
ડુંગળીની આવકમાં ઘટાડો થતાં ભાવ આસમાને
વરસાદમાં પાકને નુકશાન થતાં ડુંગળીની આવક ઘટી, દિવાળીના તહેવારોના સમયે જ ભાવ વધ્યા
અમદાવાદ : દિવાળીના તહેવારોના સમયે જ ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોચ્યા છે. રૂા.30-40 કિલો મળતી ડુંગળીનો પ્રતિ કિલોનો ભાવ રૂા.60 સુધી પહોંચ્યો છે. આવકમાં ધરખમ ઘટાડો થતાં ડુંગળીના ભાવમાં ભડકો થયો છે.
આ વર્ષે ચોમાસાના અંતિમ દિવસોમાં ભારે વરસાદ વરસતાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો હતો. વરસાદને લીધે ખેતીને જ નહીં, ડુંગળીના પાકને વ્યાપક નુકશાન પહોૅંચ્યુ હતું. ડુંગળીના ઉત્પાદન પર અસર પહોંચી છે ત્યારે શાક માર્કેટમાં ડુંગળીના આવકમાં ધરખમ ઘટાડો થયો છે. ડુંગળીની માંગ સામે આવક ઘટતા ભાવો વધ્યાં છે.
જમાલપુર શાકમાર્કેટમાં તો ડુંગળીનો કિલોનો હોલસેલ ભાવ રૂા.15થી માંડીને રૂા.30 સુધીનો છે પણ છુટક માર્કેટ અને લારીવાળા ડુંગળી રૂા.60 કિલો વેચી રહ્યા છે. નાસિક સહિત અન્ય રાજ્યમાંથી ડુંગળી લઇને આવતી ટ્રકની સંખ્યામાં ય ઘટાડો થયો છે. સામાન્ય રીતે રોજ ડુંગળીને લઇને 20-25 ટ્રક આવે છે જયારે અત્યારે માંડ 10-15 ટ્રક આવી રહી છે.
આ જોતાં ડુંગળીના માંગમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવુ છેકે, દિવાળી પછીય ડુંગળીના ભાવ યથાવત રહેશે. જયાં સુધી ડુંગળીની નવી આવક નહી વધે ત્યા સુધી ભાવ વધારો જારી રહેશે. દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે ડુંગળીના ભાવમાં વધારો થયો છે જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. ડુંગળીના ભાવ વધતાં રેસ્ટોરન્ટ અને હોટલ વ્યવસાય પર પણ અસર પહોંચી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mjhWa4
via IFTTT
Post a Comment