બી-સફલ પરના દરોડામાં રોકડ ને દાગીના સહિત માત્ર બે કરોડ મળ્યા


નવાઈની વાત તો એ છે કે અન્ય એજન્સીએ ટીડીઆર માટે બી-સફલને નોટિસ પણ આપી છે

અમદાવાદ : અમદાવાદના અગ્રણી બિલ્ડર ગુ્રપ પર પાડવામાં આવેલા દરોડાના ચોથા દિવસે આવકવેરા ખાતાના અધિકારીઓને માત્ર રૂા. 1 કરોડની રોકડ અને રૂા. 1 કરોડના દાગીના મળ્યા છે.તેમના 20 લોકર અત્યાર સુધી સીલ કરવામાં આવ્યા છે. એક તરફ આવકવેરા કચેરી એવો દાવો કરે છે કે તેમને બી-સફલ પર પાડવામાં આવેલા દરોડામાં ટ્રાન્સફર ઑફ ડેવલપમેન્ટ રાઈટના કોઈપણ પુરાવાઓ મળ્યા જ નથી. 

જોકે હજી તેમને ત્યાંથી મળેલા દસ્તાવેજોની ચકાસણી હજી બાકી હોવાનું પણ આવકવેરા ખાતાના સૂત્રો જણાવે છે.  બીજી તરફ કેન્દ્ર સરકારના જ સીજીએસટીની કચેરીના સૂત્રોએ બી-સફલ સહિતના બિલ્ડરોને ટીડીઆર માટે 18 ટકાના દરે ટેક્સ જમા કરાવવા માટે નોટિસ આપી દીધી છે. આ શૉ કૉઝ નોટિસના અનુસંધાનમાં ડિમાન્ડ નોટિસ પણ કાઢવામાં આવી છે. 

કોમર્શિયલ પ્રોપર્ટી માટેના ટીડીઆરમાં 18 ટકાના દરે જીએસટી માગ્યો છે. તેમ જ રેસિડેન્શિયલ પ્રોપર્ટીનું બીયુ પરમિશન મળ્યા પૂર્વે વેચાણ થયું હોય તો 18 ટકા અને બીયુ મળ્યા પછી 5 ટકાના દરે જીએસટી જમા કરાવવા જણાવ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.  આ સાથે જ બી-સફલ ગુ્રપના વધુ પાંચ લૉકરો આજે સીલ કરવામાં આવ્યા છે. ગઈકાલ સુધી 15 લૉકર સીલ કરવામાં આવ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kZbRz2
via IFTTT

Post a Comment

Previous Post Next Post