
મોટાભાગના સ્થળોએ ઝરમર વરસાદ
કમોસમી વરસાદથી ખેતી પાક અને ભઠ્ઠાની ઇંટો પલળી જતાં આર્થિક નુકસાનની ભીતિ
પંથકમાં બે દિવસથી વાતાવરણ વાદળછાયું બનતા આજે વહેલી સવારથી વિરમગામ, માંડલ, દેત્રોજ, રામપુરા-ભંકોડા, ધોળકા, બાવળા, બગોદરામાં ઝરમર ઝરમર કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળાની શરૂઆતમાં ચોમાસા જેવી માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ ઘણા સ્થળોએ કમોસમી ઝરમર ઝરમર વરસાદ વરસતા માર્ગો ભીના થયા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બનતા ગ્રામજનોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.
કમોસમી વરસેલા વરસાદે ડાંગરની કાપણી કરતા તથા ઘઉં, ચણા, રાયડો સહિતના રવી પાકોનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી.
ભઠ્ઠાની ઇંટો પલળી જતાં આર્થિક નુકસાન
બાવળા, બગોદરા આસપાસના વિસ્તારોમા ઇંટોના ભઠ્ઠા આવેલા છે. આ ઇંટોના ભઠ્ઠાવાળા હાલ શિયાળામાં મોટા ભાગની ઇંટો તૈયાર કરતા હોય છે. માવઠાનો વરસાદ થવાના કારણે ઇંટોના ભઠ્ઠામાં પકવેલી ઇંટો પલડી જવાના કારણે લાખો રૂપિયાનુ નુકસાન થવાની ભીતી છે.
માવઠાથી ડાંગરના પથારા બચાવવા ખેડૂતોને શિયાળામાં પરસેવો વળ્યો
અપૂરતા અને પાછોતરા વરસાદને લઇ ઘણા ખરા વિસ્તારોમાં ડાંગરોની રોપણી મોડી થતાં હાલ ડાંગરની કાપણી પણ ચાલુ છે. ખેતરોમાં કાપેલી ડાંગરનાં પથારાને લઇ ખેડૂતો પોતાની મહામૂલો મોલ બચાવવા શિયાળાની સીઝનમાં કમોસમી વરસેલા વરસાદમાં પરસેવો પાડતા જોવા મળી રહ્યા છે.
માર્કેટયાર્ડ પહોંચેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયા
ગત રોજથી પોતાની ડાંગર માર્કેટમાં હરાજીમાં વેચવા માટે ટ્રેકટરો લઇને આવેલ ખેડૂતો કમોસમી વરસાદી માવઠાથી ભારે મુશ્કેેલીમાં મુકાયા હતા. વહેલી સવારથી જ પોતાની ડાંગરની ગુણોને તાડપત્રીથી ઢાંકી પલળતી બચાવતા જોવા મળ્યા હતા.
કમોસમી વરસાદથી ઘઉં, રાયડો, ચણા સહિતનાં રવી પાકો પર જોખમ
ઓચિંતા માવઠાને કારણે રવી પાકની વાવણી પર પણ માઠી અસર પડી શકે છે. ખેતરોમાં તાજેતરમાં વાવણી કરાયેલ ઘઉં, રાયડો, ચણાનું બિયારણ ફેલ જવાનું જોખમ સર્જાઈ રહ્યું છે. જો ખેતરોમાં વાવેલ બિયારણ ફેલ જાય તો ફરીથી બિયારણ ખરીદી વાવણી કરવી પડે.માટે બેવડા આથક મારને લઇ સ્થાનિક ખેડૂત ભારે ચિંતિત બન્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DdoQDd
via IFTTT
Post a Comment