એક્સપ્રેસ-વે માટે ખેડૂતોના ઉભા પાકનો કચ્ચરણઘાણ વાળી દેવાયો


બાવળિયારી ગામનો વિરોધનો વંટોળ સરસલાપરા ગામ સુધી પહોંચ્યો

દંડાધારી પોલીસના મસમોટા કાફલા સાથે જમીન સંપાદનની કામગીરીએ આક્રોશની આગ વધુ ફેલાવી, ૧૭ ખેડૂત ડિટેઈન

ધંધુકા : ધોલેરા સર વિસ્તારમાં અનેક બહુહેતુક વિકાસ કાર્યોનો ધમધમાટ સ્થાનિકો માટે નુકશાન દાયક સાબિત થઈ રહ્યો છે. એક્સપ્રેસ-વે માટે ચાલી રહેલી જમીન સંપાદનની કામગીરીની થોડા સમય પૂર્વ બાવળિયારી ખાતે વિરોધનો વંટોળ ઉઠયા બાદ હવે વિરોધની આગ સરસલાપરા ગામે પહોંચી છે. અહીં પોલીસના જોરે જમીન સંપાદન માટે ખેડૂતોના ઉભા પાકનો કચ્ચરણઘાણ વાળી દેવામાં આવતા ખેડૂતો અને ગ્રામજનોમાં આક્રોશની આગ વધુ ફેલાઈ હતી.

સરસલાપરા ગામના ખેતરોમાંથી એક્સપ્રેસ-વે બનાવવા માટે સવારે દંડાધારી પોલીસના મસમોટા કાફલાના સંરક્ષણ સાથે મોટા-મોટા બુલડોઝરો લઈ સરકારી બાબુઓ સરસલાપરા ગામે આવી પહોંચ્યા હતા. અહીં ગામની સીમમાં આવેલા ખેતરોમાં ખેડૂતોએ ઘઉં, શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. જે ઉભા પાક પર એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદન કરવા માટે બુલડોઝર ફેરવી દઈ પાકનો સોથ વાળી દેવામાં આવ્યો હતો. આ કામગીરી વચ્ચે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ચકમક ઝરી હતી. મહિલાઓ અને સ્થાનિકોએ પાકને નુકશાન ન કરવા વિનમણી કરી કામગીરીના વિરોધ કર્યો હતો. પરંતુ પોલીસે કડકાઈથી કામ લઈ અવાજ દબાવી દેવા પોલીસ દમન કર્યું હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો. જ્યારે પોલીસે રોડ માટેનું કાર્ય શાંતિપૂર્ણ રીતે થાય તે માટે કાર્યવાહી કરી ૧૭ ખેડૂતને ડિટેઈન કરી ધંધુકા મોકલી આપ્યાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદનની કામગીરી મુદ્દે થોડા દિવસ પહેલા બાવળિયારી ગામે પણ રોષભેર વિરોધ થયો હતો. ત્યારે હવે આ વિરોધનો વંટોળ સરસલારપરા ગામે પહોંચ્યો છે. ધોલેરા વિસ્તારમાં ખેડૂતોએ સર સામે વિવિધ મુદ્દાઓને લઇ મોરચો માંડયો છે. એવામાં ત્રીજી ડિસેમ્બરે મુખ્યમંત્રી ધોલેરા વિસ્તારની મુલાકાતે આવવાના હોવાથી હાઈવે રોડ પર વિકાસ કાર્યની કામગીરીનો ડોળ દેખાડવા માટે ખેડૂતોના ઉભા પાક પર બુલડોઝર ફેરવી દેવાયાનો સણસણતો આક્ષેપ ખેડૂતોએ મુક્યો છે.

નોટિસ નથી આપી, વળતર પણ નથી મળ્યું : ખેડૂતો 

સરસલાપરાના ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યુ કે, હજુ અમને વળતર મળ્યું નથી. ખેતરમાં શિયાળુ પાક ઉભો છે. સરકારી તંત્રએ કોઈ નોટિસ આપ્યા વિના જ ઉભા પાકને બુલડોઝર ફેરવી કચડી નાંખ્યો છે. જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે. ખેડૂતો પોતાનો સાચો વિરોધ નોંધાવે તો તેમની સામે દંડાધારી પોલીસને આગળ ધરી દઈ વિરોધને દબાવવાનું કામ કરાઈ રહ્યું છે. વિકાસ થવો જરૂરી છે, પરંતુ ખેડૂતોના વિનાશના પાપે નહીં તેવી હૈયાવરાળ પણ ઠાલવવામાં આવી હતી.

ખેડૂત આગેવાનો ઉપર આઈબીની વોચ

રાજ્યના મુખ્યમંત્રી શુક્રવારે સંભવત્ ધોલેરા વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે. સીએમની મુલાકાત સમયે કોઈ વિરોધનો થાય તે માટે સરકારી બાબુઓ આકાશ-પાતાળ એક કરવા મથી રહ્યા છે. આ માટે સરનો વિરોધ કરી રહેલા વિવિધ ખેડૂત સંગઠનોના આગેવાનોની ગતિવિધિ પર પણ આઈબી (ઈન્ટેલિજન્ટ બ્યૂરો) દ્વારા સખત વોચ રાખવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી માલૂમ પડયું છે. 

પ્રોટેક્શન મંગાયું હતું : પીએસઆઈ

સરસલાપરા ગામે એક્સપ્રેસ-વે માટે જમીન સંપાદનની કામગીરીને લઈ તંત્ર દ્વારા પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું. જે અન્વયે સરસલાપરા ગામે કેટલાક લોકો સરકારી કામમાં વિક્ષેપ કરતા હોઈ, કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે ૧૭ લોકોને ડિટેઇન કરીને ધંધુકા મોકલી આપ્યા હોવાનું ધોલેરા પીએસઆઇ પી.એન.ગોહિલે જણાવ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xEtHw0
via IFTTT

Post a Comment

أحدث أقدم