વટવામાં રોન્ગ સાઇડમાં બાઇક અથડાતા યુવકને ફ્રેક્ચર ઃ દવાખાને લઇ જઇ આરોપી ફરાર

 અમદાવાદ,સોમવાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રનના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ઓઢવ અને વટવામાં હિટ એન્ડ રનના બે બનાવમાં ચાર લોકો ઘાયલ થયા હતા. જેમાં વટવામાં બાઇક ચાલકને ફ્રેકચર થયું હતું. જ્યારે ઓઢવમાં પતિ-પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે ગુનો નોંધીને ફરાર વાહન ચાલકોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઓઢવમાં વિરાટનગર પાસે બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર, પતિ પત્ની અને પુત્ર ઘાયલ

આ કેસની વિગત એવી છે કે   ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના  ખાત્રજ ગામમાં રહેતા અને અમદાવાદ વટવા જીઆઇડીસીમાં  ફેકટરીમાં નોકરી કરતા વિપુલભાઇ જશુભાઇ ભોઇ (ઉ.વ.૨૦) ગઇકાલે બાઇક લઇને પોતાના મિત્રને બેસાડીને વટવા જીઆઇડીસી નિકાટયુબ ચાર રસ્તાથી પસાર થઇ રહ્યા હતા આ સમયે રાન્ગ સાઇડમાં પૂર ઝડપે આવી રહેલા બાઇક ચાલકે ટક્કર મારતાં બન્ને નીચે પડયા હતા જેમાં બાઇક ચાલક પણ પટકાયો હતો આ સમયે આરોપી બાઇક ચાલક ખૂદ યુવકને સારવાર મંાટે હોસ્પિટલમાં લઇ ગયો હતો અને યુવકને ઢીંચણે ફ્રેકચર થયું હતું. દરમિયાન બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં નિકોલ રોડ  વિરાટનગર ચાર રસ્તા પાસે મનમોહન ચાર રસ્તા નજીક બાપા શ્રી પ્રાઇડ ખાતે રહેતા નવલસિંહ.એમ. મકવાણા (ઉ.વ.૪૦)એ  ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ના રોજ રાતે ૧૦ વાગે પત્ની તથા પુત્રને બાઇક પર બેસાડીને સગાના ઘરે જતા હતા, આ સમયે  પુરુષોત્તમનગર ત્રણ રસ્તા પાસે રોડ ક્રોસ કરતા હતા, જ્યાં પૂર ઝડપે આવી રહેલા કારના ચાલકે બાઇકને ટકકર મારતાં ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. જેથી પત્નીને માથામાં તથા પુત્રને ઢીંચણના ભાગે ફરિયાદીને પણ ઢીંચણે અને કોણીના ભાગે ઇજા થઇ હતી જો કે સારવાર ચાલતી હોવાથી ગઇકાલે કાર ચાલક સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iaGDDa
via IFTTT

Post a Comment

Previous Post Next Post