અમદાવાદ,તા.23 ડિસેમ્બર 2021,ગુરૂવાર
પૂર્વ અમદાવાદમાં વસ્ત્રાલ, ઓઢવ, ન્યુ મણિનગર સહિતના વિસ્તારમાં પીવાના પાણીની લાઇન લીકેજની સમસ્યાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. વસ્ત્રાલમાં આરટીઓ રોડ પર આશિર્વાદ ફ્લેટ પાસે, વિનાયક પાર્ક પાસે, રતનપુર જતા રસ્તા પર કિષ્ણાપાર્ક પાસે પાછળના ગેટ પર પાણીની રેલમછેલ થઇ રહી છે, ન્યુમણિનગરમાં રામોલ જવાના માર્ગે પણ પાણી લીકેજ થઇ રહ્યું છે.
પૂર્વ અમદાવાદમાં અનેક જગ્યાઓ પર પીવાના પાણીની લાઇન વારંવાર લીકેજ થતી હોય તેવી સમસ્યા હમણા ઘણા સમયથી વધી જવા પામી છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી પુરતું અને પ્રેશરથી પહોંચી રહ્યું ન હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ વસ્ત્રાલ આરટીઓ જવાના માર્ગે આશિર્વાદ ફ્લેટ જોગણી માતાના મંદિર પાસે ગટર લાઇન નવી નાંખવામાં આવી છે.
આ કામ દરમિયાન જ પીવાના પાણીની લાઇન લીકેજ થઇ જવા પામી છે. છેલ્લા ચાર દિવસથી પાણી વેડફાઇ રહ્યું છે. આજુબાજુના વિસ્તારોમાં પીવાનું પાણી દુષિત આવી રહ્યું છે. પાણી રોડ પર વેડફાતા રોડ તૂટી ગયો છે. પાણીના ખાબોચિયા ભરાઇ ગયા છે. લોકોને અવર-જવરમાં હાલાકી ભોગવવી પડી રહી છે.
સાનિધ્ય પાર્ક ની પાસે પણ આવી જ રીતે પાણીની લાઇન લીકેજ થઇ જતા પાણીનો મોટાપાયે બગાડ થઇ રહ્યો છે. રતનપુર જવાના માર્ગે કિષ્ણાપાર્કમાં પણ પાણીની લાઇન લીકેજની પ્રશ્ન સર્જાયો છે.
ઓઢવમાં ગટરના પાણી ઉભરાતા હોય તેવી સમસ્યા સર્જાઇ છે. ફાયર સ્ટેશનની સામે, વલ્લભનગરથી જીઆઇડીસીમાં જવાના માર્ગે ગટરો બેક મારી રહી છે. મ્યુનિ.તંત્ર દ્વારા જનઆરોગ્યની ચિંતા કરીને પાણી-ગટર લાઇનના પ્રશ્નો સત્વરે ઉકેલમાં આવે તેવી માંગણી ઉઠી છે. ગ્રામ પંચાયત સમયની ગટર, પાણીની લાઇનો બદલી નવી લાઇનો નાંખવામાં આવે તેવી માંગણી કરાઇ રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3po9Qif
via IFTTT
Post a Comment