંસ માટે હવે 50 હજાર
ગાંધીનગર : ગુજરાતમાં આવેલ વન તથા અભયારણ્ય અને તેની નજીકના વિસ્તારમાં રહેતા વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ-ઈજા તથા પશુ મૃત્યુની ઘટનાઓ બનતી હોય છે. આવા કિસ્સાઓમા નાગરિકોને ચૂકવાતા વળતર-સહાયના દરોમા રાજય સરકારે એક લાખ સુધીનો નોધપાત્ર સુધારો કરી નવા દરો નિયત કર્યા છે.
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના જણાવ્યા અનુસાર, વન્યપ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ કે ઈજા તથા પશુ મૃત્યુના પ્રસંગોએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના નવા દર મુજબ માનવ મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક વ્યક્તિ દીઠ પહેલાં ચાર લાખની સહાય અપાતી હતી તે હવે પાંચ લાખની કરવામાં આવી છે.
એ જ રીતે માનવ ઇજા સંદર્ભે 40 ટકાથી 60 ટકા અપંગતા હોય તેવા કિસ્સામાં 59,100ને બદલે હવે એક લાખ રૂપિયાની સહાય અપાશે. 60 ટકાથી વધુ અપંગતા હોય તો બે લાખ અને ત્રણ દિવસ અથવા તેથી વધુ સમય ઇજા પામેલ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો પહેલા સહાય આપવામાં આવતી ન હોતી તેના બદલે હવે 10,000ની સહાય ચૂકવાશે.
આ ઉપરાંત દૂધાળા પશુઓ માટે પણ પ્રત્યેક પશુદીઠ મૃત્યુ સહાયના નવા દરો નિયત કરાયા છે જે અંતર્ગત ગાય અને ભેંસ માટે 30,000ના બદલે હવે 50,000, ઊંટ માટે 30,000ના બદલે 40,000, ઘેટાં અને બકરા માટે 3000ના બદલે 5000ની સહાય તથા બિન દૂધાળા પશુઓમાં ઊંટ, ઘોડા કે બળદ માટે 25000 તથા રેલ્લો (પાડો-પાડી), ગાયની વાછરડી, ગધેડો, પોની માટે 16000ના બદલે 20,000ની સહાય ચૂકવાશે.
આ નવા દરોનો અમલ 5મી જાન્યુઆરીથી કરાશે અને આ ઠરાવ બહાર પાડતા પહેલાંના બનાવોમાં જો કોઇ વળતર ચુકવવાનું બાકી હોય તો તે જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચુકવવાનું રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972માં દર્શાવેલ વન્યપ્રાણીની વ્યાખ્યામાં સમાવેશ થતાં વન્યપ્રાણીઓ જેવા કે, સિંહ, વાઘ, દીપડા, રીંછ, મગર, વરૂ, જરખ અને જંગલી ભૂંડ દ્વારા માનવ મૃત્યુ કે ઇજા તથા પશુ મૃત્યુ થયેલ હોય તેવા કિસ્સામાં આ વળતર ચુકવવાનું રહેશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3F1OImk
via IFTTT
إرسال تعليق