વરસાદી છાંટા, ધુમ્મસ અને ઠંડી વચ્ચે પૂર્વ અમદાવાદનું જનજીવન ખોરવાયું

અમદાવાદ,તા.01 ડિસેમ્બર 2021,બુધવાર

અમદાવાદમાં બુધવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું છે. પૂર્વ અમદાવાદમાં સતત રહી રહીને વરસાદી છાંટા પડયા હતા. વહેલી સવારથી જ ઠંડીની અસર જોવા મળી હતી. આખા દિવસ દરમિયાન સૂર્યના કે સૂર્ય પ્રકાસના દર્શન થયા નહોતા. આભમાં વાદળાની ચાદર પથરાયેલી રહેતા, નીચે જમીન પર ધુમ્મસ રહેતા દ્રશ્યમાનતા ઘટી જવા પામી હતી. શહેરીજનોએ દિવસે પણ સ્વેટર પહેરવા પડયા હતા. ઠંડાગાર વાતાવરણ વચ્ચે મોટાભાગના લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા હતા. ગોદળા, રજાઇ અને ચાદર ઓઢીને દિવસે ઘરમાં પુરાઇ રહેવાની ફરજ પડી હતી. બદલાયેલા વાતાવારણ વચ્ચે શિયાળાની સિઝનમાં આ પ્રથમ વખત થથરાવી મૂકતી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. આજે દિવસે પણ લોકોએ તાપણા કરીને ઠંડી ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો.

પૂર્વ અમદાવાદમાં બુધવાર સવારથી જ વેસ્ટર્ન ડિસ્ટબન્સની ભારે અસર જોવા મળી હતી. વહેરી સવારથી જ ગાઢ ધુમ્મસે શહેર પર કબજો જમાવી દીધો હતો. ઠંડીની તીવ્ર અસર વર્તાતા મોર્નિંગ વોક માટે નીકળતા મોટાભાગના લોકોઅ ેગાર્ડનમાં જવાનું માંડી વાળીને ઘરમાં ગોદળામાં લપાઇ રહેવાનું વધારે પસંદ ક્યું હતું.

ઘરના બારી બારણા બંધ રાખવા પડયા હતા. પંખા, એસી, સહિતના ઇલેક્ટ્ીક સાધનોએ આજે પુરેપુરો આરામ કર્યો હતો. ઘરના સભ્યોએ નાનીથી માંડીને મોટાઓ સુધીના તમામ  આયુવર્ગના લોકોએ દિવસભર ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડયા હતા. ઘરની બહારનું જનજીવન પણ આજે બદલાયેલું જોવા મળ્યું હતું.

બાગ-બગીચાઓમાં ભેજના કારણે ઘાસ-ઝાડપાન વગેરે ભીના જોવા મળ્યા હતા. સવારથી જ  માવઠાની અસરને લઇને તમામ રોડ ભીના થઇ ગયા હતા. જેના કારણે રોડ પર ઢોળાયેલું ઓઇલ સક્રિય બની જતા કેટલાક વિસ્તારમાં વાહનો સ્લીપ થવાના પણ બનાવો બન્યા હતા. જેમાં વાહનચાલકને નાની-મોટી ઇજાઓ પણ થવા પામી હતી. 

ધુમ્મસિયા વાતાવરણને કારણે અને તેમાંય સૂર્યપ્રકાશની ગેરહાજરી વચ્ચે વિઝિબિલિટી ઘડી જતા રોડ પર મંદ ગતિએ વાહનવ્યવહાર ચાલ્યો હોવાથી શહેરભરમાં આજે ટ્રાફિકજામના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડ પર હાથીજણ સર્કલથી માંડીને રામોલ ટોલનાકા, વસ્ત્રાલ ચોકડી, ઓઢવ સર્કલ, નિકોલ સર્કલ, નરોડા સર્કલ પર ભારે ટ્રાફિક સમી સાંજે જોવા મળ્યો હતો. જેને લઇને હજારો વાહનોની લાંબી લાઇનો રિંગરોડ પર લાગી જવા પામી હતી. રિંગરોડ પર રામોલ પાસે વડોદરા એક્સપ્રેસ વે બ્રિજ પરની સ્ટ્રીટલાઇટો બંધ હોવાથી વાહનચાલકોની મુશ્કેલીઓ વધી જવા પામી હતી.

બુધવારે ઓપન પાર્ટી પ્લોટમાં આયોજીત લગ્નોના આયોજન બગડયા !

હાલમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. બુધવારે પણ પૂર્વ અમદાવાદમાં ૧૦૦થી વધુ પાર્ટીપ્લોટમાં લગ્ન હતા. પાર્ટીપ્લોટ, હોટલ, બેંકવેટ હોલ, ઘરઆંગણે જેઓએ લગ્ન લીધા હતા. તે તમામ લોકો આજે બુધવારે માવઠા, વાદળછાયા વાતરણ અને ઠંડીને લઇને ભારે હાલાકીમાં મૂકાઇ ગયા હતા.

સામાન્ય રીતે પાર્ટીપ્લોટ ઓપન હોય છે. તે સંજોગોમાં ડેકોરેશન બગડયું હતું, કેટરિંગમાં રસોઇ બનાવી હતી હજારો લોકો જમણવારમાં આવવાના હતા પરંતુ ઓપન પ્લોટ હોવાના કિસ્સામાં જમણવારમાં ભારે મુશ્કેલીઓ સામે આવી હતી. પાર્ટી પ્લોટમા ંએક દિવસનું લાખથી લઇને ચારેક લાખ રૂપિયાનું ભાડુ ચૂકવવા, કેટરિંગમા ંપણ લાખોનો ખર્ચો કરવો માથે પડયો હોય તેનો ઘાટ ઘડાયો હતો.

લગ્નની આખી મજા બગડી ગઇ હતી. વાતાવરણને લઇને મોટાભાગના લોકોએ લગ્નમાં જવાનું જ માંડી વાળ્યું હતું. આ સંજોગોમાં જેના ઘરમાં લગ્ન હતા તેઓનો દુનિયા જોવે તેવી રીતે ધામધૂમપૂર્વક લગ્ન કરવાના ઓરતા આજે અધુરા રહ્યા હતા. પૂર્વમાં પાર્ટી પ્લોટના સંચાલક ગુલશન રામચંદાણીના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૭માં શિયાળામાં આવી રીતે વરસાદ પડયો હતો ત્યારે પણ લોકોએ હેરાનગતિ ભોગવી હતી. લગ્નપ્રસંગ બગડયા હતા.કુદરતી વાતાવરણને લઇને લગ્ન બગડવાના કિસ્સામાં પૈસાની બાબતે પાર્ટીપ્લોટના માલિક અને લગ્ન માટે પાર્ટીપ્લોટ બુક કરાવનાર વચ્ચે ધર્ષણના પણ આજે બનાવો જોવા મળ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3phfGAv
via IFTTT

Post a Comment

أحدث أقدم