રામોલમાં ગટરમાંથી કેમિકલયુક્ત પાણી વહ્યું! જનઆરોગ્ય જોખમમાં

અમદાવાદ,તા.29 ઓક્ટોબર 2021, શુક્રવાર

રામોલ ટોલનાકા પાસે રામોલ ગામ તરફ જવાના રસ્તે શુક્રવારે ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બે ફૂટ જેટલા ઉછાળા મારીને બહાર વહ્યું હતું. આ ગંદા પાણી એક કિ.મી.સુધી રેલાયા હતા. કાળા, ભુરા, અને જાંબલી કલરવાળા આ પાણી આજુબાજુના વિસ્તારમાં ફરી વળ્યા હતા. આ મામલે સ્થાનિકોએ તંત્રને જાણ કરતા મ્યુનિ.ઇજનેર ખાતાના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. કેમિકલયુક્ત પાણી કોણે છોડયું, ક્યાંથી આવ્યું વગેરે બાબતે હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

રામોલ, વટવા, લાંભા વગેરે  વિસ્તાર કેમિકલયુક્ત પાણીને લઇને ભારે બદનામ છે. ઔદ્યોગિક એકમો આડેધડ પ્રોસોસ કર્યા વગર જ ગટર કે સ્ટ્રોમ વોટર લાઇન, ખારીકટ કેનાલમાં કેમિકલના પાણી છોડી દેતા હોય છે. શુક્રવારે સવારે રામોલ ટોલનાકા પાસેના રોડ પર આવી જ એક ઘટનામાં કેમિકલયુક્ત પાણી ગટરમાંથી નીકળી રહ્યું હતું. 

સ્થાનિકોએ આ અંગે જાણ કરતા તંત્ર દોડતું થયું હતું.મ્યુનિ.હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટીના ડે.ચેરમેન પ્રકાશ ગુર્જરના જણાવ્યા મુજબ આ મામલો ગંભીર છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારો છે. કેમિકલ માફિયાઓ જે બેફામ બન્યા છે તેઓને અંકુશમાં લેવા જરૂરી છે. આ મામલે પૂર્વ ઝોનના ઇજનેર ખાતાને જાણ કરીને તપાસ કરવા સુચના આપી દેવાઇ છે.

આ મામલે સંબધિત અધિકારીઓની ટીમ સ્થળ મુલાકાતે ગઇ હતી. તેઓએ તાત્કાલિક ધોરણે પાણી બંધ કરાવવાનું, રોડ પર ભરાયેલા પાણીનો નિકાલ કરાવવાની વ્યવસ્થા કરી હતી. કેમિકલયુક્ત પાણી કોણે છોડયું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ આવા એક કિસ્સામાં લાંભાની એક ફેક્ટરીએ કેમિકલયુક્ત પાણી છોડતા તેને ૨૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

થોડા વર્ષે પહેલા કેમિકલના ઝેરી ગેસની અસરથી એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા

ચારેક વર્ષ અગાઉ આવી જ રીતે કેમિકલયુક્ત પાણી રામોલ ટોલનાકા પાસેની એક ખુલ્લી ગટરમાં મોડી રાત્રે કોઇ ઠાલવી ગયું હતું. ગટરમાં કેમિકલ અને એસિડ ભેગા થતા ઝેરી ગેસનું ઉત્સર્જન થયું હતું. જેમાં મહેશ્વરી ટેકરા, તક્ષશીલા રોડ પર આવેલી એક સોસાયટીના ઘરમાં આ ગેસ ગટર લાઇનના માધ્યમથી ઘરમાં ફરી વળ્યો હતો. શિયાળાનો દિવસ , બારી-બારણા બંધ હોવાથી ગેસની અસરથી મા સહિત ચારેક બાળકોના મોત નિપજ્યા હોવાનો ચકચારી કિસ્સો પણ આ વિસ્તારમાં ભૂતકાળમાં બની ચૂક્યો છે. 

આ બનાવ જેતે સમયે 'ટોક ઓફ ઘ ટાઉન' રહ્યો હતો.  પોલસ તપાસ ચાલી, જીપીસીબી અને મ્યુનિ. અધિકારીઓએ થોડા દિવસ તપાસના નામે દોડધામ મચાવી. પછી તંત્ર અને અધિકારીઓ ઠરી ગયા !, આ કિસ્સા પછી પણ તંત્ર જાગ્યું નથી. કેમિકલ માફિયાઓ કેમિકલના ટેન્કરો ખુલ્લી ગટરોમાં આજે પણ ઠાલવી રહ્યા છે. કંપનીમાં તેનો પ્રોસેસિંગ પ્લાન્ટ નાંખવો જરૂરી છે છતાંય થોડા પૈસા બચાવી લેવાની વેતરણમાં ઝેરી કેમિકલ ગટરોમાં ઠાલવીને લોકોના જીવન સાથે ચેડા કરાઇ રહ્યા છે. છતાંય તંત્ર ચુપ છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pUad4D
via IFTTT

Post a Comment

أحدث أقدم