ખોખરામાં ભુલથી બાઇકો બદલાઇ ગઇ, પોલીસે શોધી આપી

અમદાવાદ,તા.27 નવેમ્બર 2021, શનિવાર

ખોખરામાં શુક્રવારે સાંજે મેડિકલની દુકાને દવા લેવા આવેલા બે લોકો અજાણતામાં જ એકબીજાની બાઇકો પોતાની સમજીને લઇને ચાલતા પડયા હતા. જોગાનુંજોગ ચાવી પણ લાગી ગઇ હતી. ઘરે ગયા પછી ખબર પડી કે બાઇક બદલાઇ ગઇ છે અને જીવ અદ્ધર થઇ ગયો. આખરે ખોખરા પોલીસની મદદથી  બંને જણાએ એકબીજા પાસેથી બાઇકો મેળવીને હાશકારાની લાગણી અનુભવી હતી.

ખોખરામાં મિત્રને ઘરે આવેલો જેનિલ કે જે ભાવનગર રહે છે અને મેડિકલનો વિદ્યાર્થી છે તેમજ બી.જે.મેડિકલમાં ઇન્ટરશીપ કરી રહ્યો છે. તેની બાઇક લઇને તેનો મિત્ર ઉદય પટેલ શુક્રવારે રાત્રે ખોખરામાં આવેલી મેડિકલની દુકાનમાં દવા લેવા ગયો હતો. દવા લીધા પછી તે બાઇક લઇને ઘરે પરત ફર્યો હતો.

જેનીલે આશ્ચર્ય સાથે ઉદયને કહ્યું કે અરે તું કોની બાઇક લઇને આવ્યો છું અને મારી બાઇક ક્યાં ગઇ ! વાસ્તવામાં એક જ કંપનીની અને એકજેવી લાગતી બાઇકની અદલા-બદલી થઇ ગયાનો આ કિસ્સો હતો. સ્થળ પર જઇને તપાસ કરતા તેની બાઇક મળી આવી નહતી. બાઇક કોણ લઇ ગયું હશે તે અવઢવમાં પડી ગયા હતા. તેથી તેઓએ ખોખરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

ખોખરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.એન.ચુડાસમાના જણાવ્યા મુજબ ભુલથી બાઇકો બદલાઇ જવાનો આ કિસ્સો છે. જેમાં તેઓએ સોફ્ટવેરની મદદથી બાઇક ચાલકનું નામ, સરનામું મેળવીને તેના ઘરે જઇને તપાસ કરતા ઇશનપુરમાં રહેતા પ્રકાશ પ્રજાપતિની બાઇક હોવાનું જાણવા મળ્યું હતું. પ્રકાશભાઇ પાસે પણ જેનિલની બાઇક ભુલથી જ આવી ગઇ હતી. બંને જણાએ ખોખરા પોલીસ સ્ટેશનમાં આવીને એકબીજાની બાઇકો સોંપી દીધી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xucHsg
via IFTTT

Post a Comment

Previous Post Next Post