એક રાત માટે સિમકાર્ડ બંધ કરી વેપારીના 46 લાખનું ઈ-ચીટિંગ


મિસ્ડ કોલથી સિમકાર્ડ બંધ  ! ઓટીપી મેળવી 11 ટ્રાન્ઝેક્શન

કોલકાતાના વોડાફોન સ્ટોર્સમાં સિમકાર્ડ બંધ કરાવાયા અને પૈસા જેમાં ટ્રાન્સફર કરાયા તે ત્રણ એકાઉન્ટ પશ્ચિમ બંગાળના

અમદાવાદ : બધુ જ નોર્મલ ચાલતું હતું ને કેમિકલના વેપારીના બન્ને સીમકાર્ડ અચાનક બંધ થઈ ગયાં. 24 કલાકની દોડધામ બાદ માંડ સીમકાર્ડ ચાલુ થયા ત્યારે ખબર પડી કે એક જ રાતમાં તેમના બેન્ક એકાઉન્ટમાંથી 46 લાખ રૂપિયા સેરવી લેવામાં આવ્યા છે.

મિસ્ડ કોલ કરીને સીમકાર્ડ હેન્ડ કરી દીધા પછી કોલકાતાના વોડાફોન સ્ટોર્સમાંથી સીમકાર્ડ બંધ કરાવાયા હતા અને 11 ટ્રાન્ઝેક્શનથી પૈસા પણ પશ્ચિમ બંગાળના ત્રણ એકાઉન્ટમાં સેરવી લેવાયા હતા. પશ્ચિમ બંગાળની ઈ-ચિટર ગેંગ સામે ગુનો નોંધી સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

આનંદનગર 100 ફૂટ રોડ ઉપર રહેતા રાકેશભાઈ સોમાલાલ શાહ કેમિરલનો વ્યવસાય કરે છે અને બેન્ક ઓફ બરોડામાં બે એકાઉન્ટ ધરાવે છે. રાકેશભાઈ બે મોબાઈલ નંબર ધરાવે છે પરંતુ ઈનકમિંગ કોલ એક જ નંબર ઉપર આવે તેવી વ્યવસૃથા ગોઠવેલી હતી.

ઈ-મેલ આઈડીમાં ફક્ત બેનિફિશયરી એડ કર્યા અંગેના મેસેજ અને બેન્કના મનૃથલી સ્ટેટમેન્ટ સિવાય બેન્કીંગને લગતી કોઈ માહિતી આવતી નહોતી. તા. 22 ડીસેમ્બરે બપોરે સવા ચાર વાગ્યાના અરસામાં એક મિસ્ડ કોલ આવ્યો હતો. આ પછી 10-15 મિનિટમાં રાકેશભાઈના બન્ને મોબાઈલ ફોન નંબરના ટાવર અનરિચેબલ થઈ ગયા હતા. 

બન્ને સીમકાર્ડ ડીએક્ટિવ થતાં રાકેશભાઈ વોડાફોન - આઈડિયાના શો રૂમમાં ગયા હતા અને કમ્પલેઈન આપતાં પોસ્ટ પેઈડ નંબર તરત ચાલુ થયો હતો.  પ્રિ-પેઈડ નંબર ચાર કલાક પછી ચાલુ થશે તેમ કહેવાયું હતું.

રાત્રે દસેક વાગ્યાના અરસામાં પણ ઈ-મેલ કરીને મોબાઈલ ફન બંધ થયો હોવાની ફરિયાદ કંપનીમાં કરાઈ હતી. સીમ એક્ટિવેટ કરવાની પ્રોસેસ કરતાં બન્ને સીમકાર્ડ ફરી બંધ થયા હતા તેની જાણ સવારે થઈ હતી.

તા. 23ના સવારે વોડાફોન સ્ટોર્સ ખાતે જઈ તપાસ કરતાં કોલકાતા, વોડાફોન સ્ટોર્સથી બન્ને સીમકાર્ડ બંધ કરાવાયાનું જાણવા મળ્યું હતું. પોસ્ટ પેઈડ નંબર એક્ટિવેટ કરાવી પ્રિ-પેડ ડીએક્ટિવેટ કરાવીને મોબાઈલ ચાલુ કરાવ્યો હતો. તા. 23ના જ બપોરે બેન્ક ઓફ બરોડા પહોંચીને રાકેશભાઈએ તપાસ કરી તો ચોંકી ઉઠયા હતા.

તા. 22 ડીસેમ્બરની રાતે રાકેશભાઈના બેન્ક એકાઉન્ટમાંથી કુલ 46 લાખ રૂપિયા આરટીજીએસ, આઈએપીએસ દ્વારા ટૂકડે ટૂકડે સેરવી લેવામાં આવ્યા હતા. આ પૈસા સોનાઈ દાસ, રોહીત રોય અને રાકેશ વિશ્વકર્મા નામની વ્યક્તિના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા.

કુલ 11 ટ્રાન્ઝેક્શનથી 46.36 લાખ રૂપિયા સીમકાર્ડ બંધ કરાવી બેન્કીંગ ટ્રાન્ઝેક્શનના ઓટીપી મેળવીને ટ્રાન્સફર કરાવી લેવાયાની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3q3Mkak
via IFTTT

Post a Comment

أحدث أقدم