
છાનગપતિયાં કરતાં બે પતિ સામે પત્નીની ફરિયાદ
બોપલની યુવતીની પતિ સામે ફરિયાદ: બીજા કેસમાં ઈન્કમટેક્સ કર્મચારી પતિએ બીજા લગ્ન કરતાં શિક્ષિકાએ FIR નોંધાવી
અમદાવાદ : લગ્ન થયેલા હોવા છતાં લગ્નેત્તર સંબંધો એટલે કે અફેર રાખતા પતિદેવના કિસ્સા વધી રહ્યાં છે. બોપલમાં અફેર રાખતા સ્પા સંચાલક પતિએ પત્નીને ખુરશીમાં બાંધી પટ્ટીથી માર મારવા ઉપરાંત ગુપ્તાંગમાં ડીસમીસથી ઈજા કરી હતી. જ્યારે, બીજા કેસમાં શિક્ષિકાએ ઈનકમટેક્સ કર્મચારી એવા પતિએ બીજા લગ્ન કરી લેતા સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બોપલમાં રહેતા કંચનબહેન (ઉ.વ. 39)ના પતિ લોકેન્દ્ર ભંડારી સ્પાનો વ્યવસાય આલ્ફા વન મોલ અને બેંગ્લોર ખાતે કરે છે. 16 વર્ષ પહેલાં પ્રેમલગ્ન પછી પુત્ર, અને પુત્રી છે. પતિને 2016થી અલગ અલગ સ્ત્રીઓ સાથે અફેર હોવાની જાણ થતાં કંચનબહેન તેમને સમજાવતા હતા.
ધંધામાં ખોટ જતાં પતિએ પિયરથી પૈસા લાવવાનું દબાણ અને ત્રાસ શરૂ કર્યા હતા. તા. 16 ઓક્ટોબરે બેંગ્લોરથી પતિએ ત્રણ છોકરીના ફોટો મોકલી કઈ સારી છે? તેમ પૂછતાં ઝઘડો થયો હતો. તા. 22 ઓક્ટોબરે પરત આવેલા પતિએ ખુરશીમાં બાંધી દઈ કંચનબહેનને પટ્ટાથી માર માર્યો હતો.
ગુપ્તાંગના ભાગે ડીસમીરથી માર માર્યો હતો ત્યાં જ ખુરશી તૂટી ગઈ હતી. આ પછી ઓશિકાથી મોઢું દબાવી મારી નાંખવા પ્રયાસ કરતા કંચનબહેન બેભાન થઈ ગયા હતા. હોશમાં આવી કંચનબહેને તેમની બહેનપણીનો ફોન કરતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. હોસ્પિટલથી રજા અપાતા બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
ચાંદલોડિયામાં રહેતા 35 વર્ષના અભિલાષા રાવ વડોદરામાં મદદનીશ શિક્ષિકા તરીકે કાર્યરત છે અને ચાર વર્ષથી માતા-પિતા સાથે રહે છે. તેમણે ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2012માં તેમના લગ્ન મોટેરામાં રહેતા અને ઈનકમટેકસમાં ફરજ બજાવતા હર્ષવર્ધન કરણસિંહ રાવ સાથે થયા હતા. પતિ વારંવાર શિક્ષિકા તરીકેની નોકરીમાંથી રાજીનામું આપવા કહેતા હતા પણ અભિલાષાબહેન ના પાડતા હોવાથી ત્રાસ અપાતો હતો.
ત્રાસ અને મારથી કંટાળી અડાલજ પોલીસમાં અરજી આપી અભિલાષાબહેન પિતાના ઘરે રહેવા ગયા હતા અને છૂટાછેડાનો દાવો પણ ચાલે છે. દાવો પેન્ડિંગ હોવા છતાં પતિએ બીજી સ્ત્રી સાથે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા અને પુત્રીનો જન્મ પણ થયો છે. આખરે, અભિલાષાબહેને પતિ સામે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Gkk3m4
via IFTTT
Post a Comment