લગ્નની ખરીદી કરવા ગયેલા જેસંગપુરાના યુવાનને કાળ ભરખી ગયો


લગ્ન ગીતોને બદલે મરસિયા ગવાયા

વિરમગામથી ખરીદી કરી પરત જતી વખતે અકસ્માતમાં મૃત્યુ : ૧૧ દિવસ પછી લગ્ન હતા

વિરમગામ : વિરમગામ-બહુચરાજી હાઇવે પર ઉખલોડ ગામ પાસે એક આઇસર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા યુવાને સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 

તાલુકાના ઉખલોડ ગામ પાસે વિરમગામ-બહુચરાજી હાઇવે પર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક સવાર યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. માંડલ તાલુકામાં જેસંગપુરા ગામના જીવણભાઇ ડુંગરભાઇ ઠાકોર પોતાનું મોટર સાઇકલ લઇને વિરમગામ ખાતે લગ્નની ખરીદી કરવા માટે આવ્યાં હતા. વિરમગામથી લગ્નની ખરીદી પતાવીને બપોરના સમયે તેઓ ઘરે પરત જવા નિકળ્યા હતા તે સમયે વિરમગામથી બહુચરાજી હાઇવે પર જતાં સમયે ઉખલોડ ગામ નજીક બહુચરાજી તરફથી પુરઝડપે આવી રહેલા આઇસ ટ્રકના ચાલકે જીવણભાઇના મોટરસાઇકલને ટક્કર મારી હતી. ટ્રક અને બાઇક વચ્ચે આ અકસ્માતમાં જીવણભાઇ નીચે પટકાયા હતા. તેમને માથામાં શરીરે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે વિરમગામ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. 

બનાવ અંગે મળતી વધુ માહિતી અનુસાર મૃતક યુવકના લગ્ન ડિસેમ્બરના લગ્ન હતા. પોતાના લગ્નની ખરીદી કરવા માટે યુવાન વિરમગામ આવ્યો હતો ત્યારે ઘરે પરત જતી વખતે કાળ ભરખી ગયો હતો. બનાવને કારણે જેસંગપુરા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મૃત યુવાનની લાશ પીએમ કરી મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવ અંગે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત પછી ફરાર થઇ ગયેલા આઇસર ટ્રકના ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xSsIZr
via IFTTT

Post a Comment

أحدث أقدم