અમદાવાદ,તા.26 નવેમ્બર 2021, શુક્રવાર
અમદાવાદ જિલ્લાને મલેરિયામુક્ત બનાવવામાં માટેનું જિલ્લા વ્યાપી અભિયાન હાથ ધરાયું છે. આ માટે હાલમાં તમામ કર્મચારીઓને મોટાપાયે તાલીમ અપાઇ રહી છે.
જિલ્લાના તમામ ૪૬૬ ગામોમાં દર પંદર દિવસે એક વખત સર્વેલન્સ હાથ ધરવું, વાહકજન્ય મચ્છરોનો નાશ કરવો, છેલ્લા ત્રણ વર્ષમાં મલેરિયા પોઝિટિવ કેસનો અભ્યાસ કરવો, રૂબરૂ મુલાકાત લઇને મલેરિયા નાબૂદીના પગલા લેવા સહિતનો એક્શન પ્લાન જિલ્લા વહિવટીતંત્ર દ્વારા બનાવાયો છે.
જિલ્લા મલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૨ માં રાજ્યને મલેરિયા મુક્ત કરવાનું આયોજન છે. તે માટે અત્યારથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જિલ્લામાં મલેરિયાનો એક પણ કેસ ન આવે તે માટે કરવાના થતા તમામ પ્રયાસો કરાશે.
આ માટે ટીમ વર્કથી કામગીરી હાથ ધરાઇ છે. અત્યારે તમામ કર્મચારીઓને તાલિમ અપાઇ રહી છે. જેમાં ૧૬૭ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સ, ૧૮૦ ફિમેલ હેલ્થ વર્કર્સ, ૧,૧૬૦ આશાબેનો, ૧૪૦ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો અને ૧૧૫ એમબીબીએસ, આયુષ અને આરબીકેએસ ને તાલીમ અપાઇ રહી છે.
જિલ્લામાં હાલમાં ૧૫૦ કિલો ડાયફ્લુ બેન્જોરીન નામનો મચ્છરો મારવાનો દવાનો જથ્થો આવી ગયો છે. ૧૦ લીટર પાણીમાં ફક્ત ૧૦ ગ્રામ આ જથ્થો નાંખી છંટકાવ કરવાથી મચ્છર, તેની લાળ અને પોરાઓનો નાશ થઇ જાય છે. દર મંગળવારે અને શુક્રવારે પોરાનાશક કામગીરી જિલ્લાભરમાં કરવામાં આવશે.મહિનામાં બે વખત આખા ગામમાં સર્વેલન્સ કરાશે.
હાલમાં છેલ્લા ત્રણ વર્ષમાં મલેરિયા પોઝિટિ કેસનો રિપોર્ટ તૈયાર કરાયો છે. આ રિપોર્ટના આધારે તે દર્દીઓની મુલાકાત લેવાશે. તેઓએ કોર્ષપૂર્ણ કર્યો છેકે કેમ ? તેની માહિતી મેળવાશે, મલેરિયાના કેસમાં ૧૪ દિવસ ગોળી ગળવાની હોય છે. મલેરિયા પોઝિટિવ દર્દીઓને મલેરિયા પછી થયો હતો કે કેમ? તેની પણ તપાસ કરાશે.
જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગેની પૂરેપૂરી તાલીમ અપાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CQOltX
via IFTTT
إرسال تعليق