
અપુરતા સ્ટાફ, નોટિસોની બજવણીની કામગીરી વચ્ચે
પહેલી એપ્રિલથી 20 સપ્ટેમ્બર સુધીમાં સૌથી વધુ 15,650 શબવાહિનીના કોલ ફાયર વિભાગે એટેન્ડ કર્યા
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફાયર સેફટીના સાધનો કે ફાયર એન.ઓ.સી.ના ધરાવતા બિલ્ડીંગો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.અમદાવાદ શહેરના 500 ચોરસ કીલોમીટર વિસ્તાર ઉપરાંત શહેર બહારના વિસ્તારોમાં પણ સેવા પુરી પાડતા અમદાવાદ ફાયર વિભાગ દ્વારા અપુરતા સ્ટાફ, ફાયર એન.ઓ.સી.ના ધરાવતા બિલ્ડીંગોને નોટિસો બજાવવાની કામગીરીની વચ્ચે 173 દિવસમાં વી.આઈ.પી.બંદોબસ્ત,જનરલ બંદોબસ્ત સહીતના કુલ મળીને 23 હજાર ઉપરાંત કોલ પાર પાડયાં છે.પહેલી એપ્રિલ-2021થી 20 સપ્ટેમ્બર સુધીમાં સૌથી વધુ 15650 કોલ શબવાહિનીના એટેન્ડ કરવામાં આવ્યાં છે.
આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેરના સમયમાં સમગ્ર અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોને સેનિટાઈઝ કરવાની કામગીરી કરનારા અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને શહેરમાં કોરોનાના કેસ ઘટતા આંશિક રાહત મળી હતી.
દરમ્યાન શહેરમાં આવેલી સ્કૂલો,હોસ્પિટલો ઉપરાંત ફાયર એન.ઓ.સી.ના ધરાવતા હોટલ,રેસ્ટોરન્ટ સહીતના તમામ બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવાના નામદાર કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવતા હાલની સ્થિતિમાં 650 ના ટેકનિકલ અને નોન ટેકનિકલ સ્ટાફની મદદથી વિવિધ બિલ્ડીંગો કે જેમના દ્વારા ફાયર એન.ઓ.સી.લેવામાં આવી નથી.એવા તમામ બિલ્ડીંગોને નોટિસો આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સામાન્ય લોકોના મનમાં એક સમજ એવી છે કે,ફાયર વિભાગ માત્ર આગ હોલવવાની કામગીરી કરે છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ વિભાગ વૃક્ષ ઉપર ફસાયેલા પક્ષીઓને બચાવવા,ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાથી લઈ મોબાઈલ ટાવર ઉપર ચઢેલાને ઉતારવા સુધીની વિવિધ પ્રકારની કામગીરીમાં સતત વ્યસ્ત જોવા મળે છે.અમદાવાદ ફાયર કંટ્રોલરૂમના તમામ ફોન સતત 24 કલાક રણકતા રહે છે.હાલની પરિસ્થિતિમાં 1500થી વધુના સ્ટાફની આવશ્યકતા હોવા છતાં હાલ જે સ્ટાફ છે એ અવિરત સેવા બજાવે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3m0VCAJ
via IFTTT
Post a Comment