અમદાવાદમાં પાક નુકશાની વળતર મેળવવા 29,421 ખેડૂતોની અરજી

અમદાવાદ,તા.23 ડિસેમ્બર 2021,ગુરૂવાર

અમદાવાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદના લીધે ધંધૂકા, ધોલેરા, ધોળકા, માંડલ તાલુકાના ૧૩૫ ગામોમાં ભારે પાક નુકશાની થઇ હતી. ખેતીવાડી ખાતાના સર્વેમાં ૫૦,૦૬૧ હેક્ટરમાં ૩૩ ટકાથી વધુ નુકશાન સામે આવ્યું હતું. પાક નુકશાનીમાં કૃષિ સહાય પેકેજ-૨૦૨૧ હેઠળ આર્થિક મદદ માટે અત્યાર સુધીમાં કુલ ૨૯,૪૨૧ અરજીઓ આવી ગઇ છે. આજે તા.૨૪ ડિસેમ્બરને શુક્રવારના રોજ પાક નુકશાની સહાય મેળવવા માટેની અરજી કરવાનો છેલ્લો દિવસ છે.

સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદના લીધે અમદાવાદ જિલ્લામાં ચાર તાલુકાના ૧૩૫ ગામોમાં કપાસ, બીટી કપાસ, કઠોળ પાકોમાં મગ, અડદ, તલમાં ભારે નુકશાની થવા પામી હતી. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેશ પટેલ જણાવ્યા મુજબ ગત તા.૬ ડિસેમ્બરથી આ ચાર તાલુકાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવાની શરૂ કરાઇ હતી.

અત્યાર સુધીમાં ૨૯,૪૨૧ ખેડૂતોએ અરજી કરી છે. આવતીકાલે શુક્રવારે અરજી કરવાનો છેલ્લો દિવસ છે. ખેડૂતે ૭-૧૨, ૮-અ,ના ઉતારા, પાક વાવેતર અંગેનો તલાટીનો દાખલો, આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ સાથે જેતે ગામની ગ્રામ પંચાયતની ઓફિસમાં વી.સી.ને મળવાનું રહેશે. જ્યાં વી.સી. વિનામૂલ્યે ખેડૂતને ઓોનલાઇન ફોર્મ ભરી આપશે. 

પાક નુકશાની સહાય અંગે વાત કરતા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે ૩૩ ટકાથી વધુ નુકશાની હોય તેવા કિસ્સામાં હેક્ટર દીઠ ૬,૮૦૦ રૂપિયાની સહાય મળશે, મહત્તમ બે હેક્ટર સુધી કુલ ૧૩,૬૦૦ રૂપિયાની સહાય મળી શકશે. લધુતમ સહાયમાં ૪ હજાર રૂપિયા આપવામાં આવશે. અરજી મળ્યે સીધા જ ખેડૂતના બેંક ખાતામાં પીએફએમએસ દ્વારા કૃષિ સહાયની રકમ જમા થઇ જશે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FpWho5
via IFTTT

Post a Comment

Previous Post Next Post