સરકારના ખોટ કરતાં જાહેર સાહસો અને કંપનીઓમાં મૂડીરોકાણ કરવું ન જોઇએ


'કેગ' દ્વારા અપાયેલી સલાહ

રોકાણ માટે આપેલા ઉધાર રૂપિયાનું વ્યાજ 7.57 ટકા થયું છે, જ્યારે પાંચ વર્ષમાં સરકારને માત્ર 0.12 ટકા વળતર મળ્યું છે

ગાંધીનગર : ગુજરાત સરકારના જાહેર સાહસો અને સરકારી કંપનીમાં રોકવામાં આવેલા રૂપિયા સામે સરકારને વળતર ઝીરો બરાબર મળી રહ્યું છે તેથી આ સાહસો અને કંપનીમાં રોકાણ નહીં કરવાની સલાહ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) તરફથી આપવામાં આવી છે. પાંચ વર્ષમાં સરકારે કરેલા રોકાણ સામે માત્ર 0.12 ટકા વળતર મળ્યું છે, જેની સામે સરકારે 7.57 ટકાનું વ્યાજ ભોગવ્યું છે.

ગુજરાત એસટી નિગમ 1973-74થી ખોટ કરી રહ્યું છે તેમ છતાં સરકાર આ નિગમમાં રૂપિયા રોકે છે. કેગના ઓડીટમાં તેની ટીકા કરી કહેવામાં આવ્યું છે કે સરકાર ખોટ કરતા જાહેર સાહસો અને કંપનીઓમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે તો તેની નેટવર્થ સંપૂર્ણ ભૂંસાઇ જશે, કારણ કે રોકાણ સામે વળતર મળવાની આશા રહેતી નથી.

રાજ્યના વૈધાનિક કોર્પોરેશન, ગ્રામીણ બેંકો, સરકારી કંપનીઓ, સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓમાં રાજ્ય સરકારનું રોકાણ 41 ટકા વધીને 99,919 કરોડ રૂપિયા થયું છે, જ્યારે રોકાણ પર સરકારનું વળતર 2015-16માં 0.14 ટકાથી ઘટીને 2019-20માં મામૂલી 0.09 ટકા જોવા મળ્યું છે.

પાછલા વર્ષમાં એસટી નિગમને વધારાના 260 કરોડ અને નર્મદા નિગમને 7115 કરોડ આપવામાં આવ્યા છે. નર્મદા નિગમે 5128 કરોડની ખોટ કરી છે જ્યારે એસટી નિગમે 3410 કરોડનું નુકશાન કર્યું છે. ઉર્જા વિકાસ નિગમમાં પણ સરકારે 775 કરોડનું રોકાણ કર્યું હતું જેની સામે વળતર મળ્યું નથી. કેગના રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું છે કે ખોટ કરતા સાહસો અને કંપનીઓમાં સરકાર શેરમૂડીના બદલે અનુદાન સ્વરૂપે ચૂકવણી કરે તો વળતરની આશા રાખી શકાય તેમ છે.

88 સરકારી કંપનીઓ અને નિગમમાંથી, 35 કંપનીઓએ 31 માર્ચ, 2020 સુધીમાં 28,921 કરોડ રૂપિયાની સંચિત ખોટ નોંધાવી હતી. આ 35 જાહેર સાહસોમાંથી 11 જેટલી કંપનીઓ સમાપ્ત થઈ રહી છે અને લિક્વિડેશનનો સામનો કરી રહી છે. જે 20 સાહસો અને કંપનીઓની મૂડી સંપૂર્ણપણ સમાપ્ત થઇ ગઇ છે તેમની પાસેથી સરકારને 4281 કરોડ રૂપિયા લેવાના બાકી નિકળે છે.

સરકારી વિભાગો અને જાહેર સાહસોનું

ફાજલ ભંડોળ રાજ્ય નાણાકીય સેવામાં મૂકવું અનુચિત : કેગ

સરકારે કરેલા નિર્ણયો ઉત્તમહિતમાં નથી, તેની સમીક્ષા કરવી જરૂરી

ગાંધીનગર : ગુજરાત સરકારના વિભાગો અને જાહેર સાહસોના ફાજલ કે બિન વપરાયેલા ભંડોળને નાણાકીય સેવામાં મૂકવા હિતાવહ નહીં હોવાનો અભિપ્રાય આપતાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સામાજીક તેમજ આર્થિક જવાબદારી પૂર્ણ કરવા સરકારની રોકડની તરલતા હંમેશા સંગીન હોવી જોઇએ.

એટલું જ નહીં સરકારે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે ફાળવવામાં આવેલા પરંતુ તાત્કાલિક જરૂર ન હોય તેવા ભંડોળ બોર્ડ-નિગમ દ્વારા તિજોરીઓમાંથી ઉપાડ કરવામાં ન આવે અને બેન્કો કે નાણાકીય સંસ્થાઓમાં ફાજલ તરીકે મૂકવામાં ન આવે. આ ભંડોળ એકબાજુ મૂકવામાં આવે તે માત્ર રોકડની તરલતા ઘટાડતું નથી પરંતુ અંદાજપત્રીય આયોજનને પણ નિષ્ફળ બનાવે છે.

આ ભંડોળ એક બાજુ મૂકી રાખવાથી રોકડ સંકળામણવાળા વિભાગોને તાકીદના અને મહત્વના હેતુઓ પર ખર્ચ કરવાથી વંચિત રાખે છે જ્યારે અન્ય વિભાગો આવા ભંડોળ કોઇ ફળદાયી હેતુ માટે મૂકવાને બદલે લાંબા સમય સુધી ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિઝ (જીએસએફએસ) પાસે રાખે છે જે નિર્દેશો સરકારના ઉત્તમ હિતમાં લાગતા નથી અને તેની સમીક્ષા કરવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે નાણા વિભાગે તેના એક આદેશથી રાજ્યના તમામ વિભાગો તેમજ જાહેર સાહસોને તેમના ફાજલ ભંડોળ નાણાકીય સેવામાં મૂકવાનો અને આ થાપણો પર મળેલું વ્યાજ સરકારના હિસાબમાં જમા કરવાનો નિર્દેશ કર્યો છે જેની સામે સરકારની દલીલ છે કે નાણાકીય સેવામાં વ્યાજના દરો બેન્કના દરો કરતાં વધુ હોય છે જેથી સરકારને કોઇ નુકશાન થતું નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3is75IR
via IFTTT

Post a Comment

أحدث أقدم