ડેન્ગ્યૂંનો હાહાકાર, અમદાવાદમાં ચાલુ વર્ષે 3 હજારથી વધુ કેસ !

અમદાવાદ,તા.13 ડિસેમ્બર 2021, સોમવાર

અમદાવાદ શહેરમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યૂંના કુલ ૩ હજારથી વધુ  કેસ મ્યુનિ.ચોપડે નોંધાયા છે. ગત વર્ષે આ સમયગાળામાં ફક્ત ૪૩૨ કેસ ડેન્ગ્યૂંના હતા. આ વર્ષે ડેન્ગ્યૂંએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. નવાઇની વાત એ છેકે સરકારી ચોપડે ડેન્ગ્યૂંના આટલા બધા કેસ નોંધાયેલા હોવા છતાંય ડેન્ગ્યૂંમાં એકપણ મોત થયું ન હોવાનું મ્યુનિ.તંત્ર દાવો કરે છે.  આ વાત સામાન્ય શહેરીજનો માનવા તૈયાર નથી ! ચિકનગુનિયાના ચાલુ વર્ષે ૧,૬૩૦ કેસ, સાદા મલેરિયાના ૯૭૯ કેસ, ઝેરી મલેરિયાના ૧૩૧ કેસ નોંધાયા છે. આ સરકારી આંકડાઓ છે પરંતુ વાસ્તવિક આંકડો આના કરતા અનેક ગણો હોઇ શકે છે, ડેન્ગ્યૂં સહિતના રોગોમાં મરણ આંક પણ મોટો છે. પરંતુ સરકારીતંત્ર આંકડાઓની માયાજાળ પાથરી વિવિધ રોગ નિયંત્રણમાં લેવાની સરકારી નિષ્ફળતાઓ છુપાવી રહ્યું છે. કોરોનાએ સરકારની આરોગ્યક્ષેત્રની તમામ નિષ્ફળતાઓ છતી કરી દીધી છે તે તેનું જવલંત ઉદાહરણ છે. 

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યૂમાં મોત થયું. મલ્ટી ઓર્ગેન ફેલ્યિરના કારણે મોત થયું હોવાનું કહેવાય છે. ડેન્ગ્યૂમાં એક ધારાસભ્યનું  મોત  થતા ડેન્ગ્યૂંનો રોગચાળો અને તેની ગંભીરતાને લઇને હવે શહેરીજનો ચર્ચા કરતા થઇ ગયા છે. શહેરીજનો વિચારી રહ્યા છેકે સ્માર્ટસિટી અમદાવાદમાં વર્ષે દહાડે હજારોની સંખ્યામાં ડેન્ગ્યૂંના કેસ આવી રહ્યા છે. સરકારી અને ખાસ કરીને ખાનગી દવાખાનાઆ ડેન્ગ્યૂંના દર્દીઓથી ઉભરાતા હોય છે. તો પછી ડેન્ગ્યૂંમાં મરણ કેટલા થયા હશે ?

ખાનગી દવાખાનાઓમાં ડેન્ગ્યૂંની સારવાર મોંઘી છે. દરેક વર્ગ ત્યાં જઇ શકતો નથી. તો ડેન્ગ્યૂંમાં અત્યાર સુધીમાં મોત કેટલા થયા હશે તે પ્રશ્ન લોકો પુછી રહ્યા છે. મ્યુનિ.તંત્ર આંકડાઓ જાહેર કરે છે અને તેમાં કહે છે ખાનગી હોસ્પિટલના આંકડા પણ તેમાં સામેલ છે. પરંતુ લોકો માનવા તૈયાર નથી કે સરકારી આંકડા સાચા હોય ! તેમાંય સરકાર મરણના આંકડાઓ છુપાવી રહી હોવાની એક માન્યતા લોકોમાં દઢ બનતી જઇ રહી છે. તેમાંય કોરોનાકાળમાં જે રીતે મોહાલ સર્જાયો તે જોતા લોકો હવે એવું જ માનતા થઇ ગયા છેકે સરકાર દરેક રોગના અને તેમાં થયેલા મરણના આંકડા છુપાવી રહી છે.

આરોગ્યક્ષેત્રે સરકાર તેની સફળતાઓ ઢોલ-નગારા વગાડીને જાહેર કરે છે  બીજી તરફ નિષ્ફળતાઓ છુપાવવામાં કંઇ બાકી પણ રાખતી નથી. આરોગ્ય ક્ષેત્રે કરોડોનું બજેટ છે. અત્યાધુનિક દવાખાના, સારવારના  અધતન સાધનો, નિષ્ણાત ડૉક્ટરો, મેડિકલનો જરૂરી સ્ટાફ બધુ જ છે તો પછી વિવિધ નાના-મોટા રોગો હંમેશ માટે  કાબૂમાં કેમ નથી આવતા ? સરકારની ક્યાં ખામી રહી જાય છે ? કે પછી આરોગ્ય ક્ષેત્રે લોલમલોલ ચાલી રહ્યું છે ? તે સહિતના અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઇ રહ્યા છે.

હેમરેજિક, શોક સિન્ડ્રોમ ડેન્ગ્યૂંમાં મોત થઇ શકે છે

ડેન્ગ્યૂંમાં મોત થાય ? એ પ્રશ્નનો જવાબ 'હા 'માં છે.  નિષ્ણાતોના જણાવ્યા મુજબ સાદા ડેન્ગ્યૂંમાં મોત ભાગ્યે જ થાય છે. પરંતુ હેમરેજિક ડેન્ગ્યૂં એટલેકે નાક-કાન-ગુદા વાટે લોહી વહી જવું, પ્લેટલેટ કાઉન્ટ ડાઉન થઇ જવા, મલ્ટી ઓર્ગેન ફેઇલ થઇ જવા સહિતના કારણોમાં મોત થઇ શકે છે. ડેન્ગ્યૂં શોક સિન્ડ્રોમમાં દર્દી કોમામાં જતો રહે છે આ સ્થિતિમાં પણ મોત થઇ શકે છે.

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો દર વર્ષે વધતો જાય છે તેને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ જ રહે છે. ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાય છે. આ રોગચાળો પુરેપુરો કાબૂમાં હજુ સુધી લઇ શકાયો નથી.

મરણ સર્ટિફિકેટમાં મોતના કારણનો ઉલ્લેખ કરાતો જ નથી !

કોરોનાકાળમાં લોકોને ખ્યાલ આવ્યો કે મરણ સર્ટિફિકેટમાં ફક્ત મૃતકનું નામ, સરનામું ,જાતિ અને ઉંમરનો જ ઉલ્લેખ હોય છે. કયા કારણે મોત થયું તે દર્શાવાયું હોતું નથી. કોરોના મૃત્યું સહાય માટે લોકો ફાંફા મારી રહ્યા છે. પરંતુ સાબિત કઇ રીતે કરવું કે કોરોનામાં મોત થયું છે ? 

સારવારના બીલ, દવાની રિસિપ્ટો સાચવી રાખી ન હોય, તેવા સંજોગોમાં સહાય જતી કરવી પડે તેવી નોબત આવીને ઉભી છે. સરકારી તંત્ર દ્વારા મરણ સર્ટિમાં મોતનું કારણ લખવામાં આવતું નથી તે વાસ્તવિકતા છે. આ અંગે ડૉક્ટરી લાઇન સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતે બે પ્રકારના ડેથ સર્ટિ બનતા હોય છે. ત્રણ લેવલમાં મોતના કારણની ટેકનીકલ જાણકારી રખાતી હોય છે. ટેકનીકલ ડેથ સર્ટિ સરકાર પોતાની પાસે રાખે છે મૃતકના પરિવારને ફક્ત મરણસર્ટિ આપીને છૂટા કરી દે છે. 

પરંતુ મોતના સાચા કારણોની વિગતો તંત્ર પાસે હોય છે. આમ તંત્ર એક રીતે મોતના કારણો છુપાવવા હોય તો સરળતાથી છુપાવી પણ શકે છે. 

મલેરિયામુક્ત રાજ્યની વાતો વચ્ચે શહેરમાં ૧૦૦૦થી વધુ મલેરિયાના કેસ નોંધાયા !

રોગચાળો કાબૂમાં લેવામાં મ્યુનિ.તંત્ર સદંતર નિષ્ફળ રહી છે. તે વાસ્તવિકતા છે. કોરોનાએ  સિસ્ટમની નિષ્ફળતાઓની પોલ ખોલી નાંખી છે. વર્ષ ૨૦૨૨માં રાજ્યને મલેરિયામુક્ત કરવાનું સરકારનું સપનું છે પરંતુ વાસ્તવિકતા એ છેકે ચાલુ વર્ષે શહેરમાંથી એક હજારથી વધુ કેસ મલેરિયાના મળી આવ્યા છે !

રોગચાળો નાથવામાં સરકારી સિસ્ટમમાં ખામી છે. દવાના છંટકાવ, જાગૃતિ ફેલાવવી, સારવારની વ્યવસ્થા કરવી, સફાઇ અભિયાન, વગેરે બાબતોમા ંક્યાંકને ક્યાંક ખામી રહી જાય છે કે જેના કારણે જ વિવિધ રોગ અકટતા નથી.

 સરકારી કામ ફક્ત ચોપડામાં ચિતરી દેવાય છે. ફોટોસેશન યોજીને સંતોષ મનાય છે બાકી ધરાતલ પર વાસ્તવિકતા જુદી હોય છે. મચ્છરો મારવા દવા છાંટવા કોઇ આવતું નથી. કાદવ-કિચડ, કચરાના ઢગ, ઉભરાતી ગટરો, સફાઇનો અભાવ, બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓનું ધુમ વેચાણ વગેરે બાબતો રોગચાળાને જીવંત રાખે છે.સરકારી તંત્ર રોગચાળાના મૂળને દુર કરવામાં રસ દાખવતી નથી.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DVQ7KC
via IFTTT

Post a Comment

Previous Post Next Post